ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 19: મહારાજને પૂછ્યું દરેક વિપત્તિઓને દૂર કરવાનો ઉપાય કયો, જાણો જવાબ

0
224

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજને લોકોએ પૂછેલા કેટલાક મહત્વના પ્રશ્નો અને મહારાજે આપેલા તેના જવાબ જાણ્યા. આવો હવે એવા જ કેટલાક અન્ય પ્રશ્નો અને તેના જવાબ જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

ડોંગરેજી મહારાજને પૂછેલા પ્રશ્નો અને તેના જવાબ ભાગ 2 :

(૬) ચારે પુરુષાર્થ સહજ રીતે પ્રાપ્ત થાય, તેનો કયો ઉપાય?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ૪, અધ્યાય – ૮, શ્વોક – ૪૧ થી નારદજી ધ્રુવજીને સમજાવી રહ્યા છે કે, જે પુરુષને પોતાના માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છા હોય, તેમના માટે શ્રીહરિના ચરણોનું સેવન (સેવા-પૂજા કે સ્મરણ) એ જ તેની પ્રાપ્તિનો ઉપાય છે.

એટલે વારંવાર કથામાં હું શ્રીકૃષ્ણની સેવા કરવા માટે કહું છું. શ્રીકૃષ્ણની સેવા કરનારને વિના પ્રયત્ને આ ચારે પુરુષાર્થો આવી મળે છે, પરંતુ ભક્તને આ પુરુષાર્થો કોઈ વિસાતમાં નથી. આ બધા પુરુષાર્થો આવી મળે તો પણ તે ભક્તિ-ભગવાનનું સ્મરણ છોડતો નથી. અને આવા પ્રભુના ચરણના સ્મરણ કરનારને પ્રભુ, પોતાની જાતને પણ આપી દે છે અને ભક્તને આધીન થઇ જાય છે.

(૭) ગૃહસ્થ માટે સંસાર-સાગર તરવા માટેનો માર્ગ કયો?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ૪, અધ્યાય – ૩૦, શ્લોક – ૧૯ માં વિષ્ણુ ભગવાન પ્રચેતાઓને કહે છે કે, જે મનુષ્યો, ભગવદાર્પણ બુદ્ધિથી નિષ્કામ રીતે કર્મો કરે છે, અને જેનો સઘળો સમય મારી કથા-વાર્તા સાંભળવામાં જાય છે, તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર, એ એના બંધનનું કારણ બનતું નથી.

તેથી હું કથામાં કહું છું કે તમે સંસારમાં રહેજો, પણ સંસાર તમારામાં રહેવો ન જોઈએ. નાવડી પાણી પર રહે તો તારે છે, પણ જો નાવડીમાં પાણી ભરાય તો તે ડૂબે છે. તમારા મનમાં સંસાર ભરાશે તો તમારું પતન થશે. મનમાં સદા મન-મોહનને રાખજો, તો સંસારમાં હોવા છતાં તમે સંસારને તરી જશો.

(૮) સાચું કર્મ કયું? સાચી વિધા કઈ?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ૪, અધ્યાય – ર૯, શ્લોક – ૪૯ માં નારદજી પ્રાચીન બહિ રાજાને સમજાવે છે કે, ખરેખર, સાચું કર્મ તો એ જ છે કે જેથી શ્રીહરિ પ્રસન્ન થાય અને સાચી વિધા એ જ છે કે જેથી શ્રીહરિમાં ચિત્ત લાગે.

(૯) દરેક વિપત્તિઓને દૂર કરવાનો ઉપાય કયો?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ૮, અધ્યાય – ૧૦, શ્લોક – ૫૫ માં આવે છે કે, ભગવાન શ્રીહરિનું સ્મરણ સર્વ વિપત્તિઓને નષ્ટ કરી દે છે. એટલે કથામાં હું નામ જપ અને સંકીર્તન કરાવું છું.

હરિનું નામ મ-રૂ-ત્યુ પછી પણ પરલોકના માર્ગમાં પ્રયાણ કરનાર પ્રાણો માટે ભાતું બની જાય છે. સંસાર રૂપ રોગ માટે એ સિદ્ધ ઔષધ છે, અને જીવનના દુઃખ અને કલેશો માટે એ ઢાલ-રૂપ છે. માટે સર્વ સમયે, સર્વ કાળે અને સર્વ સ્થાનમાં, હરહંમેશ હરિનું સ્મરણ કરતા રહેવું જોઈએ.

(૧૦) મનુષ્યનો પરમ સ્વાર્થ કયો?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ૭, અધ્યાય – ૭, શ્લોક – ૫૫ માં પ્રહલાદજી અસુર બાળકોને સમજાવતાં કહે છે કે, આ સંસારમાં મનુષ્ય શરીરનો સ્વાર્થ એટલોજ છે કે તે પરમાત્મા શ્રીકૃષ્ણની અનન્ય ભક્તિ પ્રાત કરે. અનન્ય ભક્તિ એટલે પરમાત્માનો સતત અનુભવ કરવો. સર્વદા, સર્વત્ર અને સર્વ વસ્તુઓમાં તે ભગવાનનાં દર્શન કરે. એટલે જ હું કથામાં કહું છું કે, સર્વમાં પરમાત્માના દર્શન કરવા તે પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર.

(૧૧) મનુષ્ય જીવનની સફળતા શામાં છે?

મહારાજશ્રી : ભાગવત સ્કંધ – ૧૦, અધ્યાય – રર, શ્લોક – ૩૫ માં શ્રીકૃષ્ણે પોતાના ગ્વાલમિત્રોને સમજાવતાં કહ્યું છે કે, સંસારમાં પ્રાણીઓ તો ઘણાં છે, પરંતુ જીવનની સફળતા એટલામાં જ છે કે જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી, ધનથી, વિવેક-વિચારથી, વાણીથી અને પ્રાણોથી પણ એવાં જ કર્મો કરે કે જેથી બીજાનું કલ્યાણ થાય.

એટલે જ હું કહું છું કે, પરોપકાર જેવું બીજું કોઈ પુણ્ય નથી. વ્યાસજીએ પોતાના જીવનના સાર-રૂપ શ્લોકમાં કહ્યું છે કે, પરોપકાર જેવું પુણ્ય નથી અને બીજાને દુઃખ આપવું એના જેવું બીજું કોઈ પાપ નથી.

ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર સંપૂર્ણ.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)