ડોંગરેજી મહારાજનું જીવનચરિત્ર ભાગ 9: આ લક્ષણો જણાવે છે કે ડોંગરેજી મહારાજ સાચા ભગવત ભક્ત હતા

0
335

આગળના ભાગમાં આપણે ડોંગરેજી મહારાજની તપશ્ચર્યાઓ અને તેમની દીનચર્યા વિષે જાણ્યું. આવો હવે તેમનું આગળનું જીવનચરિત્ર જાણીએ. આગળના ભાગો વાંચવાના બાકી હોય તો તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

ભાગવતમાં બતાવેલા ભગવત-ભક્તનાં લક્ષણો જેવા જ મહારાજશ્રી સાચા ભગવત ભક્ત :

ડોંગરેજી મહારાજ સાચા અર્થમાં ભાગવતમાં ભગવત-ભક્તનું જે વર્ણન આવે છે તેવા સાચા ભગવત ભક્ત હતા. ભાગવતના એકાદશ સ્કંધમાં રાજા નિમિના પૂછવાથી, યોગેશ્વરહરિ, અધ્યાય બીજામાં ભગવત પુરુષનાં લક્ષણો બતાવે છે.

જે ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ તો કરે, પણ પોતાની ઈચ્છાના પ્રતિકૂળ વિષયોથી દ્રેષ કરતો નથી અને અનુકૂલ વિષયો મળવાથી આનંદિત થતો નથી. એની એવી દ્રષ્ટિ બની રહે છે કે “આ સઘળું મારા પ્રભુની માયા છે.” આવો પુરુષ ઉત્તમ ભગવત ભક્ત છે.

જન્મ-મ-રૂ-ત્યુ, ભૂખ-પ્યાસ, શ્રમ-કષ્ટ, ભય-તૃષ્ણા, આ સંસારના ધર્મો છે. એ તો શરીર, પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિને મળ્યા જ કરે છે.

જે પુરુષ પરમાત્માના સ્મરણમાં એટલો બધો તન્મય રહે છે કે આ સર્વની વારંવાર આવનજાવન થતી રહે તો પણ તેનાથી મોહિત થતો નથી, એનાથી હારતો નથી તે ઉત્તમ ભગવત ભક્ત છે.

જેઓ, સારા કુળમાં જન્મ થવાથી, તપશ્ચર્યા આદિ કર્મથી તથા વર્ણ-આશ્રમ તથા જાતિથી પણ આ શરીરમાં અહંકાર ઉત્પન્ન થવા દેતા નથી એ ઉત્તમ ભગવત ભક્ત છે.

જે ધન-સંપતિ તથા શરીર એ બધામાં “આ મારું છે, આ પરાયું છે” એવા પ્રકારનો ભેદભાવ રાખતો નથી, દરેક પદાર્થમાં
સમ-સ્વરૂપ પરમાત્માને જુવે છે, બધામાં સમભાવ રાખે છે તથા કોઇ પણ ઘટના અથવા સંકલ્પથી વિચલિત ન થઇ શાંત રહે તે ઉત્તમ ભગવત ભક્ત છે.

મોટા મોટા દેવતા અને ત્રષિ મુનિઓ પણ પોતાના અંત:કરણને ભગવતમય બનાવીને જેને શોધતા રહે છે, એવા ભગવાનના ચરણકમળોથી અર્ધી ક્ષણ અર્ધી પળ માટે પણ જે દૂર થતો નથી, નિરંતર એ ચરણોના સાંનિધ્ય અને સેવામાં જ જે મગ્ન રહે છે, ત્યાં સુધી કે કોઈ જાતે એને ત્રિભુવનની રાજ્યલક્ષ્મી આપે તો પણ તે ભગવતસ્મૃતિમાં બાધા પહોંચવા દેતો નથી એવી રાજ્યલક્ષ્મી તરફ ધ્યાન પણ જવા દેતો નથી, તે પુરુષ ભગવત ભક્ત વૈષ્ણવોમાં સૌથી શ્રેષ્ઠ છે.

વિવશતાથી પણ જેમના નામનો ઉચ્ચાર કરવાથી સંપૂર્ણ પાપસમૂહનો નાશ કરવા ભગવાન શ્રીહરિ જાતે તેના હૃધ્યને ક્ષણભર માટે પણ છોડતા નથી. કેમકે તેમણે પ્રેમની દોરી વડે ભક્તના ચરણોને હધ્યકમળમાં બાંધી રાખ્યા છે તે જ ઉત્તમ ભગવત ભક્ત છે.

ઉપર પ્રમાણે ભાગવતમાં બતાવેલા, ભગવત ભક્તના બધા જ લક્ષણો મહારાજશ્રીમાં હતા. તેઓશ્રી લૌકિક ઈચ્છા અને દ્રેષથી પર થઇ ગયેલા, તેઓને કોઈ વસ્તુમાં રાગ જ ન હતો પછી દ્વેષ થાય જ ક્યાંથી?

પરમાત્માના સ્મરણમાં તેઓ એટલા તન્મય થઇ જતા કે દેહના ધર્મથી તેઓ પર થઇ જતા. મહારાજશ્રીની બધી વૃત્તિઓ ભગવાનમાં જ નિવાસ કરતી. તેઓ સતત શ્રીકૃષ્ણની ભક્તિ કરતા એટલે વિષય વા સનાનો તેમના મનમાં ઉદ્ભવ પણ થતો ન હતો.

મહારાજશ્રીમાં કોઈ જાતનું અભિમાન ન હતું. મહારાજશ્રી જડ ચેતનમાં પરમાત્માને જોતા અને તેનો અનુભવ કરતા
એટલે તેઓનું મન સદા શાંતિનો અનુભવ કરતું.

મહારાજશ્રી લાલાની સેવામાં અને તેની કથા-વાર્તામાં નિરંતર તલ્લીન રહેતા. મહારાજશ્રી કથામાં કહેતા કે ગોપીઓના ધરમાં એક જ વિષય રહેતો શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણનું શ્રવણ-સ્મરણ ને તેમની લીલાઓ સાંભળવી. તેવું જ મહારાજશ્રીએ તેમના જીવનમાં અપનાવેલું. કથા અને લાલાની સેવા સિવાય બીજી વાત જ નહિ. દુનિયાનો કોઈ વૈભવ તેમને જોઈતો ન હતો. ભગવાનના ચરણકમળોને પોતાના હૃદયમાં મહારાજશ્રીએ પ્રેમદોરીથી એવા બાંધી રાખેલા કે ભગવાન દૂર જઈ જ ન શકે.

ભાગવતમાં રંતિદેવે જે ભાવના પ્રગટ કરી છે, તેવી ભાવના મહારાજશ્રીની હતી. રંતિદેવે એક વખત ભગવાન પાસે વરદાન માગ્યું હતું કે, હે, પ્રભુ, આપ સર્વના હૃદયમાં બિરાજો છો છતાં માનવ દુઃખી થાય છે, તેથી મારી ઈચ્છા એવી છે કે દરેક્ના હૃદયમાં હું પહોંચી જાઉં અને તેમના દુઃખો હું ભોગવું અને પ્રાણી માત્ર સુખ જ ભોગવે એવી કૃપા કરો, અને મને એવું વરદાન આપો.

મહારાજશ્રી કોઈનું દુઃખ જોઈ ન શકતા. તેથીજ તેમની ભાવના રંતિંદેવ જેવી જ કહી શકાય. મહારાજશ્રીનું જીવન સાદું, પવિત્ર અને ભક્તિમય હતું. તેઓ જે કથામાં કહેતા તે બધું જીવનમાં ઉતારેલું જ હતું.

આચરણમાં ઉતાર્યું જેણે તે મહાન બની ગયા, કેવળ વાતો કરનારા પામર રહી ગયા.

મહાપુરુષમાં અને સામાન્ય મનુષ્યમાં કેવળ આટલોજ તફાવત છે. મનુષ્ય તેને જે સારું છે, સત્ય છે, તેને આચરણમાં ઉતારવા લાગે તો તે મહાન બની જાય.

રામદાસ સ્વામીએ મનને ઉદ્દેશીને સુંદર બોધ આપ્યો છે. મહારાજશ્રીને રામદાસ સ્વામીનો આ બોધ ખૂબ ગમતો. તે અનુસાર તેઓએ પોતાના મનને જ ચેલો બનાવેલો.

વધુ આવતા અંકે.

(પૂજ્ય ડોંગરેજી મહારાજ પર લખાયેલ પુસ્તકમાંથી)