નર્મદાનાં નીતર્યાં નીરે ડોંગરેજીનું માંગલ્યધામ માલસર, અહીં આજે પણ કણ કણમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે.

0
1348

સિનોર ગામની ભાગોળેથી જમણી બાજુ જતાં માર્ગ ઉપર પાંચેક કિ.મી. આગળ જતાં માલસર ગામ આવે છે. પુરાણ પ્રસિદ્ધ સ્થાન ન હોવા છતાં ડોંગરેજી મહારાજે અહીં નિવાસ કર્યો અને અહીં નર્મદાના જળમાં દેહ ત્યાગ કર્યા પછી માલસરનું નામ વધુ જાણીતું થયું. એ પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ છે. ચરૈવેતિનો સ્વભાવ ધરાવતા પૂ. બાપજીને અહીંની ભૂમિથી ખાસ લગાવ હતો, પ્રતિ વર્ષ અહીં એકાદ વાર કથા ન કરે ત્યાં સુધી ચેન ન પડે.

પરમાત્મા શ્રી કૃ્ષ્ણ સાથે સાક્ષાત સંવાદ કરનાર રામચંદ્ર ડોંગરેજીની પ્રત્યેક કથામાં અનેરો આનંદ આવતો, પરંતુ અહીંના વ્યાસાસનની તો વાત જ કાંઈક ઓર હતી. માટીના ઢગલા પર વ્યાસાસન બનાવાતુ, જ્યાં તેઓ કૃષ્ણકથા કરતા. પટાંગણમાં ભારે ભીડ જામતી, કરોડો શ્રોતાઓની આસ્થાનું કેન્દ્ર એવા બાપજી કથા કરે ત્યારે પવિત્ર શ્રાવણ કે અધિક માસમાં જાણે શુકદેવજી મહારાજ સ્વમુખે ભાગવત નારાયણનું ગાન કરી રહ્યા હોવાનો અનુભવ થતો.

માલસરમાં બાપજી એક મઢુલી જેવી ઓરડીમાં રહેતા, ઓરડીમાં આજે પણ કણ કણમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે. જ્યાં અનેક અનુષ્ઠાનો થયા છે એ ઓરડીમાં મન સ્વાભાવિક કૃષ્ણભક્તિમાં લીન થઈ જાય છે. બાપજી જે ભાગવતજી પોથીની પૂજા કરતા તે, તેમનો લાલો, એટલે કે બાલકૃષ્ણની ધાતુની મુર્તિ, તેમની ત્રિકાળ સંધ્યાવંદનના સાધનો, આચમનિ-તરભાણા સહિત ટોર્ચ અને તેમની રૂદ્દાક્ષની માળાઓ વિદ્યમાન છે.

બરાબર ઓરડીની નીચે બાબજીનું મંદિર છે. સેવા-પૂજા અને પ્રભાતફેરી નિત્યક્રમ મુજબ થતી રહે છે. શ્રદ્ધા અને વિશ્વાસના તાંતણે બંધાએલા ભક્તો વારે તહેવારે અહીં દર્શનાર્થે આવે છે. અને નર્મદાના નીરમાં સ્નાન કરી વૈતરણી તર્યાનો અનુભવ કરે છે.

વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત. તસવીરો ગુગલના સૌજન્યથી.

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)