“દિઠો આજ આબુ ગિરીરાજ એવો” – કવિ દલપતરામે કરેલું આબુનું વર્ણન જે આજની પેઢીએ જાણ્યું નહિ હોય.

0
908

માઉન્ટ આબુની ભવ્યતા, એની વનરાજી, એનો સૂર્યોદય, એનો સૂર્યાસ્ત, અને અજવાળીયામાં ચાંદનીનું વર્ણન કવિ દલપતરામે પોતાની રચના, ”દિઠો આજ આબુ ગિરીરાજ એવો” માં સરસ વર્ણન કરેલ છે. આજની નવી જનરેશને કદાચ આ રચના માણી પણ નહીં હોય અને આપણી હરોળના મિત્રો ભૂલી પણ ગયા હશે. તેથી ગમતાનો ગુલાલ કરવા આ રચના શેર કરુ છું. આશા છે કે આપને ગમશે.

– હસમુખ ગોહીલ

આબુનું વર્ણન :

ભલો દૂરથી દેખતાં દીલ ભાવ્યો,

ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો,

દિસે કુંડનો દેવતા બીજ જેવો,

દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

તિથી પૂનમે શોભિતા સાંજ ટાણે.

બન્યા ઘંટ બે સૂર્યને સોમ જાણે

દીપે દેવ હાથી કહે કોઇ કેવો

દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

કદિ ઉપરે જૈ જુઓ આંખ ફાડી,

ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી,

મહા સ્વાદુ માગ્યો મળે મિષ્ટ મેવો,

દિઠો આજ આબુ ગિરીરાજ એવો.

જુના જૈનના હિન્દુના સ્થાન જેમાં

અતિ ખ્યાત છે અર્બુદા દેવી એમાં

કહી તે કથા જાણવા જોગ કામે

રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.

– કવિ દલપતરામ

(સાભાર હસમુખ ગોહિલ, અમર કથાઓ ગ્રુપ)