દીકરા-વહુઓએ માતા-પિતાની કરી વહેંચણી, પછી માતા-પિતાની જે હાલત થઇ જે જાણીને આંખ ભીની થઇ જશે

0
2045

“હાલોને આપણા મલકમાં”

લેખક – નટવરભાઈ રાવળદેવ થરા.

હિતેષભાઈ પોતાના પાંચ વર્ષના પૌત્ર શ્લોકને પીઠ પર બેસાડી પોતે ઘોડો બનીને રમાડી રહ્યા હતા એ વખતે જ શાકભાજી લેવા ગયેલી પુત્રવધૂ પ્રતિભા આવી ચડી. ઘડીક તો પૌત્ર અને દાદાનું આ નાટક જોઈ જ રહી. શ્લોક દાદાની પીઠ પર બેસીને બિંદાસ બોલી રહ્યો હતો,”ચલ મેરે ઘોડે ટીક્ ટીક્ ટીક્, ના મમ્મા ઘરમેં ના કીસીકી બીક્. ચલ મેરે ઘોડે ટીક્ ટીક્ ટીક્ ”

“હા હા,બદમાશ! ક્યાંથી કોઈની બીક હોય તને ! મારી ગેરહાજરીમાં કાયમ આવા જ ખેલ કરતા હશો ને દાદા, પૌત્ર ભેગા થઈને? કાયમ તારુ હોમવર્ક અધુરુ જ હોય છે, ને ઠપકો મારે સાંભળવો પડે છે!

પપ્પા તમે તો ટીચર હતા. તમને તો એટલી ખબર પડવી જોઈએ ને કે, આ રીતે બાળકને રમાડીને બગાડાય નહીં? ”

ગુસ્સા સાથે વાવાઝોડાની જેમ પ્રતિભા રસોડામાં ચાલી ગઈ.

હિતેષભાઈએ થોડો બચાવનો પ્રયત્ન કર્યો, “વહુ બેટા! શ્લોકની આ ઉંમર હજી રમવાની છે. અભ્યાસની સાથે થોડું રમવાનું મળે તો એનું મગજ આનંદમાં રહે. અને એનું હોમવર્ક તો હું પુરુ કરાવું જ છું. ઘણી વખત એટલું બધું હોમવર્ક હોય છે કે, મનેય દયા આવે છે એટલે પછી આવતીકાલ પર છોડી દઉં છું. અને આમેય પહેલા ધોરણમાં તો હવે દાખલ કરવાનો છે.”

“એ રમવાની વાતો બધી ભૂતકાળની થઈ પપ્પા. એ બધું ગામડામાં શોભે. હોમવર્ક તો જે તે દિવસે જ પુરુ કરવું પડે. અને બીજું કે, આ સીટી કલ્ચર છે. અહીં તો સોસાયટી સાથે તાલ મિલાવીને રહેવું પડે. આખી સોસાયટીમાં કોઈનુંય બાળક રમતું જોયું છે? અને હા, તમેય થોડું સૌનું જોઈ જોઈને તો શીખો. મારે ક્યાંય સાંભળવું ના પડે કે, “આ ફેમિલી સાવ ગામડીયણ છે!.”

“બેડરૂમમાં સાડા નવ વાગ્યા સુધી ઘોરતો પુત્ર વિશ્વાસ બગાસાં ખાતો ખાતો બહાર આવ્યો, “શું વાત છે પ્રતિભા?”

“શું વાત હોય બીજી! આ પપ્પાના છોકરવેડા. શ્લોકને રમાડી રમાડીને બગાડી રહ્યા છે. આપણને તો એમ હતું કે, મમ્મી, પપ્પા વારાફરતી શ્લોકની સંભાળ રાખશે, પરંતું આ તો ઉલટું જ થયું! “-પ્રતિભા ગુસ્સાભેર બોલી.

વિશ્વાસ તો “ઓહ! “-કરીને બ્રસ કરવા બાથરૂમમાં ચાલ્યો ગયો.

હિતેષભાઈને તો આજે બધું પાક્કું થઈ ગયું છતાંય થોડાય વિહ્વળ થયા વગર બોલ્યા, “પ્રતિભા વહુ! સાડા નવ થઈ ગયા છે, બગીચા બાજું આંટો મારી આવું. છાશની થેલી લાવવાની હોય તો કહેજો.”

“કેટલી વાર કહેવાનું કે, છાશનું નામ ના લ્યો, શ્લોક તમારા વાદે છાશ પીધા વગર રહેતો નથી. તમને ખબર છે કે, હું કાયમ એને બોર્નવીટાવાળું દૂધ જ આપું છું” – પ્રતિભા ગુસ્સાભેર બોલી.

“એ સારુ” કહીને હિતેષભાઈ બહાર નિકળી ગયા, સરીયામ રસ્તા પર પહોંચતાં જ કાયમની ટેવ મૂજબ મોંઢેથી ગીત સર્યું, “હસતે ગાતે જહાં સે ગૂજર, ચાંદ તારો કી પરવા ન કર. મુસ્કુરાતે હુએ દિન બિતાના, યહાં કલ ક્યા હો કિસને જાના!

બરાબર બગીચાના ગેટ પાસે પહોંચતાં જ રીંગ આવી. ફોન ધર્મપત્ની હેતલબેનનો જ હતો, “હેતલબેનનો હેલ્લો! શબ્દ સાંભળતાં જ હિતેષભાઈ મૂડમાં આવી ગયા,” હેલ્લો દિવાની, દિલબર દિલરુબા! મજે મેં?”

“શું તમેય પણ! આ લખ્ખણ તમારાં ક્યારે જાશે?” – હેતલબેન ગામઠી લહેકામાં બોલ્યાં.

“જબ આપકા યે આશિક પરધામ ચલા જાયેગા તબ!” – હિતેષભાઈ રોમેન્ટિક અંદાજમાં બોલ્યા.

“મ-રે મારો દુશ્મન! પણ તમે મજામાં તો છો ને? વહુ અને દિકરો સારુ રાખે છે ને? ” – હેતલબેન લાગણીભાવે બોલ્યાં.

હિતેષભાઈના હ્રદયમાં શેરડો પડી ગયો. “પણ તમે મજામાં તો છો ને? વહુ અને દિકરો સારુ રાખે છે ને?” – હેતલબેનનાં આ બે વાક્યો હિતેષભાઈના હ્રદય સોંસરવાં ઉતરી ગયાં. હિતેષભાઈનું અનુભવી હ્રદય પરિસ્થિતિ પામી ગયું. એમને નક્કી થઈ ગયું કે, ધર્મપત્નીની પરિસ્થિતિ પણ તેમના જેવી જ છે.

“હા, વિશ્વાસની મમ્મી! હું લ્હેરમાં છું. તું મારી લગીરેય ચિંતા કરીશ નહીં. દિકરો, વહુ ખુબ સારુ રાખે છે. તારુ શરીર સાચવજે. તારો એલર્જીવાળો કોઠો છે એટલે ઘણું કામકાજ ના કરતી. ટાઈમસર દવા લેતી રહેજે. બધાં મજામાં છે ને?” – હ્રદયનું દર્દ છુપાવીને હિતેષભાઈ સહજતાથી બોલ્યા.

“હા, હું મજામાં છું. બધી રીતે આનંદ છે. મારી કોઈ ચિંતા, ફિકર કરશો નહીં. લ્યો ત્યારે, હવે ફોન મૂકું છું.” – હેતલબેને પણ સહજભાવે બોલવાનો પ્રયત્ન કરીને ફોન મુકી દીધો.

હિતેષભાઈ દશ મહિના પહેલાં જ શિક્ષકની નોકરીમાંથી નિવૃત થયેલ છે. સ્વાભાવે કાયમી આનંદિત એવા હિતેષભાઈનાં ધર્મપત્ની હેતલબેન સન્નિષ્ઠ ગૃહિણી છે. પરિવારમાં બે પુત્રો છે. મોટો પુત્ર વિનોદ સિવિલ એન્જિનીયર છે ને રાજકોટમાં પોતાની ઓફિસ છે. હિતેષભાઈએ હમણાં જ નિવૃતિ વખતે મળેલ નાણાંમાંથી પચ્ચીસ લાખનો ટેકો કરીને ઓફિસ લેવડાવી છે. મકાન તો એણે પોતાની બચતમાંથી લીધેલ છે. વિનોદની પત્ની આકૃતિ બે બાળકોની માતા છે. મોટી દિકરી વિશ્વા અને નાનો દિકરો શ્રેય.

નાનો દિકરો તે વિશ્વાસ, એની ધર્મપત્ની પ્રતિભા અને પૌત્ર શ્લોક. વિશ્વાસ ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવે છે ને સારો પગારદારી છે. એને પણ હિતેષભાઈએ નિવૃત્તિ વખતે પચ્ચીસ લાખનો ટેકો કરીને મકાન લેવડાવ્યું છે. હાલ હિતેષભાઈ વિશ્વાસના પરિવાર સાથે છે.

હિતેષભાઈ છેલ્લે વતનના ગામમાં જ નોકરી કરતા હતા ને ત્યાંથી જ નિવૃત થયા. ગામડે ઘરની પાંચ વિઘા જમીન પણ ખરી. નિવૃતિની બધી વિધિ પૂર્ણ થયા પછી છઠ્ઠે મહિને જ બન્ને દિકરા અને તેમની પત્નીઓ હિતેષભાઈ અને હેતલબેનને તેઓની સાથે રહેવા માટે લેવા આવ્યાં. બન્ને દિકરાઓ વિનંતી કરીને પિતાજીને કહેવા લાગ્યા, “અમે બન્ને કમાતા છીએ, તમે હવે નિવૃત થયા છો. તો હવે અમારી સાથે ચાલો.”

જે તે વાયદા બતાવીને હિતેષભાઈએ બીજા ત્રણ મહિના વિતાવી દીધા પરંતુ પછી દિકરાઓની લાગણીને માન આપીને તૈયાર થઈ ગયા. ખેતીવાડી તો આમેય ભાગીયા દ્વારા થતી હતી એટલે એની કોઈ ચિંતા નહોતી પરંતુ ગામલોકોની લાગણીના લીધે જ થોડા અટકી રહ્યા હતા.

પરંતુ મોટાપુત્ર વિનોદે કહ્યું, “પપ્પા અમે તમારા બે દિકરાઓ છીએ. પુત્રોની લાગણી તો સરખી જ હોય, એટલે અમારા બન્ને ભાઈઓની એવી ઈચ્છા છે કે, એક દિકરાને ત્યાં મમ્મી રહે અને એક દિકરાને ત્યાં પપ્પા. મહિનો પુરો થાય એટલે મમ્મી બીજા દિકરાને ત્યાં અને પપ્પા બીજા દિકરાને ત્યાં. માબાપની લાગણીનો બન્ને પરિવારોને સરખો લાભ મળે એટલા માટે અમારી આવી ઈચ્છા છે.”

“અરે ભાઈ! તમે બન્ને તો અમારી આંખોનાં રતન છો. ગામ હવે તમારી અતિશય લાગણીઓને લીધે છોડવાનું જ છે તો તમારી ઈચ્છા અમને મંજુર છે. બરાબર ને વિશ્વાસનાં મમ્મી!” – હિતેષભાઈએ હસતાં હસતાં કહ્યું.

તંદ્રામાંથી અચાનક જાગતાં હોય તેમ હેતલબેન બોલ્યાં, “અરે! હા, હા, વિશ્વાસના બાપુ.”

માબાપ બન્ને દિકરાઓ વચ્ચે વહેચાઈ ગયાં. મહિનો પુરો થતાં જ વિનોદે હેતલબેનને કહ્યું, “ચાલો મમ્મી, હવે વિશ્વાસને ઘેર મુકવા આવું.”

હિતેષભાઈ હેતલબેનની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. વિશ્વાસના ઘેર પહોચતાં જ હેતલબેને સૌપ્રથમ હિતેષભાઈ પર નજર સ્થિર કરી. હિતેષભાઈએ દશેક સેકન્ડ હેતલબેનના ચહેરાનું મુલ્યાંકન કરીને હાસ્યની લહેરખી ફેંકી. હ્રદયના ઉંડાણમાંથી હતાશાના નિકળેલ હાયકારાને હિતેષભાઈએ ચહેરા પર આવતાં પહેલાં જ રોકી દીધો.

હિતેશભાઈ અને હેતલબેનનું આ ઔપચારિક મિલન બે કલાકનું રહ્યું. વારંવાર મોબાઈલમાં સમય જોતા વિનોદે જમવાનું પુરૂ થતાં જ કહ્યું, “ચાલો પપ્પા ! તૈયાર થઈ જાઓ.”

“અરે ભાઈ! તૈયાર જ છું. મારે વળી તૈયાર થવામાં શી વાર! ” – હિતેષભાઈ નિર્લેપ ભાવે બોલ્યા.”

હિતેષભાઈને જતી વખતે હેતલબેન એકીટશે જોઈ રહ્યાં હતાં. પ્રતિભા હાથે પકડીને હેતલબેનને ઘરમાં લઈ ગઈ.

શ્લોક આજે દાદા વગર ઉદાસ હતો તો વિશ્વા અને શ્રેય દાદી વગર. શ્લોક પ્રતિભાને પ્રશ્ન પુછી રહ્યો હતો, “મમ્મા! દદ્દુ કેમ જતા રહ્યા?” તો વિશ્વા અને શ્રેય આકૃતિને કહી રહ્યાં હતાં, “મમ્મા! હવે દાદી ક્યારે આવશે?”

ભૂલકાંઓનો નિસ્વાર્થ આજે મોટેરાંઓના સ્વાર્થમાં અટવાઈ ગયો હતો.

હિતેષભાઈ બાળકોના માત્ર ટ્યુશન શિક્ષક અને દેખરેખ રાખનાર બનીને રહી ગયા. ખાવા પીવાના મોજશોખ તો સુકાઈ જ ગયા. ઓગણસાઈઠેય અડીખમ હિતેષભાઈના શરીરમાં હજી એક પણ રોગનું નિશાન નહોતું પરંતુ દિકરાઓના ઘરમાં તો મોટાભાગનાં મિષ્ઠાન વાનગીઓની ચરી પાળવાની નોબત આવી ગઈ હતી. બન્ને દેરાણી જેઠાણીઓ ફોન પર વાતો કરીને કેટલાય નિયમો નક્કી કરી લેતી હતી.

વિકટ પરિસ્થિતિ તો હેતલબેનની હતી. બન્ને દિકરાઓને ઘેર કચરો પોતું તો સામાન્ય થઈ ગયું હતું. બાળકોને નવડાવવાં ધોવડાવવાં તો ખરૂ જ. ઉપરાંત શાકભાજી કાપવાનો અને લોટ બાંધવાનો વધારાનો હવાલો તો લટકાનો! વાહ રે નવા જમાનાની નવલી વહુરાણીઓ! એલર્જીની દવા બે ટાઈમ ફરજીયાત લેવાનું થઈ પડ્યું હેતલબેનને. અઠવાડિયે એકાદ વખત પંપ લેવાનું પણ નસીબમાં લખાઈ ગયું.

પાંચ મહિનાની અદલાબદલીમાં ના હિતેષભાઈએ એક હરફ ઉચ્ચાર્યો કે ના કદી હેતલબેને તેમની આપવીતી વર્ણવી. પાંચમે મહિને એકદમ તબીયત લથડતાં હેતલબેનને દવાખાને દાખલ કરવાં પડ્યાં. તાબડતોબ હિતેષભાઈ દવાખાને પહોંચી ગયા. હેતલબેન સાથે નજર મળી. ઉચાટભર્યા સ્વરે માથા પર હાથ મુકીને એટલું બોલ્યા, “આમ તો સારું છે ને વિશ્વાસનાં મમ્મી! ”

“આમ તો સારું છે વિશ્વાસના બાપુ.” – ચહેરા પર નિરર્થક હાસ્ય લાવવાની કોશિષ કરતાં હેતલબેન બોલ્યાં.

દિકરો, વહુ હાજર નહોતાં એટલે હિતેષભાઈ બોલ્યા, “તો હવે કહેવું છે તમારે મને? હાલોને આપણા મલકમાં. ”

લાચારી દર્શાવતા ચહેરે હેતલબેને હકારમાં ડોકું હલાવ્યું.

ચાર વાગ્યે ડોક્ટર આવતાં જ હિતેષભાઈ મળી આવ્યા અને ડોકટર સાથે થોડી ગુપચુપ કરી લીધી. બીજા દિવસે હિતેષભાઈનાં દિકરા વહુની હાજરીમાં ડોકટરે કહ્યું કે, “હેતલબેનને શહેરનું હવામાન ક્યારેય માફક નહી આવે. એમને જીવાડવાં હોય તો ગામડે લઈ જાઓ.”

અત્યારે વતનમાં હિતેષભાઈ અને હેતલબેન ખેતરમાં ફાર્મહાઉસ બનાવીને એશ કરી રહ્યાં છે. આંગણે ગીરની ત્રણ દુઝણી ગાયો છે. લીલાં તાજાં શાકભાજી, છાણીયા ખાતરથી પકવેલ બાજરા, ઘઉંનાં રોટલા, રોટલી, તાજાં છાશ, ઘી, માખણ આરોગી રહ્યાં છે.

હેતલબેનની એલર્જી ક્યારનીય ગાયબ થઈ ગઈ છે. પૌત્ર, પૌત્રીઓને રમાડવાના અભરખા તો મનના મનમાં રહી ગયા છે છતાંય મહિને બે મહિને આવતા બન્ને દિકરાના પરિવારોને ઘી, દુધની બરણીઓ ભરી આપે છે. બાજરા, ઘઉંની ગુણીઓય આપે છે તો બન્ને દિકરાઓનાં બાળકોને મુક્ત પર્યાવરણ વિષે સમજ આપવાની નાકામ કોશિષ પણ કરે છે.

લેખક – નટવરભાઈ રાવળદેવ થરા.

તા – 09/05/2022