ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 15: મહારાજશ્રી પોતાની કથાઓ રેકોર્ડ કરવાની કેમ ના પાડતા, જાણો કારણ

0
230

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, ડોંગરેજી મહારાજની કથા સાંભળી ચોરનું હૃદય પરિવર્તન થયું હતું. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

મહારાજશ્રીની કથાઓ :

મહારાજશ્રીની કથા જ્યાં હોય ત્યાં નાનું ગોકુળિયું ગામ બની જતું અને યાત્રાધામ બની જતું. કથામાં ચારે તરફ ભક્તિના પૂર ઉભરાતાં. મહારાજશ્રી યુવાનીના સમયે પ્રહલાદ ચરિત્રમાં ખૂબ ખીલતા. તે સમયે નરસિંહ ભગવાનનો આવેશ આવી જતો. વ્યાસપીઠ ઉપર ઘુર ધુર શબ્દો બોલતા, ઉછળતા, મસ્તક વ્યાસપીઠની છતે અડી જતું.

અકૂરઆગમન અને ઉદ્ધવાગમન વખતે તેની કથા કરતાં તેઓ રડી પડતા. શ્રીકૃષ્ણનો વિરહ જાતે અનુભવતા. આવા પ્રસંગોમાં ભાગ્યેજ કોઈ શ્રોતા એવો હશે કે જેની આંખો અશ્રુભીની ન થઇ હોય.

અમદાવાદ અને મુંબઈમાં તો લાખો લોકો ઉમટી પડતા. શરૂઆતમાં મહારાજશ્રી મહિનામાં ચાર કથાઓ કરતા પછી મહિનામાં ત્રણ કથાઓ કરતા પછી બે જ કથા કરતા. આ પ્રમાણે ચાલીસથી પિસ્તાલીસ વર્ષ સુધી અવિરત કથા કરતા રહ્યા. ઉત્તર ભારતમાં પણ કથા કરવા જતા ત્યાં હિંદીમાં કથા કરતા.

મહારાજશ્રીની ખ્યાતિ વધતી ચાલી એમ ઘણા લોકોએ મહારાજશ્રીની કથાને ફંડફાળા ઉધરાવવાનું માધ્યમ બનાવી દીધી. કોઈ ટ્રસ્ટ ઉભું કરવાનું હોય કે ટ્રસ્ટ માટે પૈસા ઉધરાવવાના હોય તો કથાનું આયોજન થાય, આયોજકો કથા પૂરી થાય એટલે પૈસા લઈને મહારાજશ્રીની પધરામણી કરાવવાનું તૂત પણ રાખે.

પણ, મહારાજશ્રીએ કોઈ દિવસ વ્યાસપીઠ ઉપરથી કહ્યું નથી કે, આ ફંડમાં તમે પૈસા આપો. તેખો તો શુકદેવજીની જેમ કથા કરવા આવે, અને કથા પૂરી થાય એટલે તદ્દન નિ:સ્પૃહતાથી ત્યાંથી ચાલતી પકડે. રકમ વિષે કોઈ દિવસે આયોજકોને તેમણે પૂછ્યું નહોતું.

મહારાજશ્રીની કથામાં કોઈ દિવસ વાજિંત્રનો ઉપયોગ થયો નથી. બીજી કથાઓમાં સંગીત હોય, તેનાથી પણ લોકો આકર્ષાય, પરંતુ મહારાજશ્રીની કથામાં તેમની વાણી માત્રથી ભક્તો આવતા. કથામાં આધ્યાત્મિક વાત, પરમાત્માની વાત સિવાય, બીજી કોઈ આડી અવળી વાત તેમણે કદી કહી નથી.

ચાલુ કથાએ ફોટોગ્રાફર આવે તો તેઓ નારાજ થતા. કથા ટેપ કરવાની પણ ના પાડતા, તેમનું ધ્યાન ન હોય ને કરે તે જુદી વાત. મહારાજશ્રીનું કહેવાનું એમ હતું કે મારી કથા ટેપ કરી લોકો ઘરમાં ગમે તે અવસ્થામાં ટેપ વગાડી કથા સાંભળે તે ન ચાલે. કથા મનોરંજનનું સાધન નથી. કથા તો પ્રભુ સાથે એક થવાની આરાધના છે. કથા તો માર્ગ બતાવે, તે પ્રમાણે ચાલવાનું તમારે છે.

વધુમાં કહેતા કે મારી ટેપ કરેલી કથાની રેકર્ડ બજારમાં મળતી થઈ જાય તો બ્રાહ્મણને કથા કરવા કોણ બોલાવશે?

કથામાં ગમે તેટલી મેદની ભેગી થઈ હોય, પણ મહારાજશ્રી શરૂઆત કરે કે – શુકદેવજી વર્ણન કરે છે… તો ટાંકણી પડે તોય સંભળાય તેવી શાંતિ છવાઈ જતી. આવી હતી મહારાજશ્રીની કથાની લોકપ્રિયતા.

મહારાજશ્રી મહા-મહોપાધ્યાય બન્યા :

કાશીના સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયના સંચાવકોને વિચાર આવ્યો કે, પૂજ્ય ડોંગરે મહારાજ ભારતભરમાં સનાતન હિંદુ ધર્મનો ખૂબ પ્રચાર કરે છે. ભાગવત-પુરાણનો લોકભોગ્ય એટલે કે લૌકોને સરળ શૈલીમાં સુંદર રીતે જન સમાજને સમજાવીને લોકોને ભક્તિના માર્ગે વાળે છે. મહારાજશ્રી આપણી પ્રાચીન ઋષિ પરંપરાના સંત છે

સંચાલકોએ મહારાજશ્રીને મહા-મહોપાધ્યાયની પદવીથી વિભૂષિત કરવાનું ર૮ જાન્યુઆરી ૧૯૮૯, ના રોજ નક્કી કર્યુ. આ સમાયાર મહારાજશ્રીને જણાવવામાં આવ્યા. મહારાજશ્રી તો ના જ પાડે. તેઓશ્રી તો માન-અપમાનથી પર થઈ ગયેલા. તેઓ કહેતા કે, જગતના માનપાન કદી કામ લાગતા નથી. જગત માન આપે તો રાજી થશો નહિ, જગત નિંદા કરે તો તેની અસર તમારા મનને થવા દેશો નહિ.

તેઓશ્રી પ્રસિદ્ધિથી દૂર જ રહેતા. કોઈ તેમનો ફોટો લે, તો તેઓને ગમતું નહિ. કોઈ ચોરીછુપીથી ફોટા પાડી શકે તો જ તેમનો ફોટો લઈ શકાતો.

મહારાજશ્રીએ ના પાડવા છતાં વિશ્વવિદ્યાલયના સંચાલકોએ ખૂબ આગ્રહ કર્યો. ત્યારે તેઓએ જણાવ્યું કે, હું કાશી નહીં આવું. પદવી સમારંભ નડિયાદમાં ગોઠવો. સંચાલકોએ આ વાત માન્ય રાખી. તેમણે વિચાર્યું કે આવા સંત પુરુષ આપણી પદવી સ્વીકારે તે જ મોટી વાત છે.

નડિયાદમાં પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો. ગુજરાત વિશ્વવિદ્યાલય, સરદારપટેલ વિશ્વવિદ્યાલય, ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિઓ, સંતો, વિદ્વાનો અને ભક્તોની ઉપસ્થિતિમાં, મહાવિદ્યાલયના કુલપતિ વેંકટાચલયના શુભ હસ્તે મહારાજશ્રીને મહા-મહોપધ્યાયની પદવી એનાયત કરવામાં આવી.

તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. ગુજરાતના એક સંત આવી મોટી પદવીથી વિભૂષિત થયા. મહારાજશ્રી આ માનથી એટલા ગળગળા થઈ ગયા કે પ્રત્યુત્તરમાં એક શબ્દ બોલી ન શક્યા.

આ ઉપાધિથી મહારાજશ્રી વિભૂષિત થયા પરંતુ તેઓએ પદવી સ્વીકારવાથી જાણે સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય વિભૂષિત થઈ ગયું. તેઓએ માન્યુ કે એક સાચા સંતે આપણી ઉપાધિ સ્વીકારીને વિશ્વવિદ્યાલયને ઉપકૃત કર્યું છે.

આવડી મોટી ઉપાધિ મળ્યા પછી, તે ઉપાધિને મહારાજશ્રીએ ક્યારેય પોતાના નામ સાથે લગાડી નથી.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)