આ શ્રાપના કારણે ભીષ્મ પિતામહએ પૃથ્વી પર રહીને ભોગવવા પડ્યા દુઃખ.

0
447

વાંચો મહાભારતના ભીષ્મ પિતામહના જન્મથી લઈને મૃત્યુ સુધીના અજાણ્યા કિસ્સાઓ.

હિંદુ ધર્મમાં ગંગાને સૌથી પૂજનીય નદી માનવામાં આવે છે. ગંગાના સંબંધમાં અનેક પુરાણોમાં ઘણી કથાઓ છે જેમાંથી અમે તેના મહત્વ અને ઈતિહાસ વિષે જણાવીશું. મહાભારતના સૌથી મુખ્ય પાત્ર ભીષ્મ પિતામહ હસ્તિનાપુરના રાજા શાંતનું ત્થા દેવનદી ગંગાના જ પુત્ર હતા. તેમનું વાસ્તવિક નામ દેવવ્રત હતું. તે ઉપરાંત ગંગાએ સાત બીજા પુત્રોને જન્મ આપ્યો હતો, જેને તેમણે નદીમાં પ્રવાહિત કરી દીધા હતા.

બ્રહ્માએ આપ્યો હતો મહાભિષને શ્રાપ : પ્રાચીન સમયમાં ઇક્ષ્વાકુ વંશમાં મહાભિષ નામના રાજા હતા. તેમણે મોટા મોટા યજ્ઞ કરીને સ્વર્ગ લોક પ્રાપ્ત કર્યું હતું. એક દિવસ ઘણા બધા દેવતા અને રાજશ્રીઓ બ્રહ્માજીની સેવામાં ગયા જેમાં મહાભિષ પણ શામેલ હતા. ત્યાં ગંગાજી પણ હાજર હતા. ત્યારે હવાના વેગથી ગંગાજીનું વસ્ત્ર શરીર ઉપરથી ખસી ગયું. ત્યારે ત્યાં રહેલા બધા લોકોએ પોતાની આંખો નીચી કરી લીધી, પરંતુ રાજા મહાભિષ ગંગાજીને જોતા રહ્યા. જયારે પરમપિતા બ્રહ્માએ આ જોયું તો તેમણે મહાભિષને મૃત્યુલોક (પૃથ્વી) ઉપર જન્મ લેવાનો શ્રાપ આપ્યો અને કહ્યું કે, ગંગાને કારણે જ તમે અપ્રિય થશો અને જયારે તમે તેની ઉપર ગુસ્સો કરશો ત્યારે તે શ્રાપમાંથી મુક્ત થઇ જશો.

રાજા શાંતનુની પત્ની બની ગંગા : બ્રહ્માના શ્રાપને કારણે રાજા મહાભિષે પૂરુવંશમાં રાજા પ્રતિકના પુત્ર શાંતનુના રૂપમાં જન્મ લીધો. એક વખત રાજા શાંતનુ શિકાર કરતાં કરતાં ગંગાના કાંઠા ઉપર આવ્યા. ત્યાં તેમણે એક પરમ સુંદર સ્ત્રી (તે સ્ત્રી ગંગા દેવી જ હતી) ને જોઈ. તેને જોતા જ શાંતનુ તેની ઉપર મોહિત થઇ ગયા. શાંતનુએ તેને પ્રેમનો પ્રસ્તાવ કર્યો. તે સ્ત્રીએ કહ્યું કે મને તમારી રાણી બનવાનું સ્વીકાર્ય છે, પરંતુ હું ત્યાં સુધી તમારી સાથે રહીશ, જ્યાં સુધી તમે મને કોઈ વાત માટે રોકશો નહિ, ન તો મને કોઈ પ્રશ્ન પૂછશો. એવું બનશે તો હું તરત તમને છોડીને જતી રહીશ. રાજા શાંતનુએ તે સુંદર સ્ત્રીની વાત માની લીધી અને તેની સાથે લગ્ન કરી લીધા.

લગ્ન પછી રાજા શાંતનુ તે સુંદર સ્ત્રી સાથે શાંતિપૂર્વક રહેવા લાગ્યા. સમય પસાર થતા શાંતનુને ત્યાં સાત પુત્રોએ જન્મ લીધો, પરંતુ બધા પુત્રોને તે સ્ત્રીએ ગંગામાં ફેંકી દીધા. શાંતનુ તે જોઇને કાંઈ કરી શક્યા ન હતા, કેમ કે તેમને ડર હતો કે મેં તેને તેનું કારણ પૂછ્યું ,તો તે મને છોડીને જતી રહેશે. આઠમો પુત્ર થવા પર જયારે તે તેને પણ ગંગામાં ફેંકવા ગઈ, તો શાંતનુએ તેને અટકાવી અને પૂછ્યું કે, તે એવું શા માટે કરી રહી છે?

ત્યારે તેમણે જણાવ્યું કે, હું દેવનદી ગંગા છું તથા જે પુત્રોને મેં નદીમાં નાખ્યા હતા તે બધા વસુ હતા જેને વશિષ્ઠ ઋષિએ શ્રાપ આપ્યો હતો. તેને મુક્ત કરવા માટે જ મેં તેને નદીમાં પ્રવાહિત કરી દીધા. તમે શરત ન માનીને મને રોકી. એટલા માટે હું હવે જઈ રહી છું. એવું કહીને ગંગા શાંતનુના આઠમાં પુત્રને લઈને તેની સાથે ચાલી ગઈ.

વસુઓએ કેમ લીધો ગંગાના ગર્ભમાંથી જન્મ? મહાભારતના આદિ પર્વ મુજબ, એક વખત પૃથુ અને અન્ય વસુઓ તેમની પત્નીઓ સાથે મેરુ પર્વત ઉપર ફરી રહ્યા હતા. ત્યાં વશિષ્ઠ ઋષિનું આશ્રમ પણ હતું, અને નંદીની નામની ગાય પણ હતી. ધૌ નામના વસુએ અન્ય વસુઓ સાથે મળીને તેમની પત્ની માટે તે ગાયનું હરણ કરી લીધું. જયારે મહર્ષિ વશિષ્ઠને ખબર પડી તો તેમણે ગુસ્સે થઈને તમામ વસુઓને માણસની યોનીમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો.

શ્રાપને કારણે ભીષ્મએ પૃથ્વી ઉપર રહીને ભોગવવા પડ્યા દુઃખ : વસુઓ દ્વારા ક્ષમા માગવાથી ઋષિએ કહ્યું કે, તમને દરેક વસુઓને તરત જ મનુષ્ય યોનીમાંથી મુક્તિ મળી જશે, પરંતુ આ ધૌ નામના વસુને પોતાના કર્મ ભોગવવા માટે ઘણા દિવસો સુધી પૃથ્વી લોકમાં રહેવું પડશે. આ શ્રાપની વાત જયારે વસુઓએ ગંગાને જણાવી તો ગંગાએ કહ્યું કે, હું તમને બધાને મારા ગર્ભમાં ધારણ કરીશ અને તરત મનુષ્ય યોનીમાંથી મુક્તિ અપાવી દઈશ. આ જ શ્રાપને કારણે ભીષ્મએ પૃથ્વી ઉપર રહીને દુઃખ ભોગવવા પડ્યા.

ભીષ્મને અપાવ્યુ શ્રેષ્ઠ શિક્ષણ : ગંગા જ્યારે શાંતનુના આઠમાં પુત્રને સાથે લઈને જતા રહ્યા, તો તે ઘણા ઉદાસ રહેવા લાગ્યા. થોડો સમય પસાર થયો, શાંતનુ એક દિવસ ગંગા નદીના કાંઠા ઉપર ફરી રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે ગંગામાં ઘણું ઓછુ જળ વધ્યું છે અને તે પ્રવાહિત નથી થઇ રહ્યું. તે રહસ્યને જાણવા માટે શાંતનું આગળ ગયા તો તેમણે જોયું કે, એક સુંદર અને દિવ્ય યુવક અસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યો છે, અને તેણે પોતાના બાણોના પ્રભાવથી ગંગાની ધારા અટકાવી રાખી છે.

આ દ્રશ્ય જોઈને શાંતનુને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે શાંતનુની પત્ની ગંગા પ્રગટ થઇ અને તેમણે જણાવ્યું કે, આ યુવક તમારો આઠમો પુત્ર છે. તેનું નામ દેવવ્રત છે. તેણે વશિષ્ઠ ઋષિ પાસે વેદોનું અધ્યયન કર્યું છે, અને પરશુરામજી પાસે તેણે સમસ્ત પ્રકારના અસ્ત્ર શસ્ત્રોને ચલાવવાની કળા શીખી છે. તે શ્રેષ્ઠ ધનુર્ધર છે અને તેનું તેજ ઇન્દ્ર સમાન છે. દેવવ્રત જ આગળ જઈને ભીષ્મ પિતામહ કહેવાયા.

ભીષ્મની પિતૃભક્તિ જોઈને મહારાજા શાંતનુએ તેને ઈચ્છા મૃત્યુનું વરદાન આપી દીધું. એટલે કે ભીષ્મનું મૃત્યુ તેની પોતાની ઈચ્છા ઉપર નિર્ભર હતું. મહાભારતના યુદ્ધ પછી મહા માસના સુદ પખવાડિયાની આઠમની તિથીએ તેમણે તેના પ્રાણ ત્યાગ્યા હતા.

આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.