જાણો દિવાળીએ ડુંગર ઉપર મેરાયું પ્રગટાવવાની પરંપરા વિષે જે આધુનિક યુગમાં લુપ્ત થતી જઈ રહી છે.

0
449

દિવાળીએ ડુંગર ઉપર ૧૩ ફૂટ ઉંચુ મેરાયું પ્રગટાવવાની પરંપરા :

આજના આધુનિક યુગમાં ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલી પરંપરાઓ કાળની ગર્તા માં ધકેલાઈ રહી છે. પહેલાં ના સમયમાં દિવાળીના દિવસે બાળકો હાથમાં મેરાયું પકડી આજ દિવાળી કાલ દિવાળી ગોકુળિયા થાય દિવાળી…. બોલતા બોલતા ધરે ધરે તેલ પુરાવા નીકળતાં હતા. પણ હવે મેરાયું ની આ પ્રથામાં ઓટ આવતી જાય છે. જોકે અરવલ્લી જિલ્લાના મોડાસા ના શામપુર ગામે અનોખું મેરાયું વર્ષોથી એક અજાયબી છે.

દિવાળીના દિવસે આ ગામના ઉંચા ડુંગર ઉપર ૧૩ ફૂટ ઉંચુ મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે જળવાયેલી છે. ઇડર સ્ટેટ સમય થી આ પરંપરા ચાલી આવી છે. આ મેરાયું ઈંટ અને ચૂનાથી કોણે અને ક્યારે ચણવ્યું? તેનો કોઈ લેખિત દસ્તાવેજ નથી પણ દિવાળીના દિવસે એમાં ધી પૂરી પ્રગટાવાય પછી આ વિસ્તારમાં દીપોત્સવી પર્વની ઉજવણી થાય છે.

કહેવાય છે કે અગાઉ ના વર્ષોમાં આ મેરાયા માં ૫ મણ ધી હોમાઈ જતું હતું. દિવેટ તૈયાર કરવા માટે સુતરાઉ ધોતી નો ઉપયોગ કરવામાં આવતો હતો. કાળક્રમે તેમાં તાંબાની કુંડી ફીટ કરી ધી ની ખપત ઓછી કરવામાં આવી છે.

પ્રજા અને પશુઓની સુખાકારી માટે આ ઉંચા ડુંગર ઉપર વિશાળ મેરાયું પ્રગટાવ્યા બાદ સ્થાનિક પ્રજા દીપાવલીનું પર્વ ઉજવે છે. વર્ષોથી આ પરંપરા ગ્રામજનો નિભાવી રહ્યા છે. દિવાળી ની રાત્રે વાજતે ગાજતે ગ્રામજનો એક જગ્યા એ ધી અને શ્રીફળ લઈ એકત્ર થયા બાદ ડુંગર ચડતા હોય છે અને ત્યાર બાદ મેરાયું પ્રગટાવી સુખાકારી ની પ્રાર્થના કરતા હોય છે.

– દીનેશ નાયક “અક્ષર” (અમર કથાઓ ગ્રુપ)