ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 17: ડોંગરેજી મહારાજે પોતાના દેહને જળસમાધિ આપવાનું કેમ કહ્યું હતું, જાણો

0
211

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, ડોંગરેજી મહારાજના પત્ની સીતાબેને ગૃહત્યાગ કરી આશ્રમમાં રહેવાનો નિર્ણય લીધો હતો. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

મહારાજશ્રીનં મહાપ્રયાણ :

પાછળના છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાજશ્રનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું. ફક્ત માનસિક શક્તિથી અને પ્રભુકૃપાથી તેઓ કથાઓ કરતા. મહારાજશ્રી દરરોજ એક જ વસ્તુ જમે. કોઈ વાર એકલું સૂરણ, એકલા મગ, એકલી ખીચડી તેવુ જ જમતા. કોઈનું બનાવેલું જમતા નહિ. ભક્તો કહેતા કે એકાદ બ્રાહ્મણને સાથે રાખો, તો તેઓ કહેતા કે, મારે કોઇની સેવા લેવી નથી. હું સામાન્ય માણસ છું, અને એ રીતે મારે જીવવું છે.

આ રીતના ખોરાકથી, શરીરને પૂરતા પોષક તત્વો ક્યાંથી મળી રહે? તેમનું શરીર નબળું પડી ગયું, તેઓ થાકી જતા.

મહારાજશ્રી વ્યવહારિક બાબતમાં તદન બાળક જેવા હતા. પહેલા તો વડીલોનું કહ્યું માનતા, પછી કોઈ વડીલ રહ્યું નહિ એટલે મહારાજશ્રી દિવસે દિવસે અંતર્મુખ થતા ગયા, લોકો સાથે વાત કરવાનું ટાળે, પછી તેમને શરીરની કાળજી લેવાનું પણ કોણ કહે? તબિયત સારી ન હતી પરંતુ કથા કરવાનું તો ચાલુ જ રહેલું. કથા તો તેઓનો પ્રાણ હતો.

શુકદેવજી મહારાજે પરિક્ષિતરાજાને જે સ્થળે કથામૃતનું પાન કરાવેલું તે શુક્તાલમાં કથા કરી. શુક્તાલમાં કથા કરી ત્યાંથી દિલ્હી કથા કરવા આવ્યા. દિલ્હી પાસે યમુના નદીના કાંઠે કાસગંજમાં ભાગવત સપ્તાહ ચાલતી હતી ત્યાં મહારાજશ્રી ઉપર લકવાનો હુ-મ-લો થયો. તેઓએ ભક્તોને કહ્યુ કે, મને નડીઆદ સંતરામ મંદિરમાં લઈ જાઓ.

વિમાન માર્ગે દિલ્હીથી વડોદરા લાવવામાં આવ્યા. વડોદરા ઘરે આવ્યા. પ્રભાકરભાઈને મળ્યા ત્યાંથી પાંચમી ઓક્ટોબર ૧૯૯૦ ના રોજ તેઓ સંતરામ મંદિરમાં પયાર્યા.

સંતરામ મંદિર પ્રત્યે મહારાજશ્રીને બહુ લાગણી હતી. પહેલાં ત્યાં મહારાજશ્રીએ ચાતુર્માસ ગાળીને ભારતના સંત મહાત્માઓ ઉપર પ્રવચનો આપેલા. તેનું સંત ચરિત્ર નામે પુસ્તક પણ પ્રગટ થયેલું છે.

ભક્તોના આગ્રહને વશ થઈ, તે મુંબઇ જવા તૈયાર થયા. ત્યાં હિન્દુજા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. તારીખ સોળ ઓક્ટોબરથી અઠ્યાવીસ ઓક્ટોબર હોસ્પીટલમાં રહ્યા. પરંતુ આવા પવિત્ર આભને હોસ્પીટલમાં ક્યાંથી ગમે? પહેલેથીજ તેઓના શરીરને કોઇ અડે તો તેઓને ગમતું નહિ. કોઈ તેમના ચરણ સ્પર્શ કરે તો પણ ગમતું નહિ. અહીં તો ડોકટરો નર્સો તેમને અડે તે તેમને ક્યાંથી સહન થાય?

મહારાજશ્રીએ ભક્તોને કહ્યુ કે, મારો અંતકાળ નજીક છે. મારે હોસ્પીટલમાં રહેવું નથી મને મારા ગુરુ મહારાજના ચરણોમાં સંતરામ મંદિર લઈ જાઓ. મારે મારા દેહને ત્યાં છોડવો છે.

ર૮ ઓક્ટોબર, ૧૯૯૦ સુધી તે હોસ્પીટલમાં રહ્યા. ભક્તો લાચાર બન્યા. મહારાજશ્રીની ઈચ્છાને માન આપીને તેઓને નડિયાદ સંતરામ મંદિરમાં લાવવામાં આવ્યા.

મહારાજશ્રીએ નડિયાદ સંતરામ મંદિરના મહંત શ્રી નારાયણદાસજી મહારાજ સમક્ષ પોતાની છેલ્લી ઈચ્છા જાહેર કરી કે, મારે સન્યાસ ગ્રહણ કરવો છે અને મારા દેહને માલસરમાં જળસમાષિ આપજો. (મ-ર્યા-પ-છી આ તુચ્છ દેહ કોઈના (માછલાંના) ઉપયોગમાં આવે, તેમાટે જળ-સમાષિની વાત તેમણે વિચારી હશે?)

મહારાજશ્રીને સન્યાસ લેવાની ઈચ્છા થઈ. તેઓશ્રી કથામાં વારંવાર કહેતા કે, વસ્ત્ર સન્યાસ કરતાં પ્રેમ સન્યાસ શ્રેષ્ઠ છે. તેઓશ્રીનો પ્રેમ સન્યાસ પણ હતો. પ્રભુ પ્રેમના વિરહમાં તેઓ ઝૂરતા. તેઓનું જીવન સન્યાસી જેવું જ હતું. ખરા અર્થમાં તો સંન્યાસીને પણ શરમાવે તેવું હતું. લૌકિક કામના તો કોઈ રાખી જ ન હતી. ભૌતિક સુખ સગવડો કોઈ દિવસ ભોગવી જ નથી કે ભોગવવાની ઇચ્છા પણ કરી નથી.

મહારાજશ્રીએ કામ્ય કર્મોનો ત્યાગ તો કરેલો જ હતો. તેઓએ એકજ કામના રાખેલી કે, મારે લાલાને મળવું છે તેમની સાથે વાતો કરવી છે. તેઓ સાચા અર્થમાં સંન્યાસી જ હતા છતાં, તેઓને કદાય થયું હશે કે ધર્મ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે મનુષ્યે ચાર આશ્રમ પૂર્ણ કરવા જોઈએ. એટલે જ તેઓશ્રીએ સંન્યાસ દિક્ષા લેવા માટે ઈચ્છા વ્યક્ત કરી.

મહારાજશ્રીને સંન્યાસ દિક્ષા આપવામાં આવી તે વિધિ જોતાં ભક્તોની આંખમાં આંસુ આવી ગયા. વેદ મંત્રોના ઉચ્ચારો સાથે મહારશ્રીને પવિત્ર જળથી સ્નાન કરાવ્યું. જૂના વસ્ત્ર, જનોઈ, તુલસીની માળાનો ત્યાગ કરાવી ભગવાં વસ્ત્રો પહેરાવ્યાં. દંડ કમંડળ આપવામાં આવ્યાં. ગળામાં રૂદ્રાક્ષની માળા ધારણ કરાવી. ભાલમાં ભસ્મ લગાવી.

આમ સાચા સંન્યાસી, વિધિ પ્રમાણે સંન્યાસી થયા. લોકોના હદયના સ્વામી આજે ભગવાં કપડાં પહેરીને સ્વામીજી બન્યા. જાતે જ પોતાનું શ્રાદ્ધ કરી લીધું. પરમ પૂજ્ય નારાયણદાસજીએ નવું નામ આપતા કહ્યુ કે, રામચંદ્ર ડોંગરે હવે બન્યા સ્વામી.

મહારાજશ્રીની તબિયત બગડતી ચાલી. સંત મહાત્માઓ તથા ભક્તો દર્શને આવવા લાગ્યા. સોલાથી પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી તેમના શિષ્યગણ સાથે આવી પહોંચ્યા. મહારાજશ્રીને અતિ પ્રિય વિષ્ણુસહસ્ત્રનામના અખંડ જપ અને ભાગવતના પાઠ શરૂ કરવામાં આવ્યા. પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી તેમના મસ્તક પાસે બેસી શ્રી કૃષ્ણ:શરણં મમ ના જાપ કરે છે. આખું વાતાવરણ ભક્તિમય બની ગયું.

તારીખ આઠ નવેમ્બર 1990 અને ગુરુવારે સવારના નવને સાડત્રીસ મીનીટે ગુરુપુષ્યામૃત યોગની પવિત્ર ઘડીમાં નામ સંકીર્તન સાંભળતા પૂજ્ય મહારાજશ્રીએ આ નશ્વરદેહનો ત્યાગ કર્યો. મહારાજશ્રીનો આત્મા પરમાત્મા સાથે મળી ગયો.

ભક્તોને આ વાતની ખબર પડી. નડિયાદ સંતરામ મંદિર ભકતોથી ઉભરાવા લાગ્યું. ગામેગામથી ભક્તો આવવા લાગ્યા. મહારાજશ્રીના દેહને સિદ્ધાસને બેસાડવામાં આવ્યો. દેહને માવસર લઈ જવાની તૈયારી થવા લાગી. મહારાજશ્રીના દેહને પાલખીમાં પધરાવવામાં આવ્યો.

સંતરામ મંદિરના પૂજ્ય નારાયણદાસજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યુ કે, ડોંગરે મહારાજે ભાગવતનો ઉપયોગ પોતાના ભરણપોષણ માટે કર્યો નથી. ભાગવતમાં જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. મહારાજશ્રીના જીવનમાં આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થયો હતો. તેઓનામાં જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતા. ભારત સંતોની ભૂમિ હોવા છતાં મહારાજશ્રી જેવા સંતના દર્શન થવા દુર્લભ છે. પાલખીને એક શણગારેલી ટ્રકમાં મુકવામાં આવી. અંતિમ યાત્રા શરુ થઇ. ભક્તોએ ધૂન કરવાની શરુ કરી.

હરે રામ હરે રામ, રામ રામ હરે હરે

હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે

“ડોંગરેજી મહારાજ અમર રહો” ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. નડિયાદના નગરજનોએ સ્વયંભુ બંધ પાળી ગુજરાતના આ પનોતા સંતને ભાવાંજલિ અર્પી. નડિયાદથી વિદાય થઈ યાત્રા વડોદરા આવી. રસ્તામાં ઠેર ઠેર લોકો આ પુણ્યાત્મા સંતને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હતા. યાત્રા મહારાજશ્રીના દાંડિયાબજારના ઘર પાસે આવી પહોંચી. ભક્તજનોના આંખમાંથી આંસુ ટપકતા હતાં.

વડોદરાથી નીકળી અંતિમ યાત્રા સાંજના સમયે માલસર આવી પહોંચી. માલસર મહારાજશ્રીની કર્મભૂમિ છે. સત્યનારાયણ મંદિરના મહંત પૂજ્ય પ્રેમદાસજી મહારાજ તથા બીજા ઘણા મહાત્માઓએ પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ આપી. મહારાજશ્રીના દેહને એક હોડીમાં પધરાવવામાં આવ્યો અને નર્મદાના ગહન જળમાં પૂજ્ય મહંત શ્રી પ્રેમદાસજી ના વરદ હસ્તે તેઓના દેહને જળસમાધિ આપવામાં આવી.

મહારાજશ્રીનો પંચમહાભૂત દેહ સાંજના પાંચ વાગીને પચ્ચીસ મીનીટે પંચમહાભૂતમાં મળી ગયો. મહારાજશ્રી જેવા સંત અમર છે. નર્મદાજી ઉપર મહારાજશ્રીનો અગાઢ પ્રેમ હતો. નર્મદામાતામાં મહારાજશ્રી ખૂબ રમ્યા છે, ભમ્યા છે. નર્મદામાતાને પણ આવા પ્રખર સંતના સહવાસથી આનંદ થતો હશે એટલે જ મહારાજશ્રીના દેહને નર્મદામાતાએ પોતાના ખોળામાં સમાવી લીધા.

હે નર્મદામાતા જે દેહ ભારતભરમાં ભમી ભમીને ભક્તિના નીર વહેવડાવતા હતા તેવા તમારા ભક્તને તમે સાચવી લો.

મહારજશ્રીની મૂડીમાં શું નીકળ્યું? તેમનો લાલો અને પૂજાના વાસણો. લાવાની સેવા મહારાજશ્રીના ભાઇ ભક્તશ્રી પ્રભાકરભાઈએ સ્વીકારી અને લાલાને સાથે લઇ ગયા. ચાંદીના પૂજાના વાસણો, તુલસીની માળા, વસ્ત્રો માલસરમાં સ્મૃતિ તરીકે રાખવામાં આવ્યા છે. મહારજશ્રીના પુનિત પગલાંથી માલસરની ભૂમિ વધારે પવિત્ર થઇ છે. માલસરની ભૂમિ પણ ભાગ્યશાળી છે.

શુકદેવજી ભાગવતમાં વર્ણન કરે છે કે, મ-ર-ણ અનિવાર્ય છે. જે જન્મ્યો છે તેને મ-ર-વા-નું તો છે જ. જે ખીલ્યું તે ખરવાનું છે. તેથી જ્ઞાની મહાત્માઓ મ-ર-ણ-ને ટાળવાનો પ્રયત્ન નથી કરતા, તેઓ મ-ર-ણ-ને સુધારવાનો પ્રયત્ન કરે છે.

મ-ર-ણ-ને સુધારે છે કૃષ્ણકથા, કૃષ્ણનામ. કૃષ્ણભક્તિથી જેનું મ-ર-ણ સુધરે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી. મહારાજશ્રીની કથાના શબ્દોના હજુ પણ ભક્તોને પડઘા સંભળાય છે. વિશાળ ભક્ત સમુદાયના હૃદયમાં મહારાજશ્રી હજુ જીવે છે.

તેઓની પાવન વાણીએ ઘણાને ધન્ય કર્યા છે અને હજુ કરતી રહેશે. આથી કોણ કહેશે કે મહારાજશ્રી આપણને છોડીને ગયા છે?

આકાશમાંથી એક તારલો પૃથ્વી પર આવ્યો અને પોતાનું કાર્ય પૂરું કરીને વિલીન થઇ ગયો.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)