ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 12: મહારાજે એકાદશી વિષે વિષે જે કહ્યું તે દરેકે સમજવા જેવું છે.

0
319

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, ડોંગરેજી મહારાજને આશ્રમ બાંધવા કે માસિક કાઢવાની જરાય ઈચ્છા ન હતી. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

એકાદશીનું મહત્વ :

મહારાજશ્રીને મળવા એક ભક્ત આવ્યા. મહારાજશ્રીએ પૂછ્યું કે તમે અગિયારસ કરો છો? તો તેમણે જવાબ આપ્યો કે મોટી ભીમ અગિયારસ, દેવપોઢી અને દેવઊઠી અગિયારસ કરું છું. તો મહારાજશ્રીએ કહ્યું કે, દરેક અગિયારસ કરવી જોઈએ. એકાદશી એ વ્રત નથી, વૈંકુઠમાં જવાનો રસ્તો છે.

મહારાજશ્રી વારંવાર કહેતા કે, શું કરવું ને શું ન કરવું તે તમારા મનને ન પૂછો. શાસ્ત્ર કહે તેમ કરવું.

એકાદશી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વિધિ પૂર્વક કરવી જોઈએ. દશમના દિવસે દૂધ ભાત જેવો સાદો ખોરાક લેવો. એકાદશી નિર્જળા થાય તો ઉત્તમ, પણ તે ન બને તો દૂધ અને ફળ લેવા. એકાદશીના દિવસે ફરાળ કરે તેને કંઈ ફળ મળતું નથી. માત્ર અન્નાહાર કરવાથી જે પાપ લાગે છે તે ફક્ત લાગતું નથી. બારસના દિવસે પાછું સાદો ખોરાક લેવો.

મહારાજશ્રી કહે છે કે, કોઈપણ શુભ કાર્ય માટે ઘરમાંથી બહાર નીકળતી વખતે એકવીશ વખત સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો, તો તે શુભ કાર્ય સિદ્ધ થાય છે.

તે કહેતા કે, મંદિરમાં દર્શન કરવા જનાર જો બહેરો મૂંગો અને આંધળો થઈને જાય, તો તેને પરમાત્માના દર્શન થાય છે. દર્શન કરવા જતાં સંસારની કોઈ વાત સાંભળવી નહિ, દર્શન કરવા જતા બોવવું નહિ, કોઈ સ્ત્રી કે પુરુષના સૌન્દર્યને કે તેના અલંકારને જોવા નહિ. આંખને બહુ સંભાળવાની છે, બધી ઈન્દ્રિયો કરતા મનુષ્ય આંખથી બહુ પાપ કરે છે. જેને સંસાર ન દેખાય તેને પરમાત્મા દેખાય છે.

ગીતાનો અધ્યાય – ૧૩ :

મહારાજશ્રીને ગીતાનો ૧૩ મો અધ્યાય (ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ) વિશેષ કરીને ગમતો. તે કહેતા કે, મનુષ્ય ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પુરુષ અને પ્રકૃતિને જાણી લે, તો પછી તેને બીજું કંઈ જાણવાનું રહેતું નથી. તે આ સંસાર-સાગર તરી જાય છે. આ અધ્યાયના શ્ચોક ૭ થી ૧૧ માં જ્ઞાન-પ્રાપ્તિના ર૪ સાધનો બતાવ્યા છે. તે બહુ વિચારવા-લાયક છે.

મહારાજશ્રીના ભાગવતનો જાદુ :

મહારાજશ્રી એટલે ભાગવત અને ભાગવત એટલે મહારાજશ્રી. તેઓ ભાગવત સાથે એકાકાર થઇ ગયેલા. મહારાજશ્રી એ કથામાં કેવળ સંસારીઓને પાગલ બનાવ્યા એવું નથી, સંન્યાસીઓ અને મહાત્માઓને પણ મુગ્ધ કર્યા છે.

નારેશ્વરના પૂજ્ય રંગઅવધૂત મહારાજ, મહાસમર્થ, સિદ્ધ પુરુષ હતા. તેઓએ પણ સુરતમાં એક કથા સંપૂર્ણ સાંભળી હતી. નહી તો તેઓ એક મિનીટ પણ ક્યાંય રોકાતા નહિં.

મહારાજશ્રી કહેતા, મારી કથાનો સમય નક્કી નહિં, મારા કનૈયાને કાળનું (સમયનું) બંધન નથી, હું થોડો કથા કરું છું? બોલતી વેળા બોલનાર જુદો (કનૈયો) હોય છે.

શ્રીકૃષ્ણ જ તેમના હદયમાં બેસી પોતાની કથા જાણે કરતા હતા.

એક વખત તો મહારાજશ્રીએ કહ્યું હતું કે, વ્યાસપીઠ ઉપરથી કથા કરી રહ્યો હતો, બપોરનો સમય મને સખત ઊંઘ આવે. બહુ પ્રયત્ન કર્યો પણ ઊંઘે આંખનો કબજો લઈ લીધો, દોઢેક કલાક ઊધ લીધી હશે, પણ આંખ ઉધડી તો કથા તો ચાલુ હતી, કનૈયો પોતાની કથા પોતે કરી ગયો.

વક્તા જો નિરાભિમાની થઈને કથા કરે તો કનૈયો વક્તાના હદયમાં વિરાજી પોતાની કથા પોતે કરે છે. ભાગવતમાં આવે છે કે, શ્રીકૃષ્ણે શુકદેવજીના હદયમાં વિરાજીને કથા કરેલી. આ જ તો ભાગવત કથાની વ્યાસપીઠનો ચમત્કાર છે.

મહારાજશ્રી દૈવી જીવ હતા. સંત એટલે જેમણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરેલો છે. પોતાનું બગાડીને પણ બીજાને સુધારે તે સંત. આવા દૈવી આત્માઓ લોકોનું કલ્યાણ કરવા આવે છે. મહારાજશ્રીની ગોપી સાથે તુલના કરી છે. ગોપીઓની જેમ પ્રભુનો વિયોગ તેમને સતત રડાવતો.

અગાઉ લોકો ભાગવતની કથા માતાપિતા પાછળ એમના કલ્યાણ માટે બેસાડતા. મહારાજશ્રી એ પદ્ધતિ બદલીને કથા કોઈના પાછળ નહિ પણ આનંદથી પ્રભુના ગુણ ગાવા કથા કરવાની એવું સમજાવ્યું.

મહારાજશ્રી તદ્દન સાદી ભાષામાં ભાવવિભોર બનીને ભાગવતની પોથી ખોલ્યા વગર એવી કથા કરતા કે અબાલવૃદ્ધ સૌને સમજાય અને આનંદિત બની જાય.

એક બહેને મહારાજશ્રી પાસે કથા કરાવીશ એવી માનતા કરેલી. તે સમયે તેમની સ્થિતિ સારી હતી. પણ પછી, તે કથાનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા, તો મહારાજશ્રી એ બહેનને કહ્યું કે, તમે ચિંતા કરશો નહિં, ભાગવતની કથા કરવામાં પૈસાની વાત આડી ન આવવી જોઈએ. ભગવાનના ગુણ ગાવામાં પૈસા એ મહત્વની વસ્તુ નથી.

બહેનને સમય આપ્યો અને પોતાના ભોજન માટે, ધેરથી સાત દિવસ ચાલે એટલી મગની દાળ લઈને ગયા કે જેથી તેમનો પોતાનો પણ કોઈ જાતનો ખર્ચ, તે બહેનને ના ઉઠાવવો પડે! તે બહેનના ગામમાં જઇને, તેમણે નિઃશુલ્ક ભાગવતની કથા કરી.

પહેલેથી જ મહારાજશ્રી એ જીવનમાં પૈસાને મહત્વ આપ્યું જ નથી. તેઓ આમંત્રણ આપનાર વ્યક્તિના હદયનો શુદ્ધ ભાવ જોતા. લાલાનો હુકમ થાય એટલે મહારાજશ્રી કથા કરવા ઉપડે.

દૈવી જીવ જ આટલા લોકોનું આકર્ષણ કરી શકે. ૧૯૮૧ માં અમદાવાદમાં રાખેલી કથામાં, તે સમયે પાંચ લાખ લોકો કથા સાંભળવા આવતા. અનેક લોકોને ભક્તિ રસમાં તરબોળ કરવા અને ભક્તિનો રંગ લગાડવો એ તો મહારાજશ્રી જ લગાડી શકે.

ભાગવત સપ્તાહમાં મહારાજશ્રી બોધનો ધોધ વરસાવે અને કહેતા કે, કાનથી કથા સાંભળો, જીભથી કીર્તન કરો, મનથી તેનું સ્મરણ કરો તો પ્રભુમાં અનન્ય પ્રેમ થશે. પ્રભુમાં પ્રેમ થશે તો તમારું જીવન સફળ થશે.