દરેક વખતે આવેશમાં આવીને કોઈ પણ પગલું ભરવું નહિ, મેજિસ્ટ્રેટ આ પ્રસંગ પરથી સમજો આ વાત.

0
327

1971 ના ફાગણ માસમાં બપોરનો સમય થવા આવ્યો હતો. અમરેલી શહેરમાં ધૂળેટીનું પર્વ ઉજવાઈ રહ્યું હતું. લોકો મસ્તીમાં ગુલતાન હતા. પો.સ.ઈ બારોટ રાબેતા મુજબ રજાનો ભોગ આપી કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ડ્યૂટી ઉપર હાજર હતા. આમેય એકવાર ખાખી રંગ અંગે લગાડ્યા પછી જીવનના બીજા રંગો દૂર થતાં જતાં હોય છે.

એવામાં પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં એક એમ્બેસેડર કાર પ્રવેશી અને ઝાટકા સાથે બ્રેક મારી ઉભી રહી. અંદરથી કાળા મોઢા અને હોળીના વિવિધ રંગોથી ખરડાયેલા વસ્ત્રો સાથે આખો પરિવાર બહાર નીકળ્યો અને પરિવારના મોભી હોય તેવા એક સફારી સૂટમાં સજ્જ એવા એક સજ્જન ધુંઆપૂઆં થતા બહાર ઉભેલા કોન્સ્ટેબલને તાડુકી ને પૂછ્યું… ક્યાં છે તમારા અધિકારી? મારે ફરિયાદ નોંધવવી છે. હું મેજિસ્ટ્રેટ છું.

કોન્સ્ટેબલે જાણ્યું કે મોટા સાહેબ લાગે છે એટલે વિનયપૂર્વક એમને PSI ની ચેમ્બર તરફ દોરી ગયો…. ગુસ્સામાં રાતાપીળાં થતાં મેજિસ્ટ્રેટ એ કહ્યું કે મિ. બારોટ તમારા ગામમાં કોઈ કાયદો વ્યવસ્થા જેવું છે કે નહીં? મને કાગળ-પેન આપો. મારે ફરિયાદ નોંધાવવી છે. બારોટ પરિસ્થિતિનો તાગ પામી ગયા. એમણે તુરત બેલ મારી પટાવાળાને સહુને પાણી આપવા કહ્યું. મેજિસ્ટ્રેટ સાહેબને શાંત થવા કહી કાગળ અને પેન આપ્યા અને માંડીને વાત કરવા કહ્યું તેમજ પરિવારના સભ્યોને કપડાં અને મોઢું સાફ કરવા બાથરૂમની તરફ લઈ જવા સૂચના આપી.

બન્યું એવું હતું કે મેજિસ્ટ્રેટ વહેલી સવારે ભાવનગર બાજુએથી નીકળી અમરેલી પાસેના કોઈ ગામમાં પારિવારિક પ્રસંગે જવા નીકળ્યા હતા. સારા પ્રસંગે જવાનું હતું એટલે પરિવાર સહ ગાડી લઈ સજીધજીને નીકળેલા, અને અમરેલીની બજારમાંથી પસાર થતાં હોળીના ફાગમાં મસ્ત યુવાનોની ટોળકીએ એમને અટકાવ્યા અને ‘ગોઠ’ માંગી નહીંતર તેઓ રંગ લગાવશે એમ કહી જીદે ચડ્યા.

મેજિસ્ટ્રેટ સાહેબ પરિસ્થિતિ સમજી શક્યા નહી અને સમજાવટની જગ્યાએ સત્તાનો માર્ગ પસંદ કર્યો… તમે બધા શું સમજો છો? એવું કયા કાયદામાં લખ્યું છે કે ગોઠ આપવી? હું મેજિસ્ટ્રેટ છું. આ બધું ચાલશે નહીં… આવી શાબ્દિક ટપાટપી થઈ અને મામલો બીચકયો. ઘેરૈયાઓએ કારને ઘેરી લીધી અને તમામ પ્રકારના રંગ છાંટી તમામની હાલત બગાડી નાંખી અને હુડદંગ મચાવતા આગળ ચાલ્યા ગયા. આ બનાવને લઈ ફરિયાદ કરવા મેજિસ્ટ્રેટ પોલિસ સ્ટેશન આવેલા.

બારોટ સાહેબે તેમની સમગ્ર કેફિયત સાંભળી અને કહ્યું.. ‘આપ મેજિસ્ટ્રેટ છો. નાગરિક પણ છો. ફરિયાદ કરવી આપનો અધિકાર છે. પણ એ પહેલા એક વાત કહું? પ્રસંગની ઉજવણીમાં મસ્ત બનેલા યુવકો સાથે જીભાજોડી કરવાનો કોઈ અર્થ નહોતો. કારણકે, તાબુત ઘેલાં તરકડાં રણઘેલી તર વાર, હોળી ઘેલાં છોકરાં ને વિવે(વિવાહ)ઘેલી નાર….

(તાજીયાના ઝુલુસમાં માતમ મનાવતા લોકો, રણ મેદાનમાં કોઈ યો ધ્ધા ના હાથે ફરતી તર વાર, હોળીની મસ્તીમાં મસ્ત બનેલા છોકરા અને લગ્નપ્રસંગે સ્ત્રીઓ આ બધા અતિ ઉત્સાહમાં હોય છે. એમાં વિવેક ઓછો અને એક પ્રકારનો નાદ-ઝનૂન વધુ હોય છે. એમની સાથે એ સમયે વાદવિવાદનો મતલબ નથી રહેતો.)

મેજિસ્ટ્રેટ દુહો સાંભળી વિચારમાં પડ્યા. વધુમાં એ પણ સમજી ગયા કે હોળીના રંગે રંગાયેલા વ્યક્તિઓને ઓળખવા એટલા જ મુશ્કેલ બનશે… એમને તરત જે બે અક્ષર પાડેલા તે કાગળ ફાડી નાખ્યો અને બોલ્યા કે આપની વાત સાચી છે. એ તો આવેશમાં હતા જ, હું પણ નાહક એમની સાથે વિવાદમાં ઉતરી પડયો. એમણે તરત કાગળ ફાડી નાખ્યો અને ચા પી પરિવાર સાથે વિદાય લેતા બોલ્યા કે ‘એક અધિકારીનું કામ કાયમ જડતાપૂર્વક કાયદાને વળગી રહેવાનું નથી. દેશ, કાળ, સ્થિતિ પ્રમાણે કોઠાસૂઝ થી કામ લઈ પરિસ્થિતિ થાળે પાડવાનું પણ છે’ હું આપની આ સૂઝની કદર કરું છું..

એમ્બેસેડર ધૂળના ગોટા ઉડાડતી નીકળી અને પોસઈ બારોટે બૂમ પાડી જમવા જવા ડ્રાઈવરને બૂમ પાડી.

– જીજ્ઞેશ.બારોટ

(કથાબીજ : સ્વ.એલ.સી.બારોટ, નિવૃત ડી.વાય.એસ.પી.)

(સાભાર વિજય ડોડરિયા, અમર કથાઓ ગ્રુપ)