જાણ્યા-સમજ્યા વગર જીવનસાથી પર શંકા કરશો તો સંબંધમાં ખટાશ જ ઉદ્દભવશે, લઘુકથા દ્વારા સમજો વાત.

0
612

લઘુકથા – શંકા :

– માણેકલાલ પટેલ.

જયની આંખો લાલઘૂમ થઈ ગઈ હતી. જ્યારથી એણે સીમા વિશે એલફેલ વાતો સાંભળી હતી ત્યારથી એનું ચેન ચોરાઈ ગયું હતું. એની સાથે વિશ્વાસઘાત થયો હોય તેમ એ અનુભવી રહ્યો હતો.

સીમા જયની મનોસ્થિતિથી સાવ અજાણ હતી.

ધીરેધીરે જયે એની સાથે બોલવાનું ઓછું કર્યું ત્યારે જ સીમાને થોડો અંદાજ આવેલો કે જય એનાથી નારાજ છે. એ પૂછતી પણ ખરી :- “જય ! શું વાત છે એ તો કહે?” પણ, જય બોલવાને બદલે મોંઢું બગાડી દેતો હતો.

જયની એકાદ મહિના પહેલાં જ આ શહેરમાં બદલી થઈ હતી એથી આડોશીપાડોશીઓને પણ એ ઓળખતો નહોતો. સવારે નવ વાગે જતો તે સાંજે સાતેક વાગે એ ઘરે આવતો હતો.

બે દિવસથી આડોશપાડોશમાંથી એને સંભળાતી વાતોથી એ હતપ્રભ થઈ ગયો હતો. એ વિચારતો હતો :- “એના ટિફિનમાં પરમ દિ ઘીથી લસલસતો શિરો, કાલે લાડવા – એને રાજી રાખવાની આ સીમાની ચાપલૂશી તો નહિ હોય ને?”

એના મનમાં સળવળેલો શંકાનો કીડો એને જરા પણ જંપવા દેતો નહોતો.

આજે એ ઘરેથી ટિફિન લઈને નીકળ્યો ત્યારે જ નક્કી કરેલું કે સીમાને એ રંગે હાથ પકડે પછી જ આગળની વાત.

સોસાયટીના નાકા બહાર એ ઉભો રહ્યો. થોડીવારે એણે ગાઉનને બદલે સાડી પહેરેલી સીમાને કોમન પ્લોટ બાજુ જતી જોઈ. એના ગુસ્સાનો પાર ન રહ્યો. એ પણ ધીમેથી એની પાછળ પાછળ ગયો.

સીમા સોસાયટીના બોરની ઓરડી ખોલી અંદર પ્રવેશી કે તુરતજ એ મનમાં બબડ્યો :- “છે જરાયે લાજ- શરમ?”

જેવો એ ઓરડીના ઉંબરે ચઢ્યો કે તરત જ અંદરનું દ્રશ્ય જોઈને એ સ્તબ્ધ થઈ ગયો.

એને જોઈને અંદરથી અચાનક આવવા લાગેલો ભસવાનો પંચમ સ્વર સાંભળી એ ડઘાઈ ગયો.

– માણેકલાલ પટેલ.

ઓરડીમાં વિયાએલી કૂતરીને ચાર ગલૂડિયાં હતાં એને ખવડાવવા માટે સીમા જતી હતી પણ એનો પતિ ખોટી રીતે વહેમાતો હતો.