ભાગવત રહસ્ય 87: જાણો કેવા લોકોને તીર્થ યાત્રા કરવાની ખાસ જરૂર નથી, તેમને ઘર બેઠાં જ ગંગા છે.

0
870

ભાગવત રહસ્ય – ૮૭

દુર્યોધને નોકરોને હુકમ કર્યો કે આ વિદુરજીને ધક્કા મારીને બહાર કાઢી મુકો. વિદુરજીએ વિચાર્યું કે આ દૂર્યોધનના નોકરો ધક્કા મારે તો તેમને પાપ લાગશે, હું જ સભા છોડી જઈશ. સમજીને ઘરનો ત્યાગ કર્યો છે. વિદુરજી ક્ષત્રિય હતા, હાથમાં ધનુષ્યબાણ ધારણ કરતા હતા. ધનુષ્યબાણ તેમણે ત્યાં જ મૂકી દીધાં છે.

વિદુરજી સભાની બહાર આવ્યા તો ચતુર્ભુજ નારાયણના દર્શન થયાં. પ્રભુએ ગાલમાં સ્મિત કર્યું છે. કહે છે કે મેં જ તમારી નિંદા કરાવી છે, મારી ઈચ્છા હવે એવી છે કે તમે હવે હસ્તિનાપુરમાં રહેશો નહિ. હવે તમે તીર્થયાત્રા કરવા જાવ. વિદુરજીને પ્રભુ જે ઝૂંપડીમાં પધારેલા તેની મમતા લાગી હતી. વિદુરજી કહે છે બહુ ભટકવાથી મન અશાંત રહે છે, મારે તીર્થમાં ભટકવું નથી. પણ આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે. પ્રભુને વંદન કરી તેમની આજ્ઞા મુજબ વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા છે. ૩૬ વર્ષ સુધીની યાત્રા કરવા નીકળ્યા છે પણ સાથે કંઈ લીધું નથી.

આજકાલ લોકો ૩૬ દિવસની યાત્રાએ નીકળે છે તો ૩૭ જાતની ચીજવસ્તુઓ સાથે લે છે. પોતાની જરૂરિયાતની મોટી યાદી બનાવે છે. અને આ યાદી મુજબ બધું આવી ગયું નહિ? તેની પણ કાળજી રાખે છે. ઘણા તો ડબ્બા ભરીને નાસ્તા જોડે લઇ જાય છે. ગાડીમાંજ તેમને વધારે ભુખ લાગે છે. ગાડીમાં જ ફાકા મારવાનું ચાલુ કરી દે છે. અપવિત્ર જગા અને ગમે ત્યાં રસ્તામાં ખાવાનું વર્જિત છે. બહુ જ ભુખ લાગે તો દૂધ કે ફળ લેવાય.

યાત્રા નો અર્થ છે – યાતિ ત્રાતિ. ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી લઇ, અનુકૂળ વિષયોમાં જોડી દેવી એ જ યાત્રા. તીર્થયાત્રા તીર્થરૂપ થવા માટે છે. શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક યાત્રા કરે તો તે તીર્થ જેવો પવિત્ર થાય છે. આજકાલ તો લોકો પૈસા બહુ વધે એટલે યાત્રાના બહાને લહેર કરવા નીકળી પડે છે.

મહાપ્રભુજી દુઃખથી બોલ્યા છે કે અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થમાં રહેવા જવા લાગ્યા, એટલે તીર્થનો મહિમા લુપ્ત થયો છે. યાત્રા કેવી રીતે કરવી? તેનું વર્ણન ભાગવતમાં છે, પણ તે મુજબ અત્યારના આધુનિક જમાનામાં કોઈ યાત્રા કરે? તે સવાલ છે.

વિદુરજી અવધૂત વેશે પૃથ્વી ઉપર ફરતા હતા, જેથી સગાં-સંબંધી તેમને ઓળખી શકે નહિ. પવિત્ર અને થોડું ભોજન લેતા. પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા, ભૂમિ ઉપર શયન કરતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતો કરતા.

કાશી, અયોધ્યા, નર્મદાના કિનારે, ગંગાના કિનારે એવા અસંખ્ય તીર્થોમાં યાત્રા કરે છે. કાશી અને ગંગા કિનારો એ જ્ઞાનભૂમિ છે. અયોધ્યા વૈરાગ્યભૂમિ છે.
નર્મદા કિનારો તપોભૂમિ છે. વ્રજ એ પ્રેમભૂમિ છે.

જેનું મન શુદ્ધ છે, તેને યાત્રા કરવાની ખાસ જરૂર નથી, તેને ઘર બેઠાં જ ગંગા છે. તુલસીદાસજીએ કહ્યું છે કે “તુલસી જબ મન શુદ્ધ ભયો, તબ તીર્થ તીર ગયો ન ગયો.” મનને શુદ્ધ કરવા તીર્થયાત્રાની જરૂર છે, પણ જેનું મન શુદ્ધ જ છે, જેને એક ઠેકાણે બેસીને સેવા સ્મરણમાં આનંદ મળે છે, જેને ભક્તિનો રંગ લાગ્યો છે તે તીર્થ યાત્રા કરવા માટે બહુ ભટકે નહિ. બહુ ભટકવાથી મન ચંચળ થાય છે.

વિદુરજીની યાત્રા અલૌકિક છે. તીર્થોમાં ફરતાં ફરતાં યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા છે. વૃંદાવનનો મહિમા બહુ છે. વિદુરજી તન્મય-ભાવવિભોર થયા છે અને અનુભવ થયો છે, એક એક લીલા પ્રત્યક્ષ દેખાય છે.

મારા શ્રીકૃષ્ણ ગાયો લઈને યમુના કિનારે આવ્યા છે. લાલાજીની મીઠી વાંસળી સંભળાય છે. આ કદમનું ઝાડ, જેને ટેર કદમ કહે છે, તેના પર વિરાજેલા શ્રીકૃષ્ણ તેમની વહાલી ગાયોને તેમના નામ દઈ બોલાવે છે. જે ગાયનું નામ દઈને માલિક બોલાવે તે ગાયને બહુ આનંદ થાય છે, તેને ખડ (ઘાસ) ખાવાનું ભાન રહેતું નથી, મોઢામાંથી ખડ નીચે પડે છે, અને ગાય હુંભ-હુંભ કરતી દોડે છે.

કદંબના ઝાડને ઘેરીને ગાયો ઉભી છે, તેમનાં મોઢાં ઉંચા છે, માલિકને જોઈ રહ્યા છે, કેટલીક ગાયો લાલાના પગને ચાટી રહી છે, ગાયો પરમાત્માને મનથી મળી રહી છે, આંખથી પરમાત્માના રૂપનું પાન કરે છે, આંખથી લાલાને મનમાં ઉતારે છે, શરીરમાં રોમાંચ થયો છે, અને આંચળમાંથી દૂધની ધારા વહે છે.

શ્રીકૃષ્ણ વાંસળી વગાડી કેવળ ગાયોને જ બોલાવતા નથી, આપણને પણ બોલાવે છે. પણ જીવ અભાગિયો છે, તેને પ્રભુને મળવાની ઈચ્છા થતી નથી. એક વૈષ્ણવે શ્રીનાથજી બાવાને પૂછ્યું કે, એ વખતે ગિરિરાજ ધારણ કરવો હતો એટલે એક હાથ ઉંચો કરેલો પણ હવે હાથ ઉંચો રાખવાની શી જરૂર છે?
ભગવાને કહ્યું કે, જીવ માયારૂપી રમકડાં રમવામાં એવા તન્મય થયા છે કે મને ભૂલી ગયા છે, એટલે હાથ ઉંચો કરી તેમને બોલાવું છું.

વિદુરજી વિચારે છે કે મારા કરતાં આ વૃંદાવનનાં પશુઓ શ્રેષ્ઠ છે. પરમાત્માને મળવા આતુર થઇ દોડે છે. આંખો પ્રેમભીની થઇ છે. એવો પ્રસંગ ક્યારે આવશે કે હું પણ ગાયો જેમ કૃષ્ણ મિલન માટે દોડીશ?

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)