માવઠું :
પાયલને મનમાં તો રાહુલ કંજુસ જ લાગતો.. પણ બેનપણીઓમાં વાત નિકળે ત્યારે એ બચાવ જ કરતી.
” તમારા વરની જેમ એ પૈસાવાળાના દિકરા નથી. ભાઈ બેનના લગ્નનો ખર્ચો કર્યો. પગારમાંથી બા બાપુજી માટે પૈસા મોકલવા. અહીં ઘર ચલાવવું. એટલે તમારા વરની જેમ હરવા ફરવા અને અવાર નવાર ભેટ લાવવાના ખર્ચા કરતા નથી. બાકી એ સ્વભાવના ખુબ સારા છે. ”
પાયલ અને રાહુલના લગ્નને દોઢેક વરસ થયું હતું. લગ્ન પછી પાયલના બે જન્મ દિવસ આવી ગયા, એક લગ્ન દિવસ પણ આવ્યો. પણ રાહુલે કંઈ મોટો ખર્ચ કર્યો ન હતો.
મહા માસની કડકડતી ઠંડી તો હતી, એમાં વાદળ ચડ્યા. કરા સાથે ભારે માવઠું થયું. ઠંડીમાં ભજીયા ખાવાની મજા આવશે , એમ વિચારી પાયલે તૈયારી કરી લીધી, અને રાહુલના આવવાની રાહ જોવા લાગી.
માવઠાના કડાકા ભડાકા ચાલુ હતા. રાહુલ પલળતો પલળતો એકાદ કલાક મોડો ઘરે આવ્યો. શરીર લુછ્યું. કપડાં બદલ્યા.
પાયલે કહ્યું ” આજે ભજીયાની તૈયારી રાખી છે. હું તો ક્યારની રાહ જોતી હતી. હવે તાવડો મુકી દઉં.”
રાહુલે એને બોલાવી. ” ના , પછી મુકજે.. થોડીવાર અહીં આવ.”
પાયલ એની પાસે બેઠી, રાહુલે એક ડબ્બી કાઢી , ખોલી. પાયલનો હાથ પકડ્યો. એક સોનાની સુંદર વીંટી પહેરાવી.
પાયલ કંઈ બોલે , તે પહેલાં એક જોરદાર કડાકો થયો. એ પતિને વળગી પડી. વળગવું જ હતું. કડાકાની બીક તો બહાનું બની.
ખભે માથું રાખી , નજર મેળવ્યા વગર એ બોલી. ” હં.. હવે મને ખબર પડી.. તમે થોડા દિવસ પહેલાં મારા આંગળા ઘડીએ ઘડીએ કેમ પકડતા હતા.. વીંટીનું માપ લેતા હતા ને?”
” પાયલ , મેં લગ્ન પછી દોઢ વરસમાં તને કંઈ આપ્યું નથી. થોડી બચત હતી અને થોડો પગાર વધારો આવ્યો. એટલે આના જેટલી રકમ થઈ ગઈ. ”
પાયલે કહ્યું. ” મને તમે કંજુસ લાગતા.. પણ હવે લાગે છે કે.. બીજીના વર શ્રાવણના ઝરમર ઝરમર ઝાપટાં જેવા ભલે હોય.. મારો વર તો મહા મહિનાના માવઠાં જેવો છે.. અચાનક ધોધમાર વરસી પડે. ”
– જયંતીલાલ ચૌહાણ ૧૪-૮-૨૧ (અમર કથાઓ ગ્રુપ)