ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 16: મહારાજના પત્ની સીતાબેને ગૃહત્યાગ કરી આશ્રમમાં રહેવાનો નિર્ણય લીધો

0
1201

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, ડોંગરેજી મહારાજ કહેતા કે કથા ટેપ કરી લોકો ઘરમાં ગમે તે અવસ્થામાં ટેપ વગાડી કથા સાંભળે તે ન ચાલે. કથા મનોરંજનનું સાધન નથી. કથા તો પ્રભુ સાથે એક થવાની આરાધના છે… આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

રામ ત્યાગ :

મહારાજશ્રી અને સીતાબેનનું સુખી દાંપત્ય જીવન હતું. બંનેને આધ્યાત્મ માર્ગમાં આગળ વધવા એકબીજાનો સાથ એકબીજાને મદદ-કર્તા થઈ શકશે એ હેતુથી લગ્ન કરેલા. બંને ઉંચી કોટીના જીવ હતા. તેઓ અધ્યાત્મમાર્ગના સહપ્રવાસી હતા. તેઓનો બધો જ સમય લાલાની સેવા, કથા, જપ-કીર્તનમાં જતો.

તેઓની રહેણીકરણી ઉપરથી લાગતું હતું કે, બંને ભક્તિમાર્ગમાં ખૂબ આગળ વધેલા છે. બંનેને લાલાની લગની લાગી હતી. સદા સર્વદા ભક્તિમાં રત રહેતાં. આવા પરમાનંદ પાન કરનારાઓનું મન ક્ષણિક પણ ક્ષુલ્લક વિષયસુખ તરફ જાય જ નહીં. જાણે શિવ-પાર્વતીનું જોડું હતું, બન્ને તપશ્ચર્યા સાથે જ કરતા.

મહારાજશ્રી કથામાં કહેતા કે, દશરથજીના સુખને કાળની નજર લાગી અને દુઃખનું રામાયણ શરુ થયું. ભક્તિના માર્ગે, હરણ ફાળ ભરી રહેલા મહારાજશ્રીના જીવનને પણ કાળની નજર લાગી.

ઓગણીસો સિત્તેરની સાલ હશે, મહારાજશ્રી મુંબઈ કથા કરવા ગયા હતા ત્યારે આ બાજુ સીતાબેને ગૃહત્યાગ કરવાનો નિર્ણય લીધો. બાપાજીને વંદન કરી, એક થેલીમાં એક જોડ કપડાં લઇ, તે ઘરની બહાર નીકળી ગયાં. અને માઉન્ટઆબુની ગાડી પકડી.

સીતાબેન ધર છોડીને ચાલ્યા ગયા. એ વાતથી મહારાજશ્રીના ભક્તજનોમાં હાહાકાર મચી ગયો. મહારાજશ્રીને મુંબઈ આ વાતની જાણ થઈ, તેઓ તો સ્તબ્ધ થઈ ગયા. જાણે એકાએક વીજળી ત્રાટકી. તેઓશ્રી મુંજાઈ ગયા, પણ સીતાબેનના મનની વાત તેમના પોતાના સિવાય બીજું કોણ જાણી શકે?

કેટલાક લોકો કહે છે કે, કાશીમાં મહારાજશ્રીની કથા બેઠી હતી ત્યારે સીતાબેન પણ સાથે ગયેલા. ત્યાં તેઓ વિમલાતાઈ ઠકારના પરિચયમાં આવ્યા. પાછળથી પરિચય વધ્યો. સીતાબેને મહારાજશ્રી પાસે પ્રસતાવ મૂક્યો કે, મારે વિમલાતાઈને ગુરુ કરવા છે. મહારાજશ્રીએ કહ્યું શાસ્ત્ર કહે છે કે, પરણેલી સ્ત્રીને પતિ એ જ ગુરુ હોય તે બીજાને ગુરુ કરી શકે નહિં. આથી કદાચ સીતાબેનને દુઃખ થયું હોય.

એટલું તો નિશ્ચિત હતું કે સીતાબેન વિમલાતાઈના પ્રભાવથી અંજાઈ ગયેલા, તેઓની ગાઢ અસર નીચે આવેલા. વિમલાતાઈ પરમ વિદુષી હતા, ગીતાના પ્રવચનો અને તત્વજ્ઞાનના પ્રવચનો આપવા તેઓ દેશ વિદેશમાં ફરતા અને ખૂબ જાણીતા હતા. માઉન્ટ આબુમાં તેમનો આશ્રમ છે. વિમલાતાઈ ધાર્મિક હતા ખરાં પણ સાથોસાથ આધુનિક રંગથી રંગાયેલા હતા. અને રૂઢિચુસ્તતાના અને અંધશ્રદ્ધાના વિરોધી હતા.

વિમલાતાઈના પરિચયમાં આવ્યા પછી, તેમનો ધ્યાનનો-જ્ઞાનનો માર્ગ, મહારાજશ્રીના ભક્તિ માર્ગ કરતાં તેમને ઉત્તમ લાગ્યો હશે. “મૂર્તિપૂજામાં લાલાની સેવા કર્યા કરવાની, એમાં સમય વિતાવવો તેના કરતાં વિમલાતાઈના શિષ્ય બની તેનો માર્ગ અપનાવું.” એમ તેમણે લાગ્યું હશે. એવું અનુમાન જ કરી શકાય!

એટલું તો ચોક્કસ કે વિમલાતાઈએ સીતાબેન ઉપર એવી ભૂરકી નાખેલી કે તેઓ ફક્ત તેને જ જોતા. બાકી આટલા વર્ષના મહારાજશ્રીના સહવાસ પછી, તેમને આમ અચાનક છોડી જવા તે કંઈ સહેલી વાત નથી.

મહારાજશ્રી મુંબઈની કથા પૂરી કરી વડોદરા આવ્યા. સીતાબેનને મળવા આબુ ગયા, પણ કંઈ અર્થ ન સર્યો. જાણે માતાજીએ નક્કી જ કરી લીધું હતું કે, અહી આબુમાં વિમલાતાઈ સાથે જ રહેવું .

આ અનુસંધાનમાં વિદ્વાન ઈશ્વર પેટલીકરે તે સમયે ધર્મ-સંદેશમાં લેખો લખેલા. આ લેખનો સૂર પણ એવો હતો કે, પૂજ્ય ડોંગરે મહારાજ અને પૂજ્ય સીતાબેન પોતપોતાની રીતે ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા જીવ હતા.

મહારાજશ્રીને આ પ્રસંગ બન્યા પછી ખૂબ જ આઘાત લાગ્યો હતો. મહારાજશ્રીએ હનુમાનચાલીસાના પાઠ કરાવ્યા કે જેથી તેઓના ઉપર આવેલું કષ્ટ દૂર થાય.

સીતાબેનના ગયા પછી મહારાજશ્રી પહેલા જેવા ખુશમિજાજમાં ન લાગે, બેચેન લાગે. સીતાબેન મહારાજશ્રીના જીવનની રોશની બનીને આવ્યાં હતાં, બન્ને એકબીજાથી શોભતાં હતાં, પરંતુ આ રોશની વીજળીની જેમ ચમકીને અદ્રશ્ય થઈ ગઈ.

મહારાજશ્રી સીતાબેનને મળવા આબુ જતા, તેમને આર્થિક મદદ પણ કરતા. પછી સાંભળવામાં એવું પણ આવ્યું હતું કે, થોડા સમય પછી વિમલાતાઈએ મહારાજશ્રીને આશ્રમમાં આવવાની મનાઈ કરેલી.

સીતાબેન લગ્ન પછીનું નામ હતું. પહેલા શાલિની (વેલી) હતું. મહારાજશ્રીથી વિખૂટી પડીને તે વેલી (શાલીની) સુકાઈ ગઈ. મહારાજશ્રીથી વિખુટા પડ્યા પછી તેમને કેન્સર થયું. ઓપરેશન કરાવ્યું. એકાદ વર્ષ સારું રહ્યું પછી ઉથલો માર્યો. અને સને ૧૯૭૮ માં તેઓ મ-રૂ-ત્યુ પામ્યા.

અવસાનના સમાચાર પણ મહારાજશ્રીને સમયસર આપવામાં ન આવ્યા. સમાચાર મળતાજ મહારાજશ્રી તાબડતોબ આબુ ગયા પરંતુ તે પહેલાં તો અગ્નિદાહ આપી દેવાયો હતો.

મહારાજશ્રી કથામાં કહેતા કે કાળને કોઈની દયા આવતી નથી. જો કે, મહારાજશ્રીના જીવનમાં સીતાબેનના આવવાથી કે તેમના જવાથી શું ફેર પડવાનો હતો? તેઓ તો આમ પણ ફક્કડ ગિરિધારી (અનાસક્ત) હતા, તેઓ ભલા ને તેમનું ભાગવત અને તેમનો લાલો ભલો.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)