ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 18: મહારાજને પૂછ્યું સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો, જાણો તેમનો જવાબ

0
215

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજ જીવન વિષે ઘણું બધું જાણ્યું. આવો હવે તેમને કરવામાં આવેલા કેટલાક સવાલો અને તેમણે આપેલા તેના જવાબ જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

ડોંગરેજી મહારાજને પૂછેલા પ્રશ્નો અને તેના જવાબ :

(૧) મનુષ્યનો પરમ ધર્મ શું છે?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ર, અધ્યાય – ૬, શ્લોક – ૬ માં મનુષ્યનો પરમ ધર્મ બતાવ્યો છે. સૂતજીએ કહ્યું છે કે, “જે”નાથી શ્રીકૃષ્ણ પરમાત્મામાં ભક્તિ થાય, અને ભક્તિ પણ એવી કે જ્યાં કોઈ પણ પ્રકારની કામના ના હોય અને નિરંતર હોય. એવી ભક્તિ થાય તે જ મનુષ્યનો પરમ ધર્મ છે. આવી ભક્તિથી, આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને મનુષ્ય ધન્ય બની જાય છે.

(ર) પુરુષોમાં ઉત્તમ-પુરુષ કોને કહેવો?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ૧, અધ્યાય – ૧૩, શ્લોક – ર૬ માં કહ્યું છે કે, આ સંસારને દુઃખ રૂપ સમજી જે વિરક્ત થઇ જાય છે, અને પોતાના અંતઃકરણને વશ કરીને, હૃદયમાં ભગવાનને ધારણ કરીને, સંન્યાસ માટે ઘર છોડીને જે નીકળી પડે છે તેને ઉત્તમ પુરુષ માનવો. ભાગવત અમુક ઉંમરે તો ધર છોડવાનું જ કહે છે. આ તો તમે કોઈ ઘર છોડીને જવાના નથી એટલે કથામાં ઘરમાં રહીને ભક્તિ કરજો, એમ કહું છું. બાકી ઉત્તમ સિધ્ધાંત ધર છોડવાનો જ છે.

(૩) મનુષ્ય જન્મ મળ્યો એનો ઉત્તમ લાભ કયો?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ર, અધ્યાય – ૧, શ્લોક – ૬ માં કહ્યું છે કે, જ્ઞાનથી, ભક્તિથી કે સ્વધર્મ-નિષ્ઠાથી (કરેલા કર્મથી) કોઈ પણ રીતે જીવનને એવું બનાવી દેવામાં આવે, કે મ-રૂ-ત્યુ-ના સમયે ભગવાનની સ્મૃતિ અવશ્ય થાય. આવી સ્મૃતિ જેની બની રહે, તેનું જીવન કૃતાર્થ થયું કહેવાય, તે જંગ જીત્યો કહેવાય.

તેથી કહું છું કે સતત ભક્તિ કરો, ઈશ્ચર સાથે જોડાઈ જાવ, પ્રભુથી વિભક્ત ના થાવ. જેનું જીવન પ્રભુમય છે તેવો મનુષ્ય અંતકાળે સાવધ રહીને પ્રભુનું સ્મરણ કરતો કરતો દુનિયા છોડીને જન્મ-મ-ર-ણ-ના ફેરામાંથી મુક્ત થઇ જાય છે. બેહોશીમાં મ-રે તેની દુર્ગતિ થાય છે.

૪) સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ર, અધ્યાય – ર માં શુકદેવજી કહે છે કે, બ્રહ્માએ એકાગ્ર-ચિત્તથી સમગ્ર વેદોનું અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એવો નિશ્ચય કર્યો છે કે જેથી સર્વમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રતિ અનન્ય પ્રેમ થાય, તે સર્વ શ્રેષઠ ધર્મ છે. આથી મનુષ્યનું કર્તવ્ય છે કે, સઘળો સમય અને દરેક સ્થિતિમાં, પોતાની સઘળી શક્તિથી, ભગવાન શ્રીહરિનું શ્રવણ, કિર્તન અને સ્મરણ કરે. આ જ સર્વથી શ્રેષ્ઠ ધર્મ છે.

એટલે જ કહું છું કે, કાનથી ભગવાનની કથા સાંભળો, જીભથી તેના નામનું કિર્તન કરો, મનથી તેનું સ્મરણ કરો, તો પ્રભુમાં અનન્ય પ્રેમ થશે. પ્રભુમાં પ્રેમ થશે તો તમારું જીવન સફળ થશે.

(પ) ભક્તિમાર્ગને ઉત્તમ કેમ કહ્યો છે?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ૩, અધ્યાય – ૩ર, શ્લોક – ર૩ માં કહ્યું છે કે. ભગવાન વાસુદેવ પ્રતિ કરેલો ભક્તિયોગ, તરત સંસારથી વૈરાગ્ય અને (બ્રહ્મ-સાક્ષાત્કાર રૂપી) જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે.

એટલે જ કહું છું કે, ભક્તિ માં છે અને જ્ઞાન-વૈરાગ્ય તેના પુત્રો છે. ભક્તિ આવી તો મનુષ્યને જ્ઞાન-વૈરાગ્યની પ્રાપ્તિ આપોઆપ થાય છે. પણ ભક્તિ તીવ્ર અને પૂર્ણ રીતે હોવી જોઈએ.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)