ગુરુ નાનકના પ્રભાવને કારણે સુકાઈ ગયેલું ઝાડ થઇ ગયું લીલું, જાણો આ પ્રસંગ દ્વારા તેઓ શું શીખવે છે.

0
269

ગુરુ નાનક દેવ ઘણી મુસાફરી કરતા હતા. મુસાફરી દરમિયાન એક વખત તેઓ ગોરખ મઠ નામના સ્થળે પહોંચ્યા. ગુરુ નાનક ગોરખ મઠમાં સૂકા પીપળાના ઝાડ નીચે બેઠા. થોડી વારમાં તે ઝાડ લીલું થઈ ગયું.

તે સમયે ગોરખ મઠમાં સિદ્ધ નાથોની વસ્તી રહેતી હતી. સિદ્ધ નાથો ત્યાં ખૂબ જ કઠોર તપસ્યા કરતા હતા, જેના કારણે ત્યાં રહેતા સામાન્ય લોકો તે ક્રોધિ યોગીઓથી ડરતા હતા. સિદ્ધ નાથો એવા હતા જે સંસાર છોડીને યોગી બન્યા હતા. સિદ્ધ યોગીઓ પોતાના આનંદમાં જીવન જીવતા હતા, તેમને દુનિયા સાથે કોઈ લેવાદેવા ન હતું.

જ્યારે સિદ્ધ નાથોને વૃક્ષના લીલા થઇ જવા વિશે ખબર પડી, ત્યારે તેઓ ગુરુ નાનક દેવને મળવા ગયા. સિદ્ધ નાથો અને ગુરુ નાનક વચ્ચે વાતચીત શરૂ થઈ, તેને સિદ્ધ ગોષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક યોગીઓએ ગુરુ નાનકને પૂછ્યું, ‘અમે જે તપ કરી રહ્યા છીએ અને તમે જે તપ કરી રહ્યા છો, તેમાં શું તફાવત છે?’

ગુરુ નાનકે કહ્યું, ‘ચોક્કસ પ્રકારના કપડા પહેરવાથી યોગ નથી થતો. માત્ર શરીર પર રાખ લગાવવાથી યોગ-સાધના થતી નથી. કાનમાં મુદ્રા પહેરવાથી અને માથું મુંડન કરવાથી યોગ નથી થતો. દુનિયાથી ભાગી જવું એ યોગ નથી, પલાયન છે. યોગીની નજરમાં બધું સમાન હોવું જોઈએ. તમે લોકો સમાજથી કેમ ભાગી રહ્યા છો? તમારી તપસ્યાનો લાભ સમાજને મળવો જોઈએ. હું માત્ર એટલો જ પ્રયત્ન કરું છું કે, જો મારી પાસે થોડું પણ તપ છે, તો હું બંને હાથે લોકોને એનો લાભ આપું. આજે લોકોને તપની ખૂબ જ જરૂર છે.’

ગુરુ નાનકની વાત સાંભળીને બધાએ તેમને પ્રણામ કર્યા.

બોધ : ગુરુ નાનકે લોકોને સમજાવ્યું હતું કે, ધર્મનો અર્થ દરેકની નિઃસ્વાર્થ સેવા કરવાનો છે. સંસાર છોડવો એ ધર્મનો સંદેશ નથી. સંસારમાં રહીને સર્વનું ભલું કરવું એ જ ધર્મ છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.