ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 11: એક ભાઈએ તેમનું આશ્રમ બનાવવા કહ્યું ત્યારે મહારાજે શું કહ્યું તે જાણો 

0
406

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજ દ્વારા જણાવેલ નર્મદાનું મહત્વ અને કેટલા જપ કરવા એ જાણ્યું. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

સંતોના દેહના દુઃખ :

સંતો દેહના દુઃખ દૂર કરવા સમર્થ હોય તો પણ તેમ કરતા નથી. ઘણીવાર મહારાજશ્રીને તાવ હોય અને બધા કથા કરવા જવાની ના પાડે તો તે કહેતા, કથા તે કંઈ બંધ રખાતી હશે? તાવ આવેલા શરીરે વ્યાસપીઠ ઉપરથી કથા કરે પણ લોકોને ખબર પણ ન પડે. કથામાં એ જ ઉત્સાહ, જાણે તેઓ તાવને કે રોગને રૂમમાં પૂરી દેતા હશે?

સંતો આવામાં રોગને દૂર કરવા ભગવાનને પ્રાર્થના કરી ભગવાનને કષ્ટ આપવા માંગતા નથી, પ્રારબ્ધ પ્રમાણે દુઃખ ભોગવી લે છે તેથી તે ભોગવીને પૂરું થઈ જાય. સાચા ભક્તો પ્રભુ પાસે કંઈ માંગતા નથી. મહારાજશ્રી કહેતા કે, સંતો પોતાની ઈચ્છાને પ્રભુની ઈચ્છામાં ભેળવી દે છે.

મહારાજશ્રીની નિસ્પૃહતા :

એક વાર, મહારાજશ્રીના દાંડિયાબજારના ધરે સત્સંગ ચાલતો હતો, ત્યાં એક સદગૃહસ્થ મુંબઈથી આવ્યા અને કહ્યું કે, મુંબઈની કથામાં બે થી ત્રણ લાખ રૂપિયા એકત્ર થવાનો અંદાજ છે. તમે પરવાનગી આપો તો એક સંસ્કૃતની પાઠશાળા બંધાવીએ અને નર્મદા કિનારે એક આશ્રમ બંધાવીએ. વળી, એક માસિક બહાર પાડીએ કે જેમાં વિગતવાર કથાનો કાર્યક્રમ બહાર પડે.

મહારાજશ્રીએ તે સદગૃહસ્થને કહ્યુ કે, સંસ્કૃત પાઠશાળાઓ છે તે પણ બંધ થતી જાય છે, આશ્રમ બાંધવા કે માસિક કાઢવા પણ મારી ઈચ્છા નથી. હું તો સામાન્ય માણસ છું અને તેમજ રહેવા માગું છું. મારો આશ્રમ શા માટે?

અનેક દલીલો છતાં મહારાજશ્રી ટસના મસ ન થયા.

સદગૃહસ્થ બોલ્યા તમે બધા કાર્યો માટે ના પાડો છો, પણ આપણે કંઈક તો કરવું જોઈએ ને? તો મહારાજશ્રીએ ગંભીર થઈને કહ્યુ કે, આપણે કંઈ કરતા નથી, યથાશક્તિ યથામતિ આપણે જે કરી શકીએ તે કરીએ જ છીએ. કળિયુગનું સામ્રાજ્ય ચારેકોર ફેલાઈ ગયું છે, આવા દારુણ કળિકાળમાં આપણે શ્રીમદ ભાગવતની કથા કરીએ છીએ તેમાં હજારો લોકો ભેગા થાય, કથા કીર્તન થાય એ કંઈ શું ઓછું છે? આ કિર્તન-કથા એ જ કળિયુગ માટે મોટી ટક્કર છે. માટે, મને કોઈએ આશ્રમ બાંધવા માટે કહેવું નહિ.

મુંબઈના ઘણા શેઠિયાઓ તરફથી ઘણા બધા વિચારો રજૂ થતા. તે બધાને એક જ વાત કહેતા, હું જેમ રામ રામ કરુ છું તેમ તમે પણ કરો, આપણે નામપ્રેમી, રામપ્રેમી થઈએ તો સારું. હું જેમ મારા કનૈયાને રીઝાવું છું તેમ તમે પણ ઠાકોરજીને રીઝાવો. કારણ પ્રભુ તરફ પ્રેમ થવો જોઈએ એ જ સાચું છે.

મહારાજશ્રીનો ત્યાગ સાચો ત્યાગ હતો, ભવ્ય હતો કે જે સાચા વૈરાગ્ય વિના આવતો જ નથી. મહારાજશ્રીની આથી મોટી અંજલી બીજી કઈ હોઈ શકે? આવા મહાન પુરુષના જન્મથી તેમનું કુળ પવિત્ર થઈ ગયું. તેમની માતા કૃતાર્થ થઈ ગઈ અને તેમના પગલે આ પૃથ્વી પુણ્યવતી બની ગઈ. કારણકે અપાર જ્ઞાનસ્વરૂપ સુખસાગર એવા પરબ્રહ્મમાં તેમનું ચિત્ત, લીન રહેતું હતું.

સર્વ દેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ :

મહારાજશ્રી ભાગવત ભક્ત એટલે એવું લાગે કે, તેઓ લાલાની જ સેવા કરતા હશે. પરંતુ તેઓ શિવાલયમાં જઈ શિવજીની પૂજા પણ અતિ પ્રેમપૂર્વક કરતા. સવારે સૂર્ય નમસ્કાર, સૂર્યને અર્ધ્યદાન, ત્રિકાળ સંધ્યા અને રોજ રાત્રે હનુમાનચાલીસાનો પાઠ કરતા. વિષ્ણુસહસ્ત્રનો પાઠ તેમને અતિ પ્રિય, તેઓ તે દરરોજ કરતા.

એક વાર, ચર્ચા કરતાં એક ભક્તે કહ્યુ કે, તમે તો બધા ભગવાનની આરાધના કરો છો. તો મહારાજશ્રીએ તેના મનનું સમાધાન કરતાં કહ્યુ કે, પરમાત્મા તત્વ એકજ છે. ભક્તોની ઈચ્છા મુજબ એ જુદા જુદા રૂપો ધારણ કરે છે. લાલાની સેવા કરતાં બીજા સ્તોત્ર ગાઈ શકાય. કોઈ ભલે જે કહે, મારું આવું માનવું છે. મને તો એમ કરવાની ટેવ પડી ગઈ છે. નિષ્કામ ભક્તિમાં કંઈ બાધક નથી.

મહારાજશ્રી ખાસ ભક્ત હોય તેમને લાલાની સેવા આપતા ને કહેતા કે, કળિયુગમાં લાલાની સેવા કરવાથી પરિવારમાં સુખશાંતિ રહે છે. ગણપતિનું પૂજન પણ આવશ્યક છે. ગણપતિના પૂજનથી વિધ્ન આવતું નથી, સદાય મંગલ થાય છે.

મહારાજશ્રી લાલાની સેવાની વિધિ બતાવતાં કહેતા કે, વહેલી સવારે, પહેલાં લાલાને દુધથી સ્નાન કરાવવું, વસ્ત્ર પરિધાન
કરવા, શૃંગાર કરવો, કંકુ’નું તિલક કરવું, ગુંજામાળા પહેરાવવી, તે પછી ભોગ ધરાવવો. ભોગ ધરાવતા “ભગવાન જમે છે”- તેવી ભાવના કરી આંખ મીંચીને જપ કરવા. ઠાકોરજી પાસે ધી નો અખંડ દીવો રહે તો સારું, તે ના બને તો ચાલે પણ, ઠાકોરજી પાસે ઘરના બધાએ સાથે મળીને એક કલાક કીર્તન અવશ્ય કરવું.

ભગવાનના સાક્ષાત દર્શન ન થાય ત્યાં સુધી તેમના નામ સ્વરૂપને પકડી રાખવાનું છે. મૂર્તિ પૂજામાં દિવ્ય તત્ત્વ રહેલું છે. મૂર્તિમાં પૂર્ણ શ્રદ્ધા જોઈએ. આ મૂર્તિ નથી મારા પ્રભુ સાક્ષાત છે.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)