મિત્રની વાત માનીને પોતાની જૂની કામવાળી પર કરી શંકા, પછી ઘરે જઈને જોયું તો હોશ ઉડી ગયા.

0
388

રમા આન્ટી હું દીપક સાથે વાળ કપાવવા જઈ રહ્યો છું, ત્યાં સુધી તમે વાસણો ધોઈને રૂમમાં કચરા-પોતું કરી દેજો. અને હા, મને આવવામાં મોડું થાય તો તાળું મારીને ચાવી પાડોશીને ત્યાં આપી દેજો. આટલું કહીને અમે બહાર નીકળી ગયા. પણ મારા મિત્રને મારી આ બેદરકારી જરાય પસંદ ના આવી.

તે થોડે દૂર જઈને બોલ્યો, શું યાર બિરજુ…. તું કામવાળીના ભરોસે આખું ઘર કેવી રીતે ખુલ્લું મૂકીને આવી ગયો. તને ખબર નથી કે આજકાલ છાપામાં અને ન્યૂઝ ચેનલોમાં તેમના વિશેના કેવા સમાચારો આવે છે. આ લોકો પહેલા તો આપણો વિશ્વાસ જીતી લે છે, પછી એક દિવસ આપણને ચૂનો લગાવીને ચાલ્યા જાય છે. આ રીતે આખું ઘર ખુલ્લું રાખવું એ શાણપણ નથી.

યાર દીપક, તું પણ નકામી શંકા કરતો રહે છે. અરે, અમારી પાસે છે શું, અને કોઈ ઈચ્છે તો પણ શું લઈ જશે? મેં મારી આદત મુજબ તેને ચૂપ કરાવ્યો. પણ વાળ કપાવતી વખતે મને અચાનક યાદ આવ્યું કે ગઈ કાલે બૅન્કમાં ન જઈ શકવાને કારણે મેં 20 હજાર રૂપિયા કપડાના ડ્રોઅરમાં મૂક્યા હતા. એવું વિચારીને કાલે અહીંથી બૅન્કમાં જઈશ ત્યારે લેતો જઈશ. હે ભગવાન….

ત્યારે જ મારા મિત્ર દીપકનો અવાજ કાનમાં ગુંજવા લાગ્યો. લે કહ્યું હતું ને, હવે ભોગવ… શું જવાબ આપીશ મમ્મી-પપ્પા અને બહેનને કે શહેરમાં આવીને પોતાની અજ્ઞાનતાને કારણે પૈસા ગુમાવ્યા.

જ્યારે મેં અરીસામાં જોયું તો અડધું કટિંગ થઈ ગયું હતું એટલે હું વચ્ચેથી પણ જઈ શક્તો નહોતો. મારું મન પોતાની જાત પર ગુસ્સે હતું. દીપક મને ખૂબ ચેતવી રહ્યો હતો અને મેં કામવાળી પર વિશ્વાસ…

ઉતાવળમાં વાળ કપાવ્યા પછી મારી આદતથી વિપરીત, મારા પગ મને તાબડતોડ સીધા ઘરે ખેંચી ગયા. જોકે સામાન્ય રીતે હું આરામથી ઘરે આવું છું. પાડોશમાંથી ચાવી લીધી અને ઘર ખોલ્યા પછી મેં સૌથી પહેલું કામ ડ્રોઅર ખોલવાનું કર્યું. જોયું તો 20 હજાર રૂપિયા જેમના તેમ પડ્યા હતા. એ જોઈને મારા જીવમાં જીવ આવ્યો.

મારા ચહેરા પર સંતોષ સાથે હું પથારી પર બેઠો જ હતો કે તરત જ મેં જોયું કે ઘર એકદમ ચોખ્ખું અને વ્યવસ્થિત છે. મને લાગ્યું કે હું ખોટું વિચારી રહ્યો છું. મેં નકામી તે ભલી સ્ત્રી પર શંકા કરી. એટલામાં મને કોઈના પગલાનો અવાજ સંભળાયો. જેવું જ મેં દરવાજા તરફ જોયું તો રમા આન્ટી હતા. તે હાથમાં ડંડો લઈને ઉભા હતા. તેમણે ડંડો બાજુ પર મૂકીને કહ્યું, અરે બિરજુ દીકરા તું છે…

હા રમા આંટી… પણ તમે હજી ઘરે નથી ગયા.

હું સુધા ભાભીને ત્યાંથી કામ પતાવીને જઈ રહી હતી તો મેં ગેટ ખુલ્લો જોયો. ઠંડીના દિવસોમાં પાડોશના લોકો પણ પોતાનો દરવાજો બંધ રાખે છે એટલે ચોરીનો ઘણો ભય રહે છે. એટલે હું બહાર પડેલો ડંડો લઈને સીધી અંદર આવી. હવે હું ઘરે જ જાઉં છું.

પછી જય શ્રી રામ કહીને તે નીકળી ગયા. અને હું અરીસાની સામે શરમથી પોતાનું માથું નમાવીને ઉભો રહી ગયો.

નિઃશબ્દ…