દીકરી બોજ હોય છે એવું માનતા પરિવારમાં જન્મેલી દીકરીઓની કેવી હાલત થાય છે તે જાણો.

0
767

મારી રસોઈ તો ઘરમાં બધા આંગળીઓ ચાટી ચાટીને ખાય છે. હવે શું કહું ભાભી તમને, જયારે પણ કોઈ મહેમાન અમારા ઘરે આવે છે તો મારી સાસુ કહે છે કે વહુ આજે તું જ બધું ખાવાનું બનાવ. તમારા હાથનું ભોજન ખાઈને મહેમાનો આંગળીઓ ચાટતા રહેશે. પોતાની વાત કરતા શ્રધા બોલી.

મારી દીકરી ક્યાં કોઈનાથી ઓછી છે. જીવતી રહે દીકરી. આવી રીતે જ તારા સાસરીયાના દિલ જીતી લે. જેથી ઘરમાં તારું જ રાજ ચાલે. અહિયાં તો સાસુને એક ટંકનું મનપસંદ ખાવાનું પણ નથી મળતું. દીપ્તિબેને આવું કહીને પોતાની વહુ સુગંધાને મહેણું સંભળાવ્યું.

દીપ્તિબેન પોતાની વહુ સુગંધાને સંભળાવી રહ્યા હતા ત્યારે સુગંધાની મોટી દીકરી સ્વરા ત્યાં આવી પહોંચે છે.

અરે ફોઈ આવ્યા છે. પોતાના આટલા વખાણ તો અમારી વ્હાલી ફોઈ જ કરી શકે છે. ફોઈ, કેમ છો તમે? જો તમે આટલું સારું ખાવાનું બનાવો છો તો ક્યારેક અમને પણ તમારા હાથનું ભોજન ખવરાવો. કેમ દાદી સાચું કહ્યુંને મેં? અને હા, મમ્મી તમે એક કામ કરો, તમે દાદીને રોજ સવારે આલુ પૂરી બનાવીને આપો છો તે બંધ કરી દો, કેમ કે દાદીને ગેસ થઇ જાય છે. બરાબરને દાદી, ચાલશેને તમારે? સ્વરા બોલી.

કેમ ગઢપણમાં કારણ વગર દાદીની પાછળ પડી રહે છે તું. જયારે જુવો ત્યારે ઘરમાં તારી મમ્મીની ચમચી બનતી રહે છે, કોઈ કામમાં ધ્યાન આપ જેથી તારા પિતા ઉપર બોજ ન બની રહે. દીપ્તિબેન બોલ્યા.

સસસસસ… સ્વરા શું છે આ બધું, શું બોલી રહી છે? જરા સ્થળ જોઈને તો બોલ. જોતી નથી અહિયાં બધા મોટા બેઠા છે. કોણે કહ્યું મોટા વચ્ચે બોલવા માટે. પછી તારી દાદી મને જ કહે છે કે, દીકરીઓને કોઈ સંસ્કાર નથી આપ્યા. જવ જઈને તારા રૂમમાં અભ્યાસ કર. કોલેજની પરીક્ષાઓ નજીક આવી રહી છે. માફ કરજે શ્રદ્ધા એ તો કાંઈ પણ બોલતી રહે છે. તું તેની વાતનું ખોટું ન લગાડીશ, ખબર નહિ કોલેજ જઈને વધુ જ બગડી ગઈ છે.

ના મમ્મી, હું તો આ ઘરમાં રહીને બગડી ગઈ છું. ખાસ કરીને મારી વ્હાલી દાદી અને અમારા વ્હાલા પપ્પાને કારણે, જે અમારા જન્મથી જ અમારાથી પીછો છોડાવવામાં લાગેલા રહે છે. જલ્દી કોઈ વરરાજો શોધી લો જેથી આ જેલ જેવા ઘર માંથી બહાર નીકળી જવાય.

આટલું કહીને સ્વરા પોતાના રૂમમાં જાય છે અને જોરથી દરવાજો બંધ કરે છે. પણ સ્વરાની આ હરકત અને પોતાની દાદી અને ફોઈને જોવાનો દ્રષ્ટિકોણ તેના ઘરમાં ચાલી રહેલ રૂઢિવાદી વિચારસરણીને કારણે જ હતો. જયારે સ્વરા જન્મી હતી ત્યારે દીપ્તિબેનને દીકરાની જ ઈચ્છા હતી. પછી જયારે સ્વરાની બહેન રાગીની જન્મી ત્યારે સ્વરાએ રૂમની બહારથી જ પોતાના પિતા અને દાદીની વાતો સાંભળી. તેને સમજાઈ ગયું કે તે અને તેની બહેન બંને જ આ ઘરમાં અણમાનીતી હતી.

ત્યારથી જ સ્વરા પોતાની દાદી અને પિતાને જોઈ ગાલ ફુલાવી લે છે. અને ત્યારથી જ તેના સંબંધ તેના પિતા અને દાદી સાથે થોડા કડવાશ ભરેલા થઇ ગયા છે. અને ફોઈને તે એટલા માટે પસંદ કરતી ન હતી, કેમ કે તે કોઈ વાતને વધારી વધારીને કહેતી અને પછી દીપ્તિબેન પોતાની વહુ સુગંધાને મહેણાં સંભળાવવા લાગી હતા.

બસ ભાભી બહુ થયું. હું મારું અપમાન કરાવવા અહીં નથી આવતી. તમે તમારી દીકરીને જરા સભ્યતા શીખવો કે મોટા સાથે વાત કેવી રીતે કરાય છે. અમારા માતા પિતાએ તો અમને આવા સંસ્કાર નથી આપ્યા.

તું કોને કહી રહી છે દીકરી, તે માં દીકરી એક જ થાળીમાં તો ખાય છે. દીપ્તિબેન બોલ્યા.

સુગંધા કાંઈ ન બોલી અને ચુપ ચાપ રસોડામાં જઈને પોતાનું કામ કરવા લાગી, કેમ કે ઘરમાં આ બધું તો રોજનું જ હતું. પોતાની સાસુ, પતિ અને નણંદ સામે સાચી બાબત પર બોલવાની હિમ્મત ન કરી શકવાને કારણે પોતાની દીકરીના સપનાને પણ રૂમમાં બંધ થતા જોઈ રહી.