ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 3: વાંચો મહારાજશ્રીની પહેલી કથા, તેમની લોકપ્રિયતા અને તેમના લગ્ન વિષે.

0
375

ડોંગરેજી મહારાજની પહેલી કથા :

પૂજ્ય ડોંગરે મહારાજે ગુજરાતી ભાષામાં પહેલવહેલી ભાગવત કથા વડોદરાના રોકડનાથ હનુમાન મંદિરમાં કરી હતી. એ સમયે તેઓની ઉંમર ત્રેવીસ વરસની હતી.

શરૂઆતમાં, મહારાજશ્રી ભાગવત ઉપરાંત દેવી ભાગવત, ભગવદ ગીતા અને રામાયણ ઉપર પણ સપ્તાહો ગોઠવતા.

એક ધ્વિસ મહારાજશ્રીએ કહેલું કે, સાત દિવસમાં કથા વિસ્તારપૂર્વક થતી નથી, તેથી એક વખત વડોદરામાં પંદર દિવસની કથા કરીશ. અને તેઓએ પંદર દિવસ સુધી વિસ્તારથી કથા કરી હતી. મહારાજશ્રીની કથા સામાન્ય જનને સમજી શકાય તેવી છે.

મહારાજશ્રીનું લગ્ન :

મહારાજશ્રીની બિલકુલ ઈચ્છા ન હોવા છતાં, માતા-પિતાના અતિ દબાણ હેઠળ, અને માતાના પ્રેમ આગળ તેમને
નમવું પડ્યું, જેથી મૂળ વડોદરાના પણ પેટલાદ રહેતા શ્રી પરશરામની દીકરી શાલિનીબેન સાથે તેમના લગ્ન થયાં.

તે સમયે તેઓ ત્રેવીસ વર્ષના હતા. લગ્ન પછી સાસરીમાં શાલીનીબેનનું નામ સીતા રાખવામાં આવ્યું.

કહેવાય છે કે, લગ્ન પહેલાં જ મહારાજશ્રીએ કહેલું કે, લગ્ન પછી જે કન્યા ૧૨ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવા તૈયાર હોય તેવી કન્યા સાથે જ મારે લગ્ન કરવું છે. એટલે પતિ-પત્નીએ, બાર વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળવાનું નક્કી કરેલું કે જે બાર વરસ પછી પણ લંબાવેવું.

તે રામ-સીતાની જોડીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, અને સત્યમાં રામ-સીતા જેવા જ બનવાનું જાણે નક્કી કર્યું હતું.
રામજીએ તો બાર વરસ વનવાસ ભોગવ્યો પણ રામયંદ્રે તો આખી જિદગી વનવાસી જેવું જીવન ગાળ્યું હતું.

જેને આશક્તિ નથી તેને માટે ધર એ પણ તપોવન છે. મહારાજશ્રીને સંસારની કોઈ આશક્તિ હતી નહિ. શાલીનીબેન પણ સીતા જેવા જ નીકળ્યા.

મહારાજશ્રી ને બે મહિના ચોમાસાના બાદ કરતાં, દસ મહિના કથા ચાલે એટલે તેમને ગામે ગામ ફરવાનું થતું.
કોઈ ખાસ ભક્તનું ગામ હોય તો સીતાબેનને સાથે લઇ જાય.

મહારાજશ્રી સનાતની બ્રાહ્મણ એટલે કથા કરવા જાય ત્યારે કોઈના હાથની રસોઈ એમને ચાલે નહીં, ફરાળ બનાવે તો ચાલે. એટલે શરૂઆતમાં તો તેઓ ઘણા વરસ એક વખત એકલું સૂરણ જ ખાઈને શરીરનો નિર્વાહ કરતા હતા.

થોડા સમયમાં જ ગામેગામ તેઓ લોકોના હૃદય પર છવાઈ ગયેલા. અમદાવાદમાં એક વખતે કથામાં પાંચ લાખ માણસની મેદની એકત્ર થઇ હતી.

મુંબઈમાં એક વખત મોરારબાગમાં કૃષ્ણશંકર શાસ્ત્રીજીની કથા ચાલતી હતી, ત્યારે માધવબાગમાં ડોંગરે મહારાજની કથા શરુ થઇ, શાસ્ત્રીજીની કથામાં કે જ્યાં બહુ ભીડ થતી હતી ત્યાં શ્રોતાઓની સંખ્યા ઘટી ગયેલી. આમ, જ્યારથી જ્યાં જ્યાં ડોંગરે મહારાજની ભાગવત કથાઓ થવા લાગી ત્યારથી બીજા કથાકારો જાણે સૂર્ય પાસે તારાઓ હોય, તેમ ફીકા થવા લાગેલા.

કૃષ્ણશંકર શાસ્ત્રીએ વાતવાતમાં ગમ્મત કરતાં કહેલું કે, “ડોંગરે મહારાજને કોઈ પાંય લાખ આપે તો ઇર્ષા ન થાય પણ તેમને જે માન મળે તેની ઈર્ષા જરૂર થાય. આવું માન અને લોકચાહના ગુજરાતના ધાર્મિક જગતમાં બીજા કોઈને મળ્યું નથી.”

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)