આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું, હવે
લાગે સાવ સૂનાં સૂનાં, દીકરી વિદાય પછી.
સદાય હસતી આંખમાં ઘટના બની નવી,
આંસુ વહ્યાં ઊના ઊના, દીકરી વિદાય પછી.
હંમેશા હેતથી બોલાવતી,ને પ્રેમથી પુકારતી,
એ અવાજ પડઘાય ઓરડે, દીકરી વિદાય પછી.
આ બારણું, આ મંડપ ઊભા સાવ સૂનાં,
લટકે છે તોરણ આંસુનાં, દીકરી વિદાય પછી.
આસોપાલવના તોરણ અને ઉદાસ આ હવા
વૃક્ષો ઊભા બધાં છાનામાના, દીકરી વિદાય પછી.
ઊડી ગયું પંખી, કલરવ કરતું આંગણેથી,
લ્યો, ઘૂઘવે છે દરિયા લૂના, દીકરી વિદાય પછી.
આ પાદર આખુંય હિબકાં ભરે ને
હૈયડાં વલોવાય, ‘શ્યામ’ નાં, દીકરી વિદાય પછી.
– ઘનશ્યામ વઘાસીયા
(સાભાર હસમુખ ગોહિલ, અમર કથાઓ ગ્રુપ)