ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 10: જપ કેટલા કરવા, આ અંગે ડોંગરેજીએ જે કહ્યું છે તે દરેકે જાણવા જેવું છે

0
301

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, શા માટે ડોંગરેજી મહારાજને સાચા ભગવત ભક્ત કહેવામાં આવે છે. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

“શ્રીહરિ:શરણં” નું મહત્ત્વ :

મહારાજશ્રી કંઈ પણ લખાણ લખતા પહેલા શ્રીહરિ: શરણં લખતા. કોઈ ભક્તે પૂછ્યું કે, તમે લખાણ લખતા શ્રીહરિ:શરણં કેમ લખો છો? તો મહારાજશ્રીએ કહ્યુ કે, જયારે ભગવાનનું શરણ થાય છે, ત્યારે બધા દુઃખોનો નાશ થાય છે. દુઃખોનો નાશ થાય એટલે જીવનમાં આનંદ છવાઈ જાય છે.

પદ્મપુરાણમાં સનતકુમારો નિત્ય બાળક રહે છે, તેઓને વૃદ્ધાવસ્થા આવતી નથી. એનું રહસ્ય એ છે કે તેઓ નિત્ય હરિ:શરણંનો પાઠ કરે છે. આ મહામંત્ર છે, આ મંત્રનો જપ કરવાથી મનથી યુવાન રહેવાશે, શરીર તો જીર્ણ થવાનું. મન સદા યુવાન રહે અને ખુશખુશાલ આનંદમાં રહે તે પણ જરૂરી છે. માટે હું શ્રીહરિ:શરણમનું સ્મરણ કર્યા પછી જ દરેક કાર્યની શરૂઆત કરૂ છું.

મહારાજશ્રીએ કહેલું કે, જેને ગાયત્રીના જપ કરવાના હોય, તેને રૂદ્રાક્ષની માળા જોઈએ, જે બ્રાહ્મણ હોય અને તેમાં પણ જેણે યજ્ઞોપવિત ધારણ કર્યું હોય અને જે ત્રિકાળ સંધ્યા કરતો હોય, તેને જ શાસ્ત્ર મુજબ રૂદ્રાક્ષની માળા વડે ગાયત્રીમંત્ર કરવાનો અધિકાર છે.

પૂજ્ય મહારાજશ્રી ચુસ્ત સનાતની બ્રાહ્મણ હતા. શાસ્ત્ર વિરુદ્ધની કોઈ વાત તેમને ગમે જ નહિં, આપણા મંત્રશાસ્ત્ર પ્રમાણે શિષ્યનો અધિકાર જોઈ ગુરૂ તેને તે પ્રમાણે મંત્રની દીક્ષા આપે છે. સદગુરુએ આપેલો મંત્ર શિષ્યનું કલ્યાણ કરે છે. તુલસીની માળા ઉપર રામનામ જપવા એ વધુ સારું છે. મહારાજશ્રી પણ તુલસીની માળા પર રામ નામના જપ કરતા.

તીર્થસ્નાનનું મહત્ત્વ – નર્મદાજીની મહત્તા :

મહારાજશ્રી પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ સવાર-સાંજના સમયે નર્મદામાં સ્નાન કરી સંધ્યાવંદન કરતા. તેઓ કહેતા કે, આપણા મનની સંસારિક પદાર્થોમાં આસક્ત રહેવાવાળી અને સંસારના ચિંતનમાં રત રહેલી લાખો અને કરોડો વા સનાઓ અને વૃત્તિઓ, બ્રહ્મવિધા પ્રાપ્ત કરવા સમયે, પ્રભુના દર્શન કરવા જઈએ ત્યારે, નદીમાં સ્નાન કરવા જઈએ ત્યારે, દાન કરવાનું નક્કી કરીએ ત્યારે આપણને રોકે છે. આપણા સત્કાર્યમાં વિઘ્ન કરે છે. પવિત્ર નદી કિનારે આવીને સ્નાન કરવું જોઈએ. સ્નાન ન કરીએ તે યોગ્ય નથી.

પુરાણમાં નર્મદાનું મહત્ત્વ :

આપણા પુરાણોમાં નર્મદાજીનાં ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. તે રુદ્રદેવના શરીરમાંથી બહાર નીકળ્યાં છે, તેથી નર્મદા નદી બધી નદીઓમાં શ્રેષ્ઠ છે. સરસ્વતિં નદીનું પાણી ત્રણ દિવસે પવિત્ર કરે છે, યમુના નદીનું પાણી સાત દિવસે પવિત્ર કરે છે અને ગંગા નદીનું પાણી આયમન કરવાથી તરતજ પવિત્ર કરે છે. પણ નર્મદા નદીનું જળ તો માત્ર દર્શન કરવાથી જ પવિત્ર કરે છે.

નર્મદાજી અમરકંટક પર્વતમાંથી નીકળ્યાં છે. અમરકંટક પર્વત પુણ્યદાયી અને પવિત્ર છે. તેની ઉપર પાર્વતી સહ મહેશ્વર શંકર ભગવાન, બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રદેવ સાથે સારી રીતે નિવાસ કરી રહ્યા છે. નર્મદાજી બ્ર-હ્મ-હ-ત્યા-ના પાપને દૂર કરનારી છે. અનેક મહાત્માઓએ નર્મદા કિનારે તપશ્નર્યાઓ કરી છે. નર્મદા કિનારે તપ કરવાથી જલ્દી સિદ્ધિ મળે છે. આમ નર્મદાજીની મહત્તાને ડોંગરેજી મહારાજ સમજાવતા.

જપ કેટલા કરવા?

એક વખતે એક ભક્ત મહારાજશ્રીને મળવા આવ્યા અને પૂછ્યું કે, મેં સવા લાખ જપ પૂરા કર્યા છે. તો મને પૂર્ણાહુતિની વિધિ બતાવો. તો મહારાજશ્રીએ કહ્યુ કે, દાળભાત ખાવાની પૂર્ણાહુતિ કરીને આવજે પછી વિધિ બતાવીશ. જપની પૂર્ણાહુતિ કરવાની ન હોય. જીવનની પૂર્ણાહુતિ થાય ત્યારે જપની પૂર્ણાહુતિ થાય.

કેટલી માળા કરી? કે કેટલા જપ કર્યા? તે ગણવાનું ન હોય. ભોજનમાં તૃપ્તિ માનવી પરંતુ ભજનમાં તૃપ્તિ મનાય જ નહિ. ભજનમાં તૃપ્તિ થાય તે ભક્ત નથી.

પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ થવો જોઈએ, તેમના રંગે રંગાઈ જવું જોઈએ. ભક્તિ વધારવી હોય તો મીરાંબાઈનું જીવન ચરિત્ર વાંચો. ચૈતન્ય મહાપ્રભુના જીવનચરિત્રના “ચૈતન્ય ચરિતાવલી” ના પાંચ ભાગ વાંચો, ભક્તિ જરૂર વધશે.

મહારાજશ્રીની આફરી પ્રતિજ્ઞા :

બ્રાહ્મણોના મહારાજશ્રી ઉપર ઘણા પત્રો આવતા. તેઓ લખતા હતા કે, તમે જ્યારથી કથા કરવા લાગ્યા છો ત્યારથી અમને કોઈ કથા કરવા બોલાવતું નથી. અમારે ભૂખે મ-ર-વા-નો વારો આવ્યો છે. મહારાજશ્રી કહેતા, આવા પત્રોથી મારું મન અશાંત રહે છે, બ્રાહ્મણોની આજીવિકા પર ફટકો પડતો હોય તો હું કથા કરવાનું બંધ કરું. મારું ધ્યેય તો ઊવટું બ્રાહ્મણોનું ખૂબ સન્‍માન થાય તે છે. મારે શું કરવું જોઈએ?

અંતે મહારાજશ્રી એ જાહેર કર્યું કે “હું કથા કરીશ પણ તેમાંથી મારા માટે કંઈ લઈશ નહિ. આવું ભીષણ વ્રત સને ૧૯૬૦ ની સાલમાં તેમણે લીધું હતું. મહારાજશ્રીની કથામાં એકસો આઠ બ્રાહ્મણો જપ કરવા બેઠા હોય અને મહારાજશ્રી નાના મોટા સૌને વંદન કરી પોતાના તરફથી યથાશક્તિ દક્ષિણા આપતા.

મહારાજશ્રીની કથામાં આયોજકોને લાખો રૂપિયાની આવક થાય પરંતુ મહારાજશ્રી શુકદેવજીની જેમ કથા કરવા આવે ને વિદાય થાય. આવી રીતે પૈસાને હાથ ન લગાડવો અને કેવળ પ્રભુ પ્રીતિ માટે જ કથા કરવી, તે બહું અધરું છે.

એક વખતે મહારાજશ્રી અને સીતાબહેનને તાવ આવ્યો હતો. ભક્તે તેમના સમાચાર પૂછ્યા. પૂછવાથી તેમણે જવાબ આપ્યો કે, માતાપિતાના મનમાં કામ આવ્યો ને આપણી ઉત્પતિ થઈ. શરીરનું બીજ કામ છે તેથી તે સારું ક્યાંથી રહે? શરીરને વિધ્નો તો આવ્યા કરવાના, હું મારું પ્રારબ્ધ ભોગવું છું.

પછી ભક્તે હસતાં હસતાં કહ્યું કે,અમે બિમાર પડીએ છીએ ત્યારે તમારું નામ લેતા અમારા સંકટ દૂર થઈ જાય છે, અને અમારું કાર્ય સફળ થઈ જાય છે. તો તમને આવા વ્યાધિ અને દુઃખો કેમ આવતા હશે? તો મહારાજશ્રીએ કહ્યુ કે, આનો ખુલાસો ધ્રુવચરિત્રમાં આપ્યો છે. નારદજીના ચેલા ધ્રુવને અવિચળ પદ મળ્યું અને નારદજી લોકોને ભક્તિના પંથે લઈ જવા હેતુ જગતમાં ફરે છે.

મશાલ લઈને ચાલનાર માણસને તેના અજવાળાનો લાભ મળતો નથીઅને પ્રકાશ બીજાને મળે છે. તેમ કથાકારના ઉપદેશથી ઘણાનાં જીવન સુધરે છે, ઘણાનું કલ્યાણ થાય છે અને કથાકાર ત્યાંના ત્યાંજ હોય.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)