ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 6: આ પ્રસંગમાં તેમની દીનતા દેખાય છે, વાંચો તેમના દાની સ્વભાવ વિષે

0
416

આગળના ભાગમાં આપણે જાણ્યું કે દેવીદાસ સંઘવી ડોંગરેજી મહારાજને સામાન્ય બ્રાહ્મણ માની બેઠેલા અને તેમનાં કપડાં સુક્વવાનું તેમ જ કપડાંનું ધ્યાન રાખવાનું કહેતા. અને મહારાજશ્રી તેમની કામ કરી પણ દેતા. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

એક ધ્વિસ અખંડઆનંદજી મહારાજે સંઘવીને કહ્યું કે – “ગુજરાતના એક સારા કથાકાર અત્રે આવ્યા છે” એમ કહીને ડોંગરેજી મહારાજને બોલાવી તેમની ઓળખાણ કરાવી. ત્યારે સંધવીજીની, કાપો તોયે લો-હી ના નીકળે તેવી દશા થઇ. તેમને ઘણો ક્ષોભ થયો “અરે મેં તો તેમની પાસે બહુ કામો કરાવ્યા છે.”

આ વાત સંઘવીજીએ પોતે કહેલી છે. આ વર્ણન કરતા તેઓનું હૃદય ભરાઈ આવેલું અને રડી પડેલા. તેમને તે વખતે, ખબર ન હતી કે મહારાજ આટલા જ્ઞાની વિદ્વાન અને તપસ્વી છે. તેઓએ વધુ કહેલું કે – તેમને આ વાતનો હંમેશા પસ્તાવો રહેશે.

આટલા જ્ઞાની છતા કેટલા નિરાભિમાની! તે આ પ્રસંગ દર્શાવે છે. આ પ્રસંગમાં મહારાજશ્રીની દીનતા દેખાય છે. તેમણે જ્ઞાનનું કોઈ દિવસ અભિમાન કર્યું નહોતું, નાના મોટા દરેકને, તે હમેશા વંદન જ કરતા. તેમણે, “સિયા રામમય સબ જગ જાની, કરઉ પ્રણામ જોરી જુગ પાની” ને જીવનમાં આત્મસાત કરીને ચરિતાર્થ કરેલું.

વૃન્દાવનમાં મહારાજશ્રી તેમના માતા પિતાને લઇને આવેલા. બધા સ્થળોએ ફરવા બે ધોડાગાડી મંગાવી, એક ધોડાગાડીમાં માતા પિતાને મોકલી દીધાં. બીજી ધોડાગાડી વાળાને એમ ને એમ વિદાય કરી દીધો અને કહ્યું કે, “આ પવિત્ર વ્રજભૂમિ છે, મારા પ્રભુની લીલા ભૂમિ છે, વ્રજરજ અતિ પવિત્ર છે, ત્યાં પગમાં જૂતા પહેરીને કે વાહનમાં બેસીને ન ફરાય. જો હું ચાલવાની વાત કરું તો માતા પિતા પણ વાહનમાં ન બેસે.”

વૃદ્ધાવસ્થાને લઈને તેઓને કષ્ટ થાય એટલે તેમને આવી ટ્રીક વાપરવી પડી. માતા પિતાને એમ હતું કે – રામચંદ્ર પાછળ બીજી ઘોડાગાડીમાં આવશે, પરંતુ તેઓ તો પાછળ ઉઘાડા પગે નિયત સ્થળે પહોંચી ગયા.

મહારાજશ્રી કથામાં કહેતા કે -“વ્રજરજ એ માટી નથી, તુલસીજી એ ઝાડ નથી, ગંગાજળ એ પાણી નથી” અને તેમ તે જીવનમાં માનતા. તે કહેતા કે -“ઈશ્વર કૃપાથી હું આચરણમાં મુકીને જ તમને કહું છું.” જીવનમાં રહેણી અને કરણી એક હોવી જોઈએ.

રહેણી અને કરણી જેની એક તે જ સંત ડોંગરે મહારાજ. તે પોતે આચરણમાં મુકતા અને પછી જ ઉપદેશ આપતા. એક વાર, બીલીમોરામાં કથા હતી, તે સમયે બીલીમોરાના એક બ્રાહ્મણ, મહારાજશ્રીની કથામાં જપિયા તરીકે બેઠેલા. તેઓ મહારાજશ્રીને મળવા આવ્યા, ને વાત કરતા કરતા યાત્રાની વાત નીકળી. મહારાજશ્રીએ ભૂદેવને પૂછ્યું – “તમે કાશી વિશ્ચનાથની યાત્રા કરી છે?” ભુદેવે કહ્યું – “અમે તો ગરીબ છીએ અમારાથી યાત્રા ક્યાંથી થાય? હું તો અહીંથી જ દર્શન કરું છું.”

મહારાજશ્રીએ પોતાના ટ્રંકમાંથી સો-સો રૂપિયાની ચાર નોટ આપીને કહ્યું – “જાઓ યાત્રા કરી આવો અને કાશી વિશ્વનાથના મારી વતી પણ દર્શન કરજો.”

આ વાત તો જયારે તે શરૂઆતમાં દક્ષિણા લેતા તે વખતની છે, છતાં તે વખતે પણ ૪૦૦ રૂપિયા એ બહુ મોટી રકમ હતી.

તે વખતે પણ, મહારાજશ્રીએ કદીયે પૈસાને મહત્વ આપ્યું જ નહોતું. કથામાંથી જે વસ્ત્ર, અનાજ, પૈસા આવે તે વડોદરા જઈ જરૂરતમંદોને આપી દે અને બ્રાહ્મણોને જમાડે. વ્રજચોર્યાસીની યાત્રામાં મહાપ્રભુજીની બેઠક પાસે ચકલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર ડોંગરેજી મહારાજે કરાવ્યો છે. મંદિરની તખ્તિ ઉપર નામ પણ છે.

આવા ઉદારતાના દાખલા તો અનેક હશે. તેઓની ખ્યાતિ જેમ જેમ વધવા લાગી તેમ તેમ આર્થિક મદદ માટે પત્રો આવવા લાગ્યા. પોતાની પાસે રકમ હોય તો તે તરત મોકલાવી દેતા અને જો રકમ ન હોય તો કોઈ ભક્ત મળવા આવ્યા હોય તેમને કહેતા કે – “આ ભાઈને આટલા પૈસા મોકલાવી દેજો.”

“પર હિંત સમ ધર્મ નહિ ભાઈ” આ સૂત્રને મહારાજે જીવનમાં ઉતારેવું. અનેક લોકો ને મન મુકીને મદદ કરી છે.

વડોદરા મહારાજશ્રીના દાંડિયા બજારના ઘરમાં બહારગામથી ભક્તો આવે એટલે અગવડતા પડે એમ સમજીને નાગરકાકાએ ભક્તો પાસેથી જ સહાયત લઇ, મોટું ધર બનાવડાવ્યું.

મહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઠપકો આપ્યો અને કહ્યું કે – “હું તે ઘરમાં રહેવા જવાનો નથી, તે ધર કોઈને દાનમાં આપી દો.” અને તે ત્યાં ન જ ગયા.

લોકો બાપજી બાપજી કરીને ભક્તો પાસેથી મહારાજને ખબર પણ ના હોય તેમ સહાય લઈને કામ કરે, પણ આ બાપજી પોતે તો કંઈ કોઈના પ્રલોભન આવે તેમ જ ન હતા.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)