દુકાને આવતી મહિલા પર ખોટી નજર રાખનાર હરાયા સાંઢને મહિલાએ આ રીતે સીધો કર્યો.

0
928

લઘુકથા – ફાંસલો :

આમ તો તે આધેડ હતો, પણ ભંગારીયા તેને દેવાબાપા કહીને જ બોલાવતા.

તેના ભંગારના કાંટે રોંઢા ટાણે ભંગાર પ્લાસ્ટીક વીણનારનું ટોળું જામતું.

સવલીનું નાનું છોકરું રોવે એ બહાને, તેનો વારો આગળ લઈ દેવો ભંગાર જોખી લેતો. ક્યારેક છોકરાને ચોકલેટ પણ આપતો.

સવલીનો શામળો વાન.. ઘાટીલું શરીર.. ને આંખે-નાકે નમણાઈ.

સવલીને દેવાની નજરમાં ભેદ લાગતો.

આજે સવલી મોડી પડી. કાંટે બીજા ભંગારીયા નહોતા. દેવાએ ભંગાર જોખ્યો.

પૈસા લઈ સવલી રોજની જેમ છોકરા સારુ પેંડો લેવા કંદોઈની દુકાને ગઈ.

પૈસા કાઢ્યા. પચાસની એક નોટ વધુ જોઈ ચમકી.

એને સમજાઈ ગયું કે મને લાલચમાં નાખવા જ એક નોટ વધારે આપી છે.

“મારો રોયો હરાયો સાંઢ.. મારો શી કાર કરવા ફાંસલો નાખે છે.”

કંદોઈને કહ્યું “શેઠ પચાસના ગાંઠીયા ય દેજો.”

સવલી ગાંઠીયા રસ્તે વેરતી ગઈ ને બબડી,

“કુતરાનો માલ કુતરા જ ખાય. માણસ નહીં.”

– જયંતીલાલ ચૌહાણ ૫ -૨ -૧૮