ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 14: મહારાજની કથા સાંભળી ચોરનું હૃદય પરિવર્તન થયું હતું, વાંચો પ્રસંગ

0
185

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, ડોંગરેજી મહારાજ માલસરમાં કથા કરવા આવતા ત્યારે આ ગામ કેવી રીતે ગોકુળ જેવું બની જતું હતું. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

મહારાજશ્રીના ભક્તો :

મહારાજશ્રીએ કોઈને શિષ્ય બનાવ્યો નથી કે ગુરુમંત્ર આપ્યો હોય એવું લગભગ બન્યું નથી. લોકો તેઓને ગુરુ માને એ વાત જુદી છે. મહારાજશ્રી ગુરુ બનવામાં મોટી જવાબદારી માનતા. કોઈ ભક્ત કહે કે, મને તમારો શિષ્ય બનાવો તો તેને મહારાજશ્રી કહેતા કે, હું જેમ રામ રામ કરું છું તેમ તું પણ રામ રામ કર. તેમ છતાં મહારાજશ્રીને, ગુરુ તરીકે ઘણા ભક્તો પોતાની જાતે જ માનતા. ગુજરાતમાં ગુરુને બાપજી કહેવાનો રિવાજ છે, તેથી ધણા લોકો મહારાજને બાપજી કહેતા.

પરંતુ આ બાપજી તો સર્વથી ન્યારા, સર્વના પણ કોઈ ના ન થનારા. ધણા મહારાજશ્રીને ગુરુ માની ગુરુપૂર્ણિમાના દિવસે તેમના ચિત્રની પૂજા કરી ઉત્સવ ઊજવે છે. મહારાજશ્રી પ્રત્યેનો પોતાનો ભાવ આ રીતે વ્યક્ત કરે છે. તેઓની જાદુઈ અસર નીચે ઘણા ભક્તો આવેલા અને મહારાજશ્રી તરફ માનની દ્રષ્ટિએ જોનારા પણ ઘણા ભક્તો છે.

મહારાજશ્રી અંતર્મુખ જ રહેતા. મહારાજશ્રી અગાઉ જૂના ભક્તો સાથે વાતો કરતા. પણ, જેમ જેમ ભક્તિ માર્ગમાં તેઓ, આગળ વધતા ગયા અને ઉચ્ચકક્ષાએ પહોંચ્યા પછી તેઓ, કામ પૂરતી જ વાત કરતા. મહારાજશ્રીની ખૂબ પ્રસિદ્ધિ થયા પછી વડોદરાના લોકો પણ તેઓને લાગણીથી ખૂબ માન આપતા.

એક ચુસ્ત ગાંધીવાદી ભક્તને કથા વિષે એવું લાગતું કે, કથા પાછળ લોકો ખોટો સમય અને પૈસા વેડફે છે. એક વખત કુતુહલતા ખાતર તે મહારાજશ્રીની કથામાં આવ્યા અને તેમને કથાનો રંગ લાગ્યો. વિચારમાં પરિવર્તન થવા લાગ્યું. તેમને થયું કે, આ વ્યક્તિમાં કંઈક છે. તેઓએ ઝીણવટ પૂર્વક મહારાજશ્રીની રહેણી કરણી જોઈ, પછી તેમને લાગ્યુ કે, મહારાજશ્રી તો સાદગી અને સંયમની મૂર્તિ છે. અને ત્યારથી તે મહારાજના ભક્ત બની ગયા.

તે કોંગ્રેસી ભાઈને તો એક વાર કારનો અકસ્માત થયો, કારે પલટી ખાધી, સાથ વાળા બધાને ખુબ વાગ્યું પણ તેમને જરા પણ ન વાગ્યું. ત્યારે તે બધાને કહેવા લાગ્યા કે, હું ડોંગરે મહારાજનો ફોટો મારા ખિસ્સામાં રાખું છું તેથી બચી ગયો. એવી હતી તે ભક્તની શ્રદ્ધા.

એક ભક્ત મૂળજીભાઈને તો ગંભીર બીમારી થઈ, તો તેમણે તેમના દીકરાઓને કહ્યુકે, મને માલસર લઈ જાઓ, ત્યાં જઈ મહારાજશ્રીના દર્શન કરી, તે ખૂબ ખુશ થયા અને તેમને સારું થવા લાગ્યું અને વ્યાધિમાંથી ઉગરી ગયા. તેમણે મહારાજશ્રીની ખુબ સેવા કરીને જીવન ધન્ય બનાવ્યું.

એક વખત, એક ભાસ્કરાનંદ સ્વામી નામના સંન્યાસી મહાત્મા મહારાજશ્રીની કથામાં આવ્યા. મહારાજશ્રીને જોતાંજ જાણે તેમને પૂર્વ જન્મની પ્રીત જાગી ઉઠી. પછી તો દરેક કથામાં તે મહાત્મા હાજર જ હોય. વ્યાસપીઠ પાસે જ મહારાજશ્રી તરફ મોં રાખીને કથા સાંભળે. તેઓ મૌન રાખે એટલે મૌની સ્વામીના નામથી ઓળખાતા. મહારાજશ્રીના ગયા પછી તેઓ પણ ક્યાં ગયા તેની કોઈને ખબર નથી.

માલસરમાં કથા સાંભળવા પંચવટી નાસિકથી ચાર સંપ્રદાય અખાડાના મહંત આવ્યા હતા. તો નંદ મહોત્સવના સમયે આ મહાત્મા અને મહારાજશ્રીએ સંકીર્તન કર્યું અને સર્વ ભાવાવેશમાં નાચ્યા. મહારાજશ્રીનો તે ભાવાવેશ જોવાનો, જોનારને જિદગીનો એક અનેરો લ્હાવો મળ્યો એમ વર્ણન કરે છે.

એક સમયે કથાના સમયે યજમાનના ઘરે ચોરી થઈ. નકામો ઉહાપોહ ન થાય તેથી તેમણે કોઈને વાત ન કરી, પરંતુ કથાના ત્રણ દિવસ પછી ચોર યજમાનને ત્યાં કપડાં દાગીનાનું પોટલું પાછું આપીને કહે છે કે, લો આ તમારા ચોરાઈ ગયેલ દાગીના અને કપડાં. મેં ગુનો કર્યો છે. તમારે પોલીસમાં ફરિયાદ આપવી હોય તો આપો.

યજમાન કહે ચાલ બાપજી પાસે તેઓ જેમ કહેશે તેમ કરીશું. તેઓ મહારાજશ્રી પાસે આવ્યા તો બાપજીએ ચોરને પૂછ્યું, તારામાં આ પરિવર્તન કેમ આવ્યું, તારી બુદ્ધિ કેમ સુધરી?

ચોરની આંખમાં આંસુ આવી ગયા. અશ્રુભીની આંખે તેણે કહ્યુ કે, ચોરી કર્યા પછી મેં ત્રણ દિવસ કથા સાંભળી અને મારા વિચારોમાં પરિવર્તન થયું. મારો જીવન પલટો થયો. મને થાય કે જે ભક્ત આવો જ્ઞાનયજ્ઞ કરી રહ્યો છે, તેને ત્યાંજ મેં ચોરી કરી અને મને પસ્તાવો થયો.

મહારાજશ્રીએ કહ્યું, તેં પાપ કર્યું અને પાપ કબુલ કરીને તેનું પ્રાયશ્ચિત પણ કરી દીધું. હવે તું પવિત્ર થઈ ગયો ભાઈ. હવે આવું કામ ન કરતો. એમ કહીને તેને વિદાય કર્યો. બાપજીની કથાથી, આવો ચોર માણસ પણ, સુધરી ગયો હતો!

નવસારીમાં ગોવિંદરાવ શેઠજી મહારાજશ્રીના જૂના ભક્ત હતા. તેઓના લીધે નવસારીમાં સતત ત્રીસ વર્ષ સુધી કથાનો સિલસિલો ચાલુ રહેલો. અધિક માસ તો નક્કીજ થઈ ગયેલો. દરેક અધિકમાસમાં કથા હોય જ. એક અધિક માસમાં તો આખો મહિનો મહારાજશ્રી નવસારીમાં જ રહ્યા. ઓગણીસ દિવસ કથા કરી, અને બાકીના દિવસ નવસારીમાં રહી ભજન કર્યું.

તેમનો મુકામ નવસારીમાં હોય ત્યારે શેઠજીને ત્યાંજ રહેતા. તેઓનું ઘર તો જાણે તે સમયે મંદિર. ધરની દરેક વ્યક્તિ મહારાજશ્રી અને તેમના ભક્તોની આગતા સ્વાગતાનું ખૂબજ ધ્યાન રાખતા. મહારાજશ્રીની કથાની આવકમાંથી આંખની મોટી હોસ્પિટલ થઈ હતી અને રામજી મંદિરમાં એક હોલ બનાવવામાં આવ્યો હતો.

એક ભક્ત બાબાભાઈએ કહેલું કે, હું બાપજીને ગુરુ માની તેમના ફોટા આગળ ધૂપ દીપ કરીને ફોટાને હાર પહેરાવતો. એક દિવસ મહારાજશ્રી જોઈ ગયા અને કહ્યુ કે, આવું કરવાથી કંઈ અર્થ સરવાનો નથી.

હું તમારા જેવો જ મનુષ્ય છું. મારા ફોટાની પૂજા કરવાને બદલે તમે જેટલું ભગવતસ્મરણ કરશો તેટલા પ્રભુની નજીક જશો. તેનાથી તમારા જીવનની ભક્તિમય પ્રગતિ થશે. આ ઉદાહરણથી મહારાજશ્રીની ભારોભાર નમ્રતા પ્રગટ થાય છે. તેઓ ભક્તોને વારંવાર કહેતા કે, હું તમારા જેવોજ સામાન્ય મનુષ્ય છું મારા મ-ર-ણ-પ-છી પણ ક્યાંય મારું બાવલું કે સ્મારક કરશો નહિ. મારા નામે કોઈ ટ્રસ્ટ કે સંસ્થા ઉભી કરશો નહિ.

આમ ગામેગામ મહારાજશ્રીના ગણ્યા ગણાય નહિ તેટલા ભક્તો છે.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)