ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 2: ધર્મ અને શાસ્ત્રનો અભ્યાસ કરતાં સમયે ગંગા માતાએ આપ્યા હતા દર્શન

0
399

ડોંગરેજી મહારાજનો અભ્યાસ :

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજના જન્મ, પરિવાર અને જ્યોતિષીએ ભાખેલા તેમના ભવિષ્ય વિષે જાણ્યું. હવે તેમના અભ્યાસ વિષે જાણીએ. આગળનો ભાગ તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

બાળ-રામચંદ્રને મરાઠી શાળામાં દાખલ કરવામાં આવ્યા, ત્યાં તેમણે મરાઠીમાં ચાર ધોરણ સુધીનો આભ્યાસ કર્યો, જીવન દરમિયાન તેમણે ગુજરાતી શાળામાં બિલકુલ અભ્યાસ કર્યો નથી. તેમ છતાં ગુરુકૃપા કે ઈશ્વરકૃપાથી જ તેઓએ ગુજરાતી ભાષામાં ખૂબ સુંદર રીતે ભાગવત અને રામાયણ વગેરેની કથાઓ કરી છે.

રામચંદ્ર નાના હતા, ત્યારે કેશવચંદ્રની એવી તીવ્ર ઈચ્છા હતી કે રામચંદ્ર નાનપણમાં ધર્મ અને શાસ્ત્રનો અભ્યાસ કરે અને આગળ જતા સમાજમાં આપણા વૈદિક ધર્મનો પ્રચાર કરે. એટલે રામચંદ્ર દશ વર્ષના થયા ત્યારે પિતાજીએ તેમને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવા પંઢરપુર મોકલવાનું નક્કી કર્યું.

માતાજીએ વિરોધ કર્યો કે આવડા નાના બાળકને બહાર ભણવા ના મોકલો, અહીં વડોદરામાં જ તે ભણી શકે છે. માતાજીનું માતૃ હૃદય રામચંદ્ર પોતાનાથી દૂર જાય તે માટે તૈયાર નહોતું. પણ પિતાજીએ પણ કાઠું હૃદય કરીને કહ્યું – તે બહાર ભણવા જાય તેમાં તેનું કલ્યાણ છે. રામચંદ્રની વિદાય વખતે બંને ખુબ રડ્યા.

તે વખતે પિતા પાસે જ બહુ કશું હતું નહિ. એટલે તે રામચંદ્રને શું આપે? એટલે માતાપિતાના વારસામાં મળેલા ધાર્મિક સંસ્કારો લઇ, રામચંદ્રએ દશ વર્ષની ઉંમરે પંઢરપુર તરફ પ્રયાણ કર્યું.

માત્ર દશ વર્ષની ઉંમરે ઘર છોડીને, એકલા ભણવા જવું એ સહેલું તો નથી જ. પિતાજીએ બાળ રામચંદ્રને વિઠ્ઠલનાથના જ આધારે છોડી દીધો. માતાપિતા બંનેએ આશીર્વાદ આપ્યા ને વિઠ્ઠલનાથજીને પ્રાર્થના કરી કે “વિઠ્ઠલનાથ, અમારા બાળકનું રક્ષણ કરજો.”

પંઢરપુર દક્ષિણનું “કાશી” કહેવાય છે. નિઃસહાય બાળક રામચંદ્રનો, વૈષ્ણવ-મઠમાં રહેવાનો પ્રબંધ થયો. કોઈ દિવસ ભિક્ષા મળે અને કોઈ દિવસ ના મળે તો ઉપવાસ પણ થાય, પણ ભાગ્યશાળી અને લાયક રામચંદ્રને લાયક ગુરુ મળી ગયા. જ્ઞાનના ભંડાર, ઓછાબોલા અને શિષ્યને પ્રેમથી ભણાવનાર, પંડિત પ્રદ્યુમનાચાર્ય વરખેડકર પાસે શિક્ષા ગ્રહણ કરી અને બાર વરસની ઉંમરે પુનાની ન્યાય શાસ્ત્રની પ્રથમ પરીક્ષા આપી.

તે પછી, અમદાવાદ સન્યાસ આશ્રમમાં રહી કેદારનાથ ઓઝા પાસેથી કાશીની દર્શનશાસ્ત્રની મધ્યમાનો અભ્યાસ કર્યો. આ પરીક્ષા પાસ કરી પછી, ન્યાય અને વેદાંતનો વધુ અભ્યાસ કરવા મહારાજશ્રી કાશી ગયા. અને કાશીમાં વિદ્યાભ્યાસ કરવા સાત વર્ષ સુધી રહ્યા.

કાશીમાં ભણવા ગયા ત્યારે પણ તેમની સ્થિતિ તો સાધારણ જ હતી. માધુકરી (ભિક્ષા) માંગીને ખાવું પડતું. મહારાજશ્રી પાસે તે વખતે, ભિક્ષા માંગી લાવવા માટે વાસણ ન હતું. તેથી તેમના પહેરણમાં ભિક્ષા લાવતા, ગંગા કિનારે બેસી જમતા અને ગંગાજળ પિતા.

એક દિવસ ક્યાંયથી ભિક્ષા ન મળી, તેઓ ગંગા કિનારે નિરાશ થઈને બેઠા હતા, ત્યાં એક માતાજી આવ્યા. મુખ પર ભવ્ય તેજ અને એમણે મહારાજને પ્રસાદ આપ્યો. મહારાજશ્રીએ પ્રસાદ લીધો. માતાજી તો ગંગામાં ગાયબ થઈ ગયા.

પછી મહારાજને સમજાયું કે તે તો ગંગા માતાજી હતા. ગંગા માતા પ્રસન્ન થયા. તેમના દર્શન થયા ત્યારથી મહારાજની અભ્યાસમાં, ભક્તિમાં, અદ્યાત્મમાં પ્રગતિ થવા લાગી.

મહારાજશ્રી પોતાના પ્રયત્નથી મહાન બન્યા હતા. તેઓએ ખુબ દુઃખ સહન કર્યું, ખુબ તપશ્ચર્યા કરી, તેથી જ તેમની વાણી લોકોને અસર કરતી, કારણ કે તેમની વાણીમાં તપનું બળ હતું.

કાશીમાં તેઓ મારવાડી કોલેજ અને બનારસ હિન્દૂ યુનિવર્સીટીમાં ભણેલા. તેઓને સ્કોલરશીપ પણ મળતી હતી. કાશીમાં વેદાંત શાસ્ત્રની પરીક્ષા આપી પાસ થયા, અને શાસ્ત્રીજીની ઉપાધિ મેળવી- તેઓ વિધીસર શાસ્ત્રીજી થયા. તે બાળક રામચંદ્ર હવે રામચંદ્ર શાસ્ત્રી બન્યા.

કાશીથી તેઓ પૂના ગયા, ત્યાં વેદશાસ્ત્રોત્તેજક સભાની ન્યાય અને વેદાંતની પરીક્ષા આપી. વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી પાછા વડોદરા (ઘરે) આવ્યા.

તે સમયે તેઓ વીસ વરસના હતા. બાળ રામચંદ્રે દશ વર્ષની કોમળ વયે ઘર (વડોદરા) છોડ્યું હતું. તે રામચંદ્ર શાસ્ત્રી બનીને વડોદરા પાછા આવ્યા. વડોદરા આવ્યા પછી પણ તેમણે ભણવાનું ચાલુ જ રાખેલું.

વડોદરા સંસ્કૃત પાઠશાળાની પુરાણ-ન્યાય-વેદાંત અને સાહિત્યની પરીક્ષાઓ આપી અને સાથે સાથે મરાઠી ભાષાઓમાં પુરાણોની કથાઓ કરવાનું શરુ કર્યું. દક્ષિણ પદ્ધતિ અનુસાર ઉભા ઉભા કીર્તન કરવાની પદ્ધતિથી તેઓ કથાઓ કરતા.

જો કે મહારાજશ્રીને પહેલેથી જ ભાગવત પુરાણ ઉપર અતિ પ્રીતિ હતી. કાશીમાં તેઓએ ભાગવતનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ભાગવત આત્મસાત કર્યું હતું. એટલે જ આગળ જતા, ભાગવત ઉપરનો તેમનો પ્રેમ પૂર્ણ રીતે પ્રગટ્યો હતો.

તે સમયે વડોદરામાં નરહરિ મહારાજની કથાઓ ચાલતી. મહારાજશ્રી તેમના પરિચયમાં આવ્યા. અને નરહરિ મહારાજની કથામાં તેઓ શરૂઆતમાં જપીયા તરીકે બેસવા લાગ્યા. પ્રખર વિદ્વાન નરહરિ મહારાજ પાસેથી પુરાણોનો ગુજરાતીમાં અભ્યાસ શરુ કર્યો.

પૂજ્ય નરહરિ મહારાજે તેમનું હીર પારખ્યું, તેમને થયું કે “આ તપસ્વી બ્રહ્મચારીને ગુજરાતીમાં કથા કરતો કરી દઉં, તો આગળ તે અનેક લોકોનું કલ્યાણ કરશે.” તેથી કોઈ વાર “આજે થાકી ગયો છું” એમ કહી, વ્યાસપીઠ પર મહારાજશ્રીને આગળની કથા કરવાનું કહેતા. ને આમ, તેમની પાસે પણ થોડી થોડી કથા કરાવવા લાગ્યા.

પૂજ્ય નરહરિ મહારાજ બહારગામ કથા કરવા જાય ત્યારે મહારાજને સાથે લઈ જતા. અમદાવાદ, મુંબઈ, રાજકોટ વગેરે સ્થળઓએ જવાનું થયું. આમ કરતા મહારાજશ્રીની વાચા ખુલી ગઈ, મહારાજશ્રી જેવા પરમ તેજસ્વી, પરમ પવિત્ર સાધુચરિત યુવાન અને તેઓનો ભક્તિ ભાવ જોઈ, માતા સરસ્વતી, જાણે તેઓની જીભ ઉપર આવીને વિરાજ્યા.

આવી રીતે નરહરિ મહારાજના હાથ નીચે ગુજરાતી ભાષામાં કથા કરવાની કળા પૂજ્ય ડોંગરેજી મહારાજશ્રી એ હસ્તગત કરી. લોકો નરહરિ મહારાજને તેઓના ગુરુ સમજતા પણ, મહારાજ કહેતા કે – શિક્ષાગુરુ ઘણા હોઈ શકે પરંતુ ગુરુ તો એક જ હોય. તેઓ સાચા ગુરુ તો પંઢરપુરવાળાને જ માનતા. અને તેમના ગુરુને મળવા તે પંઢરપુર પણ જતા.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)