વૈશાખ માસમાં આ રીતે મેળવો ભગવાન વિષ્ણુની કૃપા, જાણો પોતાની શક્તિ અનુસાર શું કરી શકો છો.
હિંદુ કેલેન્ડરમાં 12 મહિનાનું અલગ અલગ મહત્વ છે, જેમાં વૈશાખ મહિનો દાન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર પવિત્ર વૈશાખ મહિનામાં દાન-પુણ્ય કરવાથી અશ્વમેધ યજ્ઞ કરવા સમાન ફળ મળે છે. અનેક સામાજિક સંસ્થાઓ સમાજ સેવા અંતર્ગત વૈશાખ માસમાં પાણીની પરબ બનાવીને વટેમાર્ગુઓની તરસ છીપાવે છે.
ઘણી જગ્યાઓ પર પુણ્ય વધારવા માટે ખજૂરના પાંદડામાંથી બનાવેલા હાથથી ચાલતા પંખાનું દાન કરવાની પરંપરા પણ છે. તેમજ ઉનાળામાં તડકાથી બચવા માટે છત્રી, ચંપલ અને પેટને ઠંડક આપવા માટે મોસમી ફળોનું દાન કરવાની પણ પરંપરા છે.
દાન કરવાથી ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે :
વૈશાખ મહિનો 21 એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. મહામાયા મંદિરના પૂજારી અને ભગવતાચાર્ય પંડિત મનોજ શુક્લના જણાવ્યા અનુસાર, સમગ્ર વૈશાખ માસમાં દાન કરવાનું વિશેષ મહત્વ છે. વૈશાખ માસમાં ગ્રહોનો રાજા સૂર્ય મેષ રાશિમાં પોતાના ઉચ્ચ સ્થાનમાં હોય છે.
જ્યારે સૂર્ય મેષ રાશિમાં હોય છે, ત્યારે આ સમયગાળા દરમિયાન દાન કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના ગ્રહ દોષોથી મુક્તિ મળે છે. પદ્મ પુરાણમાં કહેવાયું છે કે વૈશાખ મહિનામાં ગંગા, યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં દરરોજ સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું જ ફળ મળે છે.
તરસ્યા માટે પાણી, માછલી-કીડીઓ માટે લોટ :
વૈશાખ અમાસના દિવસે અને પૂર્ણિમાના દિવસે પિતૃદેવની પૂજા કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે. અમાસ-પૂર્ણિમાના દિવસે હવન કરો. જેઓ આર્થિક રીતે સક્ષમ છે તેમણે પીવાના પાણીની પરબ બંધાવવી જોઈએ, જાહેર સ્થળોએ વોટર કુલર લગાવવા જોઈએ. વટેમાર્ગુઓને છાશ, શરબત પીવડાવવા જોઈએ. જો તમે પૈસાના અભાવે મોટી સેવા ન કરી શકો તો ઓછામાં ઓછું કીડીઓના રહેવાના સ્થાન પર લોટ અને ખાંડ નાખો. તળાવ અને નદીઓના કિનારે માછલીઓને લોટ અને ગોળની ગોળીઓ ખવડાવો.
સૂર્યના તાપથી બચાવવા માટે ફળ, છત્રી-ચપ્પલનું દાન કરવું :
ગરીબોને સૂર્યના તાપથી બચાવવા માટે બૂટ-ચપ્પલ, છત્રી, ટોપી અને ખજૂરના પાંદડામાંથી બનેલા પંખાનું દાન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં ઉપલબ્ધ તરબૂચ, કેરી, દ્રાક્ષ, સંતરા, કેળા વગેરે મોસમી ફળોની સાથે પાણીથી ભરેલું માટીનું વાસણ દાન કરો. દાન કરવાથી સૌભાગ્યના દ્વાર ખુલે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.