ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 5: ડોંગરેજી મહારાજની સાદગીના આ પ્રસંગો વાંચીને તેમની મહાનતા સમજાશે

0
709

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજની પત્ની સીતાબેનની ભક્તિ વિષે જાણ્યું. આવો હવે આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

મહારાજશ્રીનું કથાકાર-જીવન :

મહારાજશ્રીએ ૧૧૦૦ થી વધારે કથાઓ કરી હતી. તેમણે (પાછળથી) કથામાંથી પ્રાપ્ત થતું ધન કદી સ્વીકાર્યું નહોતું. જે ભંડોળ આવતું તે ગૌશાળા, મહાવિધાલય, હોસ્પિટલ, અન્નક્ષેત્ર, મંદિરોના જીર્ણોષાર, અનાથઆશ્રમ અને કુદરતી સંકટો વખતે આફતમાં ફસાયેલા લોકો માટે વપરાયું હતું.

ડોંગરે મહારાજ અંતરમુખી સંત હતા. કથા કરતી વખતે હંમેશા આંખો નીચી રાખતા. સ્વયં સાદગી પૂર્વક જીવન જીવ્યા. કથાઓ આનંદ કે મનોરંજન માટે નથી એમ કહીને સૌને સાવધાન કરતા. તેમની કથામાં આત્મબળ, શાસ્ત્રજ્ઞાન અને અનુભવનો રણકો રહેતો. તેઓ જે કહે તેનું પહેલા આચરણ કરતા પછી જ ઉપદેશ આપતા.

તે જિંદગીભર કોઈનાય ગુરુ થયા નહિં, સદા ઈશ્વરને જ ગુરુ કહેતા.

મહારાજશ્રીની જીવનશૈલી સરળ હતી. સદા મૌન રહે, જપ કરે, ખપ પુરતું બોલે. એમના કે એમની કથાના કોઈ વખાણ કરે તો તે તેમને ગમે નહિં. તેઓ કહેતા કે – “સિધ્ધિ-પ્રસિધ્ધિ પતન છે. ભગવાને મારી યોગ્યતા કરતાં વધુ માન આપ્યું હોઈ, હવે મારે વધુ માન-સનમાનમાં ફસાવું નથી.” એમ કહી પોતાનું બહુમાન થવા દેતા નહિં.

તેમની કથાથી એકત્ર થયેલા ભંડોળમાંથી મંદિરનું નિર્માણ થાય તો પણ પોતાના હાથે મૂર્તિપ્રતિષ્ઠા થવા દેતા નહિ. “મૂર્તિપ્રતિષ્ઠા પછી નિત્ય દેવ પૂજા ન થાય, ભગવાનને થાળ ન ધરાવાય તો મૂર્તિપ્રતિષ્ઠા કરનારને પાપ લાગે” તેમ તેઓ કહેતા.

તીર્થયાત્રા કરતી વખતે, તીર્થયાત્રાના નિયમ પ્રમાણે વ્રત ઉપવાસ અને દેવ પૂજા કરતા. કથાના આગલા દિવસે તે સ્થળે પહોચી જતા. કથા માટે એ યજમાન તેમને લઇ આવે અને મૂકી આવે તેવી વ્યવસ્થા ગોઠવતા. પોતાના નામની કે ફોટાની પ્રસિદ્ધિ થવા દેતા નહિં, તેમની કથાની ટેપ કે વિડીયો થવા દેતા નહિ.

કોઈનો ભક્તિભાવ કે સેવાભાવ કે કર્મઠતા જુવે તો, તેના વિષે સારા શબ્દો વાપરે, પણ કોઈની પ્રશંશા કરવાથી બીજાના કે પોતાના પર માઠી અસર થાય છે તેવું તેઓ માનતા. તેથી તે કોઈનો યે વિશેષ પરિચય કરાવતા નહિ.

અને કોઈનેય વિશેષ સગવડ આપવાની ભલામણ કરતા નહિ. વિદેશ પ્રવાસ તેમને શાસ્ત્ર ધર્મ વિરુદ્ધ લાગતો.

આવા ડોંગરે મહારાજને સંત અને આધુનિક શુકદેવજી કહેવામાં આવે છે. ગુજરાતના ઉંબરે ઉંબરે ભાગવત પહોંચાડનાર ડોંગરે મહારાજને પૂરીના શંકરાચાર્યે “કાનન પંચાનન” અને વારાણસી સંસ્કૃત વિધાલયે “મહા-મહોપાધ્યાય તથા ભાગવત-સાગર” જેવા પ્રતિષ્ઠિત અને ગૌરવપ્રદ સન્‍માનોથી સન્માનિત કર્યા હતા.

મહારાજશ્રીની સાદગી અનુપમ હતી. શરૂઆતમાં, તેઓ ધોતી અને વ્રજવાસી જેવું અંગરખું પહેરતા. ધોતિયું મોટેભાગે ખાદીનું કે હાથથી વણેવું જ પહેરતા, પણ પછીથી તેમણે અંગરખાનો ત્યાગ કર્યો અને સીવેલા કપડાં ન પહેરવાનું વ્રત લીધું. અને પગમાં પણ કંઈ ન પહેરવાનું નક્કી કર્યું. ગમે તેવી ઠંડી હોય તો પણ કદી ગરમ શાલનો તેમણે ઉપયોગ કર્યો નહોતો. ઠંડીના દિવસોમાં પણ ખાદીનો એક ખેસ જ રાખતા.

એક વખત મહારાજશ્રી વલસાડ આવેલા, ત્યાંથી મુંબઈ જવા માટે તેમના ભક્ત કાર લઇને આવેલા. પરંતુ કોઈએ કહ્યું કે – કાર કરતાં ટ્રેનમાં જવું વધુ સારું રહેશે, એટલે તેમણે ટ્રેનમાં જવાનો નિર્ણય લીધો. ઉનાળાના દિવસોમાં ધોમ ધીકતો તાપ, પ્વેટફોર્મનો ડામર ખૂબ તપેલો હતો, મહારાજશ્રી પગમાં કંઈ પહેરે નહિ, એમના તળિયા બળતા હતા તો પણ ટ્રેનના ડબ્બા સુધી પહોંચી ગયા.

ટ્રેનમાં ખૂબ ભીડ હતી પણ કોઈએ તેમનું બ્રહ્મતેજ જોઇને જગ્યા કરી આપી. ગાડીએ વેગ પકડ્યો, પણ તે વખતે એક ગાયને પાટા ઓળંગતી જોઈ, ડ્રાઈવરે એકદમ બ્રેક મારી અને કોઈ અગમ્ય રીતે ગાડીને મોટો અકસ્માત થતા રહી ગયો.

સંત પુરુષના પુણ્ય વડે જ બધાનું કલ્યાણ થાય છે. મહારાજશ્રીને શ્રીમંત ભક્તોને શું ખોટ હતી, છતાં કેવી સાદાઈ? ભક્તોએ કહ્યું ને તે રેલ્વેના થર્ડક્લાસના ડબ્બામાં મુસાફરી કરે તે કેવી સરળતા! ઘણા લોકોએ તો મહારાજશ્રીને થર્ડ ક્લાસના ડબ્બાના પાટિયા ઉપર પણ બેઠલા જોયા છે.

એક વાર વૃંદાવનના પ્રખર વિદ્રાન ભારતભૂષણ સ્વામી અખંડઆનંદજીની કથા સાંભળવા મુંબઈથી દેવીદાસ સંધવી આવેલા, તે વખતે ડોંગરે મહારાજ પણ ત્યાં આવેલા હતા. જોકે તે સમયે તેમની ખ્યાતિ ફેલાયેલી ન હતી.

દેવીદાસ સંઘવી, વૃંદાવનમાં અખંડઆનંદના જે આશ્રમમાં ઉતરેલા, એમની બાજુની જ રૂમમાં ડોંગરે મહારાજ ઉતરેલા હતા.

તેઓ મહારાજને સામાન્ય બ્રાહ્મણ માની બેઠેલા અને તેમનાં કપડાં સુક્વવાનું તેમ જ કપડાંનું ધ્યાન રાખવાનું કહેતા. મહારાજશ્રી તે કરતા અને કપડાંની ધડી કરી, તે કપડાં તેમના રૂમમાં મૂકી પણ આવતા.

કોઈ વખતે તો સંઘવી મહારાજના વાંસા પર ધબ્બો મારીને પૂછેલું કે – કેમ મહારાજ તમે શું કરો છે? ત્યારે મહારાજશ્રીએ કહેલું કે – “હું તો સામાન્ય કથાકાર છું.”

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)