“જરા પણ ડરતાં નહીં અને પુરો વિશ્વાસ રાખજો” – વાંચો વિશ્વાસની પ્રેરણાદાયક સ્ટોરી.

0
1119

મારીયા..

જોસેફ ને મારીયા ગમતી હતી એટલા માટે કે એ સુંદર અને સરળ છોકરી હતી. એ એટલા માટે પણ ગમતી હતી કે એનામાં કોઈ અભિમાન કે ઘમંડ નહોતો. એ એટલે પણ ગમતી કે એનામાં ખૂબજ સાદાઈ હતી. ચુપચાપ એ એના ઘરથી નીકળી ફરજના સ્થળે પહોંચી જતી. રસ્તામાં ભાગ્યેજ એ કોઈની સામે નજર મીલાવતી કે બોલતી. પોતાની ફરજ પુરી કરી નાકની દાંડીએ એ એના ઘરે આવી જતી.

એ છોકરી કે જેનું નામ મારીયા હતું એ સરકારી નોકરી મળતાં શહેરથી ગામમાં નોકરી કરવા આવી હતી. કોલેજ પાસ કરી‌ને થોડા સમયમાં જ નોકરી મળી જતાં ફરજ ઉપર હાજર થઈ હતી.

જોસેફ ખૂબસૂરત અને સંસ્કારી યુવાન હતો. સવારે કોલેજમાં જવું, કોલેજ થી આવીને ખેતી, પશુપાલન માં ઘરમાં મદદ કરવી એનો નિત્ય ક્રમ હતો.

મારીયાએ જોસેફ ના પડોશમાં ખાલી ઘર હતું એ ભાડે લીધું હતું. અવાર નવાર ઘરે આવતાં જતાં ક્યારેક બંનેની આંખો મળતી એક નજર એક બીજાને દેખતાં અને બંને આંખો ફેરવી લેતાં. હા, પણ એ ચોકકસ હતું કે એ એક બીજાને જાણીબુઝીને પણ દેખી તો લેતાં જ.

હજી ગામડાં માં માંડ લાઈટ આવ્યું હતું.. પણ એ ક્યારે આવે અને ક્યારે જાય એની ખબર કોઈને પણ ના રહેતી. સુવિધાઓ ના નામે ગામડામાં કંઈ કહેતાં કંઈ ના મળે. ન્હાવા માટે નાવણિયુ કે સૌચાલય હોવા એ મોટી વાત રહેતી.

મારીયા ના ઘરમાં એક નાની ચોકડી હતી જે ન્હાવા ધોવા માટે ઉપયોગમાં લેતી અને સૌચક્રિયા માટે ફરજિયાત ચંબુ ભરી દિવસ આથમે પછી કે દિવસ ઊગતાં પહેલાં બે ચાર સ્ત્રીઓ સાથે એ ગામ બહાર નાળીયા માં જતી.

એક દિવસ મારીયા ના પેટમાં ગરબડ થતાં જાજરુ થી ગયા. વારંવાર સૌચક્રિયા માટે જવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. સાંજના સમયે બે-ત્રણ વાર તો એ કોઈ ને કોઈ સ્ત્રી ને સાથે લઈ ગઈ. પણ રાતના ૧૦ વાગે એને હાજતે જવાની જરૂર પડી. ૩૦-૪૦ વર્ષ પહેલાં તો ગામડામાં લોકો એક નિંદર ખેંચી કાઢતાં, ગામ આખું સુઈ ગયું હોય એવા સમયે રાત્રે સૌચક્રિયા માટે ગામની બહાર જવું કોઈ પણ સ્ત્રી માટે કપરું હતું. ત્યારે એ એકલી કંઈ રીતે ગામની બહાર અંધારામાં જાજરૂ માટે જાય.

એક બે વખત તો એ ઘરની બહાર નિકળી પણ બધું જ સુમસામ નજરે આવતું હતું. એક બાજું આમન્યા નો પહાડ, બીજી બાજુ ડર તો ત્રીજી બાજુ શારિરીક તકલીફ. હિંમત કરીને છેલ્લે એ બહાર નિકળી. એનાં હાથમાં પાણી ભરેલું ચંબુડુ હતું.

ઘરની બહાર એના પડોશ માં રહેતો જોસેફ ઘરની ખાટલા નીચે કળીયાળી ડાંગ લઈને બિન્દાસ સુતો હતો. બે ત્રણ વખત એ બહાર નિકળી એટલે અવાજના કારણે જોસેફ ની આંખ ખુલી ગઈ.. એણે ઝીણી આંખે જોયું તો મારીયા હાથમાં ચંબુ લઈને ઉભી હતી. જોસેફે બે-ત્રણ વાર મારીયા ને ચંબુ ભરી જતાં દેખી હતી.

એના મગજમાં એકદમ વિજળી ચમકે એમ ચમકારો થયો, એ સમજી ગયો કે મારીયાની તબિયત સારી નથી લાગતી. અને અંધારી રાતે એ એકલી ક્રિયા માટે જઈ શકે તેમ નથી. એને મદદની જરુર છે. એ ઉભો થયો અને મારીયા ને કહ્યું “મેડમ, ચાલો હું તમારી સાથે આવું છું, જરા પણ ડરતાં નહીં અને પુરો વિશ્વાસ રાખજો.”

ખચકાઈ ને ફરી બોલ્યો..

“હું દૂર ઉભો રહીશ, તમે જઈ આવજો”.

એમ કહી જોસેફ ડાંગ હાથમાં લઈ આગળ ચાલવા લાગ્યો.

– યૂસુફ પઠાણ.

ચલ નાચ ફકીરા. ૧૭/૮/૨૧/ ૨૧ .૪૯. (ગ્રામિણ જીવન ગ્રુપ)