ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 13: મહારાજ માલસરમાં કથા કરવા આવતા ત્યારે આ ગામ ગોકુળ બની જતું

0
182

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજના શબ્દોમાં એકાદશીનું મહત્વ અને મહારાજશ્રીના ભાગવતના જાદુ વિષે જાણ્યું કે કઈ રીતે શ્રી કૃષ્ણ તેમનામાં પ્રવેશીને કથા કરી જતા હતા. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

માંગલ્યધામ માલસર :

માલસર ગામ નર્મદા નદીના કિનારે આવેલું છે. દર વર્ષે પોષ વદ ચોથથી અગિયારસ સુધી મહારાજશ્રીની ભાગવત સપ્તાહનું આયોજન થતું. તે વખતે ભકતોથી બધી ધર્મશાળાઓ ઉભરાઈ જતી.

મોટા મેળા જેવું વાતાવરણ થતું. જાણે નાનું સરખું ગોકુળિયું ગામ. આખું વાતાવરણ ભક્તિમય થઈ જાય. સવારે મનોરમ્ય વાતાવરણમાં મહારાજશ્રીના મુખમાંથી ભક્તિની ગંગા વહે, સામે નર્મદાનાં નીર શાંત ગંભીર થઈને વહે.

બપોરે કથાની સમાપ્તિ બાદ લોટો અને ઉપરણું લઈને મહારાજશ્રી નર્મદાજીમાં ન્હાવા જાય. પહેલા નર્મદાજીને સાષ્ટાંગ પ્રણામ કરે, પછી ન્હાય. નદીમાં થોડું તરે પછી કેડ સુધીના પાણીમાં ઉભા રહી સંધ્યા કરે, સૂર્યને અર્ધ્યદાન અર્પણ કરે. આ નિત્યકર્મ પતાવીને પાછા આવતા ત્યારે તેમને જોનાર દિગ્મૂઢ બની જાય. મહારાજશ્રીના મુખ ઉપર બ્રહ્મતેજ ઝગારા મા-રતું હોય, શરીર આખું ઝળઝળા થતું હોય. આ દ્રશ્ય વિરલ હતું. આ દ્રશ્ય જોવું એ લહાવો જ હતો.

સાંજે કથાની સમાપ્તિ પછી, સાધુ મહાત્માઓ મૃદંગ પખવાજ સાથે હરિ કીર્તન શરુ કરે.

હરે રામ હરે રામ રામ રામ હરે હરે

હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

તે સમયના મંદિરના પુજારી મહારાજશ્રીને વ્યાસપીઠ ઉપરથી કીર્તન કરવા ખેંચી લાવે. મંદિરના પુજારી અને મહારાજશ્રી વાજિંત્રોના તાલે નાચે. પછી તો મહારાજશ્રી ભાવાવેશમાં આવી જાય કૂદકા મારતા ખૂબ નાચે. ભક્તો પણ નાચે. થોડા ભક્તો મહારાજશ્રીને ફરતે કુંડાળું કરી તેઓ નીચે પટકાઈ ન જાય તેનું ધ્યાન રાખે. આ દ્રશ્ય જોતાં ભક્તિ સદેડે નાચવા આવી હોય તેવું લાગતું.

મંદિરમાં તે પછી આરતી થાય. સુંદર આરતીથી વાતાવરણ ભક્તિની સુવાસથી મઘમધી ઉઠતું.

પવનમંદ સુગંધ શીતલ હેમમંદિર શોભીતમ

નિકટ નર્મદા બહત નિરમલ રાધે કૃષ્ણ મનોહરમ

માલસરમાં કથાનો આનંદ ગૌણ હતો. સંજોગો અનુસાર, મહારાજશ્રી કથા ટૂંકમાં કહેતા. માલસરમાં કથાનો ખરો આનંદ એ હરિકીર્તનનો હતો. ભક્તો પણ મહારાજશ્રીના સાનિધ્યમાં ભક્તિ કરવા આવતા.

આ પ્રમાણે તેત્રીસ વરસ સુધી મહારાજશ્રીએ માલસરમાં નિયમપૂર્વક પોષ વદમાં કથા કરેલી. કોઈ જગ્યાએ કથાનો કાર્યક્રમ ન હોય ત્યારે, મહારાજશ્રીનો માલસરમાં સત્યનારાયણ મંદિરની બાજુમાં મુકામ રહેતો. મંદિરના ટ્રસ્‍ટ તરફથી બપોરના અને સાંજે સાધુ સંતો અને અતિથિ બધાને ભેદભાવ વગર વિના મુલ્યે ભોજનની વ્યવસ્થા હતી. સત્યનારાયણ મંદિરની આ સગવડનો લાભ, મહારાજશ્રીના ભક્ત સમુદાયને પણ મળતો હતો.

મહારાજશ્રીના માતાપિતા હયાત હતા ત્યારે તેઓ ચાતુર્માસમાં એક-દોઢ મહિના સુધી માતાપિતા સાથે રહેવા જતા હતા, પણ તેઓના સ્વર્ગવાસ પછી તેમણે વડોદરા આવવાનું લગભગ બંધ જ કરી દીધું હતું. પછીથી તેઓ માલસરમાં જ રહેતા હતા.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)