ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 8: ડોંગરેજીને કીર્તિ અને લક્ષ્મી જોઈતી ન હતી તો તે તેમની પાછળ કેમ પડી

0
449

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજના વિરહભાવ વિષે જાણ્યું કે કેવી રીતે તેઓ કથા કરતા સમયે ભગવાનના વિરહમાં રડી પડતા હતા. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

મહારાજશ્રીની તપશ્ચર્યાઓ :

તપ કર્યા વગર સિદ્ધિ મળતી નથી. મહારાજશ્રીએ કઠિનમાં કઠિન તપ કર્યું છે. વ્યાસપીઠ ઉપર સાત-આઠ કલાક બેસીને લોકોને ભાગવતની કથા સંભળાવવી તે કંઈ જેવીતેવી તપશ્ચર્યા નથી.

વ્યાસપીઠ પર તેઓ એકજ આસને બેસી રહેતા. પહેલા, તો મહારાજશ્રી મહિનામાં ચાર કથાઓ કરતા. એક ગામે કથા પૂરી થાય એટલે રાત્રે મુસાફરી કરે અને બીજે દિવસે સવારે વ્યાસપીઠ ઉપર બિરાજ્યા હોય.

ઉંમર વધતાં તેઓએ મહિનામાં ત્રણ કથા કરવાનું રાખ્યું હતું. આટલા કલાક વ્યાસપીઠ પર બેસવાનું એટલે સવારે થોડું દૂધ કે ફળ લેતા, બપોરે પણ તે જ લેતા, છેક રાત્રે માત્ર ફરાળ લેતા.

શરૂઆતમાં મહારાજશ્રી (યુવાન વયમાં) સવારે વ્યાસપીઠ ઉપર બેસી જાય. બપોરે, લોકોને કથામાં વિરામ આપે, પણ મહારાજશ્રી ત્યાં જ એક જ આસને બેસીને માળા ગણવાનું શરુ કરે.

સાંજે ચાર વાગે લોકો પાછા આવે એટલે ફરી કથા શરુ કરે. છ થી સાત વાગી જાય, કથા પૂરી થાય એટલે જ તેઓ વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરે. કેટલી આસન સિદ્ધિ! નવેક કલાક એકજ આસને જ બેસવું, એ જ કેટલું મોટું તપ કહેવાય!

મહારાજશ્રીએ ગાયત્રીમંત્રના સવા લાખ મંત્રો કરવાના હોય, તેવા તો અનેક અનુષ્ઠાનો તેમણે કરેલા હતા. ચાંદોદનો દાદલીયા મઠ એ સિદ્ધ ભૂમિ છે એમ મહારાજશ્રી કહેતા. સિદ્ધભૂમિમાં મંત્રનું અનુષ્ઠાન કરો તો જલ્દી સિદ્ધિ મળે છે. આ દાદલીયા મઠમાં અનુષ્ઠાન એક માસ સુધી ચાલતું.

સવારના મહારાજશ્રી અનુષ્ઠાનમાં બેસી જાય, તે સાંજે અનુષ્ઠાન પૂરું થાય. સીતાબેન પણ અનુષ્ઠાનમાં સાથ આપતાં અને ત્યાંજ રહેતા. સાંજના સૂર્યાસ્ત પછી એક વખત બાફેલા મગ તેઓ બંને લેતા.

આવા ગાયત્રીના અનુષ્ઠાન થયા પછી તો તેમની ખ્યાતિ એકદમ ફેલાવા લાગેલી, તેમને મળતું માન તેમની ત૫શ્ચર્યાને જ આધારે હતું, એવું જ માની શકાય છે.

પૂજ્ય રંગઅવધૂત મહારાજશ્રી કહેતા કે – કીર્તિ અને લક્ષ્મીનું એવું છે કે – “જે ત્યાગે એની આગે અને જે માંગે તેનાથી ભાગે.” મહારાજશ્રીના જીવનમાં પણ આવું જ જોવા મળે છે. તેમને કીર્તિ અને લક્ષ્મી જોઈતી ન હતી તો બંને તેમની પાછળ પડી.

મહારાજશ્રીની દીનચર્યા :

મહારાજશ્રી મળસ્કે લગભગ સાડાત્રણથી ચારના અરસામાં ઊઠી જતા. ગામેગામ યજમાનને ધેર ઉતારો હોય એટલે કોઈને ખલેલ ન પડે એટલે માળા લઈને જપમાં બેસી જતા.

સવારના છ વાગે એટલે નિત્યકર્મ શરૂ કરે નાહીધોઈને સંધ્યા કરી સૂર્યને અર્ગ્યદાન આપ્યા પછી સૂર્યનમસ્કાર શરૂ કરે. શરૂઆતમાં રોજ એકસો આઠ સૂર્ય નમસ્કાર કરતા પછી ઘટતા ગયા. પછી, લાલાની સેવા શરૂ કરે. પૂજા સાડા આઠે પૂરી થાય.

ત્યારબાદ કથામાં જવાની તૈયારી શરૂ થાય. સવારના નવથી તે સાડાબાર એક વાગે પૂરી થાય. મુકામ ઉપર આવ્યા પછી સંધ્યા તે પછી ફળાહાર અને થોડું વાંચન અને આરામ કરે. બપોરના સાડા ત્રણ વાગે પાછા કથા કરવા જાય. સાંજે આશરે સાત વાગે મુકામ પર આવી સ્નાન કરી સંધ્યા શરૂ કરે.

ત્યારબાદ ફળાહાર કે ભોજન પતાવીને, ધરમાં આંટાફેરા મારતા. હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરે. દરરોજ રાત્રે મહારાજશ્રી અચૂક હનુમાન ચાલીસાનો પાઠ કરતા. મહારાજશ્રીને પણ સંકટો આવતા. સંકટ નિવારણ માટે આ પાઠ જરૂરી છે.

કહેવાય છે કે તુલસીદાસજીને તાવ આવેલો, નિત્યકર્મ થાય નહિ તેથી તે સંકટ નિવારવા તેમણે હનુમાન ચાલીસાની રચના કરેલી. મહારાજશ્રી પાઠ પૂરો થાય એટલે જપ શરૂ થાય, જપ કરતાં રાત્રે સાડા દસ વાગે સૂઈ જતા.

મહારાજશ્રી પાંચ કલાકની નિંદ્રા લેતા. શરીરમાં સત્ત્વગુણ વધે એટલે નિંદ્રા ઓછી થતી જાય છે. મહારાજશ્રીને વિષ્ણુસહસ્ત્રનામ ખૂબજ પ્રિય. તેઓ તેનો પાઠ રોજ કરતા. મહારાજશ્રી જપ બહુજ કરતા. અવિરત જપ કરવાની સિદ્ધિ, મહારાજશ્રીએ નામ-જપથી જ પ્રાપ્ત કરેલી.

મહારાજશ્રી વર્તમાનપત્રો વાંચતા જ નહિ. જે છાપા વાંચે તે પાછા થાય. સંતો છાપા વાંચવાની ના પાડે છે. મનમાં નકામો કચરો ભરવો તે સાધકનું પતન કરે છે.

તેઓ કહેતા કે – જે દિવસે કથાનો કાર્યક્રમ ન હોય તે દિવસે ભૂખ પણ વહેલી લાગે છે અને દિવસ મોટો લાગે છે.
કથા હોય તો ખાવાનું યાદ જ ન આવે. કથા ભૂખ તરસને ભૂલાવે છે.

એક સમયે કથામાંથી આવીને ખીચડી બનાવવા મૂકી. ધ્યાન ન રહ્યું અને ખીચડી બળી ગઈ. ભક્તોએ ખીચડી ફરી બનાવવાનું કહ્યું, તો તેમણે ફરી બનાવવાની ના પાડીને કહ્યું કે – આજે નસીબમાં જમવાનું લખ્યું નથી એમ હસતા હસતા કહીને જપમાં લાગી ગયા અને ભૂખ્યા સુઇ ગયા.

મહાપુરુષો પ્રભુભજનમાં એટલા મગ્ન હોય છે કે તેઓને જમવાની પડેલી હોતી નથી. પ્રભુ નામસ્મરણથી તેઓને જરૂર પૂરતી શક્તિ મળી રહ છે. દીનચર્યાનો અર્થ એજ કે આખા દિવસમાં બને તેટલું પ્રભુ સ્મરણ કરવું.

મહારાજશ્રીનું વાંચન :

જે દિવસે કથા ન હોય તે દિવસે બપોરના સમયે ધર્મગ્રંથોનું વાંચન કરતા. ખાસ કરીને હિંદી કલ્યાણ માસિકના જૂના અંકો વાંચતા. તેઓને તે અંકો ખૂબ ગમતા.

વિનોબાજીનું ગીતા પ્રવચનોનું પુસ્તક, કરપાત્રીજી મહારાજના ભક્તિસુધાનું પુસ્તક, પ્રભુદત્ત બ્રહ્મચારી કૃત ભાગવતની કથાનું પુસ્તક, પ્રભુદત્ત બ્રહ્મચારી કૃત મીરાંબાઈનું ચરિત્ર પુસ્તક વગેરે તે વાંચતા.

એક દિવસ મહારાજશ્રીએ કહેલું કે – મન અશાંત હોય ત્યારે કલ્યાણના અંકો વાંચવાથી મનને ખૂબ શાંતિ મળે છે.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)