ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 7: કથા કરતા સમયે ડોંગરેજી મહારાજ રડી પડતા હતા, જાણો તેનું કારણ.

0
409

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજની દીનતા અને તેમના દાની સ્વભાવ વિષે જાણ્યું. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

પરોપકાર વૃત્તિ :

નવસારીમાં બાબાભાઈ શેઠજીએ વિચારેલું કે, મહારાજશ્રી નવસારીમાં કથા કરવા આવે એટલે પહેલે દિવસે પાંચસો
રૂપિયા તેમની પાસે મૂકી દેવા, કે જેથી ધર્મ કાર્યમાં તેઓ વાપરી શકે.

એક વખત શેઠજીના ઘરે મહારાજશ્રી પધાર્યા, તેમણે મહારાજશ્રી પાસે પાંચસો રૂપિયા મૂક્યા તો તેમણે સાથે આવેલા ભૂદેવને બોલાવીને તે રકમ આપી દીધી. પછી કહ્યું કે, ભૂદેવના દીકરાને ટી બી થયો છે, તેમની પાસે દવા કરાવવા પૈસા નથી તેથી ત્રણ ચાર વાર કથા કરવા સાથે આવે છે, પ્રભુ કૃપાથી તેનું કામ પાર પડી જશે.

શેઠજીએ બીજી રકમ આપવાનું કહ્યું તો મહારાજ શ્રીએ ના પાડી કહ્યું કે, એક ઉપર ભાર નાખવો બરાબર નથી. પારકાનું દુઃખ જોઈ મહારાજશ્રીનું દિલ દ્રવી ઉઠતું. તેમણે થતું કે હું કેવી રીતે મદદ-કર્તા થઇ શકું?

મહારાજશ્રીની માતૃપિતૃ ભક્તિ :

મહારાજ શ્રી માતા-પિતાને ખૂબ માન આપતા. તેઓને વંદન કરતા, તેઓની આજ્ઞા તેમણે કદી ઉથાપી નહોતી. બિલકુલ ઈચ્છા ન હતી છતાં માતાપિતાની ઈચ્છાને માન આપી લગ્ન પણ કર્યું હતું. માતાપિતાના અગ્નિ સંસ્કાર પણ બહારગામથી દોડી આવીને જાતે કર્યા હતા.

મહારાજશ્રીની ગૌભક્તિ :

મહારાજશ્રીનો ગૌ પ્રેમ અદભૂત હતો. અવસર આવે તો ગાયોને ધાસ ખવડાવવાનું ચૂકે નહિં. ગાયની પૂંછને આંખે અડાડી તેની પ્રદક્ષિણા કરે. ગાયોની પાંજરાપોળમાં બહુ પૈસા આપે. કથાની આરતીમાં જે રકમ આવે તે ગૌશાળામાં આપવા તેવો નિર્ણય કરેલો.

મહારાજ સૂરતમાં અશ્વિનીકુમાર ઉપર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં પૂજા કરવા જાય. સાથે આવેલા ભક્તોને મીઠાઈ અને ફરસાણ લેવાનું કહે. પૂજા પછી તે બધું, ગાયો અને ગરીબોને ખવડાવી દે.

મહારાજશ્રીનો વિરહભાવ :

મહારાજશ્રીનો વિરહભાવ અલૌકિક અને અદભૂત હતો. ભાગવતના અક્રૂર આગમનનું વર્ણન કરતા, ગોપી ગીતની કથા કરતા. ઉદ્વવ આગમન કથા કહેતા કહેતા તેઓ બહુ રડી પડતા. જાણે તેઓને પણ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણનો વિરહ થતો હોય તેવી, તેમની દશા થઇ જતી.

રામાયણમાં રામ વનવાસના પ્રસંગમાં પણ બહુ રડી પડતા. ઘણીવાર રામાયણની કથા કરવાની ના જ પાડતા. તેઓ કહેતા કે, રામાયણની કથામાં દુઃખના પ્રસંગો આવે છે તેનું વર્ણન મારાથી થતું નથી મને માફ કરો. આમ રામાયણની કથા કરવા, તે જલ્દી તૈયાર ન થતા. ભક્તોનો બહુ આગ્રહ હોય તો જ તેઓ રામાયણની કથા કરતા.

પરમાત્મામાં અતિ આસક્તિ થાય છે, ત્યારે ભક્તથી પ્રભુનો વિરહ સહન થતો નથી અને રડી પડે છે. ગોપી ગીતમાં, ગોપીઓએ ભગવાનને પ્રગટ થવા અનેક પ્રાર્થનાઓ કરી, પરંતુ પરમાત્મા પ્રગટ ન થયા એટલે ગોપીઓ રડી પડી. સાચા ભક્તને પ્રભુનો વિરહતાપ અકળાવે છે.

આવી દશા ડોંગરેજી મહારાજની જેમ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈના જીવનમાં જોવા મળતી હતી. રામકૃષ્ણ પરમહંસ પણ કાલી માતાના વિરહમાં રડતા.

મહારાજશ્રી કહેતા કે, ભક્તિ વધારવી હોય તો મીરાબાઈ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા ભક્તોના જીવન ચસ્ત્રિ વારંવાર વાંચવા જોઈએ.

માત્ર પોથી પંડિતો, આવા સાચા વિરહની દશા કેમ પિછાણી શકે? ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? પોથી પંડિતોને સાચો પ્રભુ પ્રેમ ક્યાંથી સમજાય?

આંસુ જ ભક્તનું ભૂષણ છે, આંસુમાં જ શ્રીકૃષ્ણ છુપાઈને રહે છે. જેની આંખમાં પ્રભુ વિરહના આંસુ નથી ત્યાં કૃષ્ણ નથી.

એટલે જ તો મહારાજશ્રી કથામાં કહેતા કે, લાલાની સેવા કરતા જે દિવસે તમારી આંખમાંથી બે આંસુ પડી જાય તો માનજો કે તે દિવસની તમારી સેવા સફળ થઇ છે.

ભાવ વગરની ભક્તિ નકામી છે. એવો સાચો અને શુદ્ધ ભાવ ગરીબી વગર આવતો નથી. પ્રભુને પામવાનો સહેલો રસ્તો છે સ્વૈચ્છિક ગરીબી. દરેક ધર્મમાં એક જ અવાજે આમ કહેલું છે. મહારાજશ્રી કહેતા કે, ભોગ અને ભક્તિ બંને સાથે ન રહી શકે. ભોગ છોડો તો જ ભગવાન મળે.

મહારાજશ્રીએ પુષ્ટિ સંપ્રદાયનો વિશેષ અભ્યાસ કરેલો. મહાપ્રભુજીના સિદ્ધાંતો આત્મસાત કરેલા. તુલસીની માળા ધારણ કરી, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સ્વૈચ્છિક ગરીબી અપનાવેલી, ત્યારે તેમના અંતરમાં વિરહતાપ પ્રાપ્ત થયેલો.

મહારાજશ્રી પ્રભુ પાસે માંગતા કે, તારા નામનો ઉચ્ચાર કરતા મારી આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહેવા માંડે, મારો કંઠ રૂધાઇ જાય અને હું બોલી ન શકું, મારાં રોમેરોમ પુલક્તિ થઇ જાય, એવો, દિવસ ક્યારે આવશે મારા પ્રભુ?

પ્રભુજીએ મહારાજશ્રીની આ માંગણી પૂરી કરેલી. તેઓને આ પ્રમાણે રોમેરોમ પુલક્તિ થવાનો અનુભવ કરાવેલો.
મહારાજશ્રીની વિરહ દશાનો વિચાર કરી, પ્રભુએ તેમને વહેલા બોલાવી લીધા.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)