ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 4: પત્નીએ કહ્યું તમને તો કોણ પહોંચે, ત્યારે મહારાજશ્રીએ શું કહ્યું જાણો

0
602

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજની પહેલી કથા અને તેમના લગ્ન વિષે જાણ્યું. આવો હવે આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

સીતાબેનની ભક્તિ :

રામચંદ્ર અને સીતાબેનનો આદર્શ ગૃહસ્થાશ્રમ ચાલતો હતો. જોડું સુંદર લાગતું હતું. સીતાબેનનો ગૌર દેહ, સુડોળ શરીર, જાજરમાન વ્યક્તિત્વ. બંને પવિત્ર જીવન ગાળે અને આખો દિવસ ભક્તિ રસમાં તરબોળ રહે. સીતાબેન પણ સવારે જયારે લાલાની સેવા કરતા, ત્યારે ભાવ વિભોર બનીને એવાં ભજન ગાતાં કે જે સાંભળે તે પણ ભાવ વિભોર બની જાય.

નર્મદા કિનારે માલસર નામનું એક ગામ છે, ત્યાં સત્યનારાયણ ભગવાનનું મંદિર છે. તે મંદિરની બહાર જ્યાં મહંતની સમાધિ છે, તેની બાજુમાં એક મકાન ઉદ્રવમહારાજની પ્રેરણાથી કાશીબેને તૈયાર કરાવેલું હતું. મહારાજશ્રીના એક ભક્તે, તેને દુરસ્ત કરી સગવડતાવાળું બનાવેલુ. માલસર આવે ત્યારે મહારાજશ્રી અને સીતાબેન તેમાં રહેતા.

માલસરમાં નર્મદાનો પવિત્ર કનારો, પંખીઓનો કવરવ, પ્રભાતનું દિવ્ય વાતાવરણ તેમાં તે મઢૂલીમાં મધુર સ્વરે સીતાબેન ભજન ગાય ત્યારે વાતાવરણની દિવ્યતા વધી જતી.

“માઈ રી મૈને ગોવિંદ લીનો મોલ. કોઈ કહે સસ્તો કોઈ કહે મોંઘો, લિયો તરાજુ તોલ.”

આવા ભજનો સીતાબેન, એવા સરસ ગાતા કે સાંભળનારા પણ ડોલવા લાગે. સીતાબેન અને મહારાજશ્રીનું આવું આદર્શ અને પવિત્ર જોડું જવલ્લે જ જોવા મળે. બંને રૂપાળા, બંને તેજસ્વી, બંને સાદું અને તપસ્વી જીવનગાળે અને બંને ભાવિક પ્રભુ ભક્ત.

લગ્ન કર્યા હોવા છતાં પણ બંનેએ રામકૃષ્ણ પરમહંસ અને શારદામાની જેમ આજીવન બ્રહ્મચર્ય પાળ્યું હતું. મહારાજશ્રી સીતાબેનને માતાજી તરીકે અને સીતાબેન મહારાજશ્રીને બાપજી કહીને સંબોધનન કરતા.

એકવાર માલસરમાં માતાજી ભાગવતનો પાઠ કરતા હતા, તેમાં રાસલીલાનો પાઠ કરતાં, એકાદ શ્લોક અશુદ્ધ બોલતા હતા. તે તરફ મહારાજશ્રીનું ધ્યાન દોરાયું. તેમણે સીતાબેનને કહ્યુ કે : તમે શ્લોક અશુદ્ધ બોલો છો. પછી મહારાજશ્રીએ આખો પ્રસંગ સંસ્કૃતમાં કહી સંભળાવ્યો. ત્યારે માતાજીએ બાપજીને કહ્યું : “તમને તો કોણ પહોંચે, તમને તો આખું ભાગવત કંઠસ્થ છે.”

બાપજીએ તે વખતે કહ્યું કે : “આખું ભાગવત તો કોઈને મોઢે હોતું હશે? એના તો અઢાર હજાર શ્લોક છે. હા, થોડા થોડા શ્લોકો મોઢે કર્યા છે. કોણ જાણે એક વખત બોલવાનું શરુ કરું એટલે એક પછી એક શ્લોક એની મેળે યાદ આવે છે.”

માતાજીએ હસતા હસતા કહ્યું કે : “બાપજી આપને તો ભાગવત સિદ્ધ છે, તમને ભગવાનના દર્શન થાય તો મને યાદ કરજો, મારું પણ ધ્યાન રાખજો, પરમાત્મા ને મારી ભલામણ કરજો.”

બાપજી આ સાંભળીને હસી પડ્યા. તેઓનું દામ્પત્ય જીવન પ્રસન્ન હતું, તેઓમાં એક બીજા સાથે આવી,
જ્ઞાન-ગોષ્ઠીઓ પણ થયા કરતી.

મહારાજશ્રી યજ્ઞમાં યજમાન થયા :

એક વખત, નારેશ્વરના પ્રખર સંત રંગઅવધૂત મહારાજને યજ્ઞ કરવો હતો, પોતે બાલબ્રહ્મચારી અને સન્યાસી, એટલે તેમનાથી યજ્ઞમાં બેસી શકાય નહિં. યજ્ઞમાં પતિ પત્નીનું જોડું જોઈએ.

આવા સિદ્ધ પુરુષ કાચાપોચા દંપતિને યજમાન તરીકે પસંદ કરે નહિં, એટલે બહુ વિચાર અને તપાસ કરી છેવટે તેજસ્વી અને પવિત્ર દંપતિ શ્રી રામચંદ્ર અને સીતાબેનને યજમાન બનવા આમંત્રણ આપવામાં આવ્યું, અને રંગઅવયૂત મહારાજે તેમને યજમાન બનાવી યજ્ઞ કરાવ્યો.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)