લક્ષ્મી તણો અવતાર “દિકરી”, આ કવિતા વાંચીને આંખો ભીની થઈ જશે.

0
706

દિકરી :

અણમોલ જગને ભેટ એ

લક્ષ્મી તણો અવતાર છે,

માબાપની એ લાડલી

મને જીવથી વ્હાલી દિકરી….

પાલવ માનો કર ગ્રહી

મીઠડું મલકતી નાનકી,

બાપુની પકડે આંગળી

મને જીવથી વ્હાલી દિકરી….

પા પા રે પગલી પાડતાં

આંગણ વેરાતાં ફુલડાં ,

હર્યુભર્યું ઘર લાગતું

મને જીવથી વ્હાલી દિકરી…

કામે વિસામો માતનો

ભાઈ તણો પમરાટ છે,

દાદા દાદીની ગોઠી એ

મને જીવથી વ્હાલી દિકરી…

મીઠડો રે ટહુકો મોર સો

કરતી સૌને સંબોધને,

પાવન થયું મુજ આંગણું

મને જીવથી વ્હાલી દિકરી….

ફરિયાદ ના કોઈ મુખથી

પરિવારને કરતી કદી,

સમધિ સરીખુ દિલડું રે

મને જીવથી વ્હાલી દિકરી…..

લાવે પિતા કોઈ વાનગી

ના એકલી આરોગતી,

બટકું ભરાવે વીરને

મને જીવથી વ્હાલી દિકરી….

ટુકડો ટુકડો વહેંચતી

હેતે કરીને લાડલી,

ઉપદેશ એમાં સ્નેહનો

મને જીવથી વ્હાલી દિકરી….

સંસ્કારની એ મૂરતિ

સંસ્કૃતિ છે સમાજની,

સહનશીલતા છે ઘણી

મને જીવથી વ્હાલી દિકરી…

ત્રણ ગૃહની છે તારીણી

સંસારનો આધાર એ,

દરિયો છે રે વ્હાલનો

મને જીવથી વ્હાલી દિકરી…

પિતૃગૃહે હ્રદયે ભરે

ભાથું જીવનનું ભાવથી,

ના રાવ કે ફરિયાદ કો

મને જીવથી વ્હાલી દિકરી…..

આંસુ ભરેલી આંખથી

ભેટે વિદાયે તાતને,

સંભારણું એ ગજબનું

મને જીવથી વ્હાલી દિકરી….

દુ:ખમાં એ છે કે સુખમાં

જગત ના જાણી શક્યું,

મનખો રે એનો ધન્ય છે

મને જીવથી વ્હાલી દિકરી…….

રચના :- નટવરભાઈ રાવળદેવ થરા.