આપણને પરમાત્મા ઉપર ખરેખર વિશ્વાસ છે ખરો?

0
403

થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧ – ૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો.

થોડાક પડીકા રસ્તામાં આવતા – જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં વધારે ભિખારીઓ મળી રહે.

ભજીયાં, સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર એક ઝાડ નીચે એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી.

મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧ – ૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણ નો અવાજ મને સંભળાયો : “ઓ… સાયેબ… અરે… ઓ… શેઠ” એમ બુમો પાડીને મને રોક્યો.

પાસે આવીને મને કહે કે “સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી સાત મહિનાનો જ છે, ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે.”

ભિખારણની આ મહાનતા જોઇને મારી આંખોમાં આંસુ આવી ગયા. છતાં એની પરીક્ષા કરવા માટે મેં પુછ્યું : કે “જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખાઇશ? છોકરાને શું ખવડાવીશ?”

તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે, શેઠ… સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે.

(ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા)

જો મારા નસીબમાં હશે તો અઇ જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોક ગાડીવાળા ને નિમિત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નઇ જ કરૂં. મારા નસીબનું હશે, અટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલું આ પડીકું ય કોક કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે. જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે, તો તેમાં જ મારૂં ભલું હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અતાર ગાડીવાળાના ઘરમાં ના હોત?

– સાભાર વિશાલ સોજીત્રા (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતીકાત્મક છે)