દુર્યોધન જાણતો હતો કે ધર્મ અને અધર્મ શું છે, છતાં તે ન કરવાનું કરતો, તેની પાછળનું કારણ દરેકે જાણવું જેવું છે.

0
1018

મહાભારતના યુદ્ધમાં દુર્યોધન એક જગ્યાએ કહે છે કે, ધર્મ શું છે તે હું જાણું છું પરંતુ તેનું પાલન કરી શકતો નથી, અને અધર્મ શું છે એ પણ હું જાણું છું પરંતુ તેને છોડી શકતો નથી.

હવે આ વાત ખરેખર અધુરી છે. આના પછી પણ દુર્યોધન એક વાક્ય બોલે છે કે એવી કઈ બાબત છે કે જે મને ખોટું કરવા પ્રેરે છે તે જ મને સમજાતું નથી.

હવે અહીં જાણવા જેવી વાત એ છે કે એ બાબતનું નામ હતું શકુની. દુર્યોધન શકુની કહે એમ જ કરતો હતો.પરંતુ આ વાત દુર્યોધનનું મન પકડી શકતું નહોતું.

એ એવું માનતો હતો કે એવી કોઈ રહસ્યમય શક્તિ છે કે જેના લીધે એ ખોટું કરવા કરવા પ્રેરાતો હતો. હકીકતમાં એ શક્તિનું નામ જ શકુની હતું. પરંતુ દુર્યોધનને શકુની પર આંધળો વિશ્વાસ હતો કે મારો મામો કદી ખોટું કરાવે નહીં અને પછી આગળ શું થયું કે આપણે જાણીએ છીએ.

એની સામે મહાભારતમાં અર્જુન પણ ઘણીવાર ભીંસમાં આવી જાય છે અને મુશ્કેલીમાં મુકાઇ જાય છે. પરંતુ અર્જુનના ગુરુ કૃષ્ણ હતા અને એ કૃષ્ણ હંમેશા સાચું માર્ગદર્શન આપતા.

આથી અર્જુનને કોઈ જગ્યાએ ખોટું માર્ગદર્શન મળ્યું નથી અને આપણે જાણીએ છીએ કે અંતમાં અર્જુનનો વિજય થાય છે.

આમ તમારા ગુરુ કોણ છે તેનું પૂરેપૂરું મહત્વ છે. ઘણી વખત ખોટા માણસો આપણને લાગણીના આધારે ઊંધા રવાડે ચડાવી દઈને ખોટું માર્ગદર્શન આપીને આપણી જિંદગીને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. છતાં પણ આપણને કશું સમજાતું નથી.

આથી આપણે કોના માર્ગદર્શનથી જીવીએ છીએ એનું એક લિસ્ટ આપણી પાસે તૈયાર હોવું જોઈએ અને પછી શાંતિથી એ લિસ્ટનું વિશ્લેષણ કરવું જોઈએ.

– કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed., પાટણ.