દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની “માં” પણ હોય છે, વાંચો આ ભાવુક કરી દેનારી સ્ટોરી.

0
970

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સંસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા.

એક દિવસ છોકરીના સાસરિયાં વાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા.

દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી. પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી.

ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે?

બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા, ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી. છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધી ખબર કેમ પડી?

જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા કે મારે શું ખાવાનું છે? શું પીવાનું છે? મને કેવો ટેસ્ટ પસંદ છે? આ બધી ખબર તમને કેમ પડી?

દીકરીના સાસુએ કહ્યું, “કાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો. એણે મને કહ્યું કે, મારા પપ્પા એના સ્વભાવ પ્રમાણે કઈ બોલશે નહી પણ એમની તબિયતને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનુ છે. તમે મારા પપ્પાને સાચવજો.”

બાપની આંખ ભીની થઇ ગઈ. છોકરીના પિતા ઘરે આવ્યો એટલે ડ્રોઈંગરૂમમા રાખેલા સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દીધો. એમના પત્નીએ પૂછ્યું, ” કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો?”

આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને કહ્યું, “મને આજે ખબર પડી કે મારુ ધ્યાન રાખનારી મારી “માં” ગઈ જ નથી. આ જ ઘરમા હવે એ દીકરીના રુપે રહે છે.”

મિત્રો, જેના ઘરમાં દીકરી હોય એને બે માં નો પ્રેમ મળે છે એક જન્મદાત્રી “માં” અને બીજી દીકરીમા રહીને બાપને જીવની જેમ સાચવતી “માં” દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની “માં” પણ હોય છે.

– લેખક અજ્ઞાત. (વોટ્સએપમાં ફોરવર્ડ થયેલો મેસેજ)