દુર્જનોનું સર્જન કરનાર કોણ? વાંચો સાચી સમજણ આપતો શિક્ષક અને વિદ્યાર્થીનો વાર્તાલાપ.

0
541

એક શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા.

શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સમક્ષ એક પ્રશ્ન મુકતા પુછ્યુ, “આ બ્રહ્માંડમાં તમને જે કંઇ દેખાય છે એ બધુ જ સર્જન ભગવાનનું છે એ સાચુ કે ખોટુ?”

એક વિદ્યાર્થીએ ઉભા થઇને જવાબ આપ્યો, “સર, આપે જે કહ્યુ તે બિલકુલ સાચુ છે સમગ્ર બહ્માંડમાં જે કંઇપણ અસ્તિત્વમાં છે તેનું સર્જન ભગવાને જ કર્યુ છે.”

શિક્ષકે વિદ્યાર્થીને સામો પ્રશ્ન પુછ્યો, “બેટા, તો પછી આ દુનિયામાં જે દુર્જનો અને શયતાનો છે એ પણ ભગવાનની જ આ જગતને અપાયેલી ભેટ ગણવાની ને?”

વિદ્યાર્થીએ કહ્યુ, “સર, હું આ બાબતમાં જવાબ આપતા પહેલા આપને બે પ્રશ્નો પુછી શકુ?”

શિક્ષક : “ચોક્ક્સ, તારે જે પુછવુ હોય તે બિન્દાસ પુછ.”

વિદ્યાર્થી : “સર, આ જગતમાં ઠંડીનું કોઇ અસ્તિત્વ છે ખરુ?”

શિક્ષક : “ઓફકોર્સ છે. કેમ તને ક્યારેય ઠંડીની અનુભૂતિ નથી થતી.”

વિદ્યાર્થી : “સર આપ મને માફ કરજો પણ આપ આ બાબતમાં ખોટા છો. ઠંડીનું કોઇ અસ્તિત્વ છે જ નહી, માત્ર ગરમીની હાજરી નથી એટલે ઠંડી જેવું લાગે છે.”

શિક્ષક : “યસ બેટા તુ સાચો છે.”

વિદ્યાર્થી : સર બીજો સવાલ એ છે કે શું અંધારાનું અસ્તિત્વ છે?”

શિક્ષક : “હા, છે જ રોજ રાત્રે અંધારુ હોય જ છે.”

વિદ્યાર્થી : “સર, આપનો જવાબ ફરીવાર ખોટો છે. સર અંધારા જેવુ કંઇ છે જ નહી માત્ર પ્રકાશની હાજરી નથી માટે આપણને અંધારુ લાગે છે. સર આપણે પણ હંમેશા ગરમી અને પ્રકાશ વિષે જ ભણીએ છીએ ઠંડી અને અંધારા વિષે ક્યારેય કોઇ ભણાવતું નથી. બસ એવી જ રીતે આ દુનિયામાં દુર્જન અને શયતાનનું અસ્તિત્વ છે જ નહી માત્ર પ્રેમ, કરુણા અને માનવતાથી હર્યાભર્યા સજ્જનોની ગેરહાજરી છે.”

આ જગતમાં જે કંઇ પાપાચાર કે અનાચાર જોવા મળી રહ્યો છે તે માત્ર સજ્જનતાના અભાવને કારણે છે બાકી આપણું બધાનું મુળરૂપ તો નિર્મલ અને આનંદમય બ્રહ્મ જ છે.

સાભાર – શૈલેશ સગપરીયા.

(સાભાર મિતાલી હીર ચોટલિયા, મારી લાડકી ગ્રુપ)