રાજા દુષ્યંત અને શકુંતલાનો આ પ્રસંગ સમજાવે છે કે કોઈના માતા પિતા વિશે ક્યારેય ખરાબ ન બોલવું જોઈએ.

0
329

રાજા દુષ્યંત અને શકુંતલા સાથે જોડાયેલો એક કિસ્સો છે. એક દિવસ શકુંતલા રાજા દુષ્યંતના દરબારમાં વિનંતી કરી રહી હતી, ‘મારી સાથે જે બાળક છે એ તમારો પુત્ર છે. જ્યારે તમે જંગલમાં આવ્યા હતા ત્યારે તમે મારી સાથે લગ્ન કર્યા હતા. તમે ત્યાંથી તમારા રાજ્યમાં આવી ગયા અને હવે તમે મને ભૂલી રહ્યા છો.’

દરબારમાં બેઠેલા તમામ લોકો આ વાતો સાંભળી રહ્યા હતા. રાજા દુષ્યંતે ગુસ્સે થઈને કહ્યું, ‘તું ખોટું બોલી રહી છે, તારી માતા મેનકા અને પિતા વિશ્વામિત્ર હતા. તારી માતા મેનકા ક્રૂર હૃદયની હતી અને તારા પિતાને પણ બ્રાહ્મણ બનવાની એક ઝંખના હતી. તે મેનકાને જોતાં જ કામના શરણે થઈ ગયા. તું તેમનું સંતાન છે, હું તારા પર કેવી રીતે વિશ્વાસ કરી શકું?’

દુષ્યંતે શકુંતલાનું તેમજ તેના માતા-પિતાનું અપમાન કર્યું. પછી શકુંતલાએ કહ્યું, ‘તમે બીજામાં સરસવના દાણા જેટલો નાનો દોષ પણ જોઈ રહ્યા છો, પણ તમને તમારા પોતાના મોટા દોષો નથી દેખાતા. મારી માતા મેનકા અને પિતા વિશ્વામિત્ર પર આવી ટિપ્પણી કરવાનો તમને કોઈ અધિકાર નથી. મારા માતા-પિતાને કારણે મારો એટલો પ્રભાવ છે કે હું આકાશમાં ચાલી શકું છું. તમે માત્ર પૃથ્વી પર ચાલી શકો છો. તમે સત્યનું પાલન કરો, સત્ય ભગવાનનું એક સ્વરૂપ છે.

આટલું કહ્યા પછી પણ દુષ્યંત શકુંતલાની વાત માનવા માટે તૈયાર ન હતો. શકુંતલાએ કહ્યું, ‘ઠીક છે જો તમે ના માનતા હોવ તો હું જતી રહીશ, કારણ કે મારી પાસે કોઈ પુરાવા નથી.’

તે જ સમયે આકાશવાણી થઈ અને તેણે દુષ્યંતને સમજાવ્યું કે આ તમારો જ પુત્ર છે. ત્યારે દુષ્યંતે શકુંતલાને કહ્યું, ‘હું સ્વીકારું છું કે આ મારો પુત્ર છે, કારણ કે આકાશવાણી થઈ છે. મારા દરબારમાં બ્રાહ્મણો, પૂજારીઓ, આચાર્યો અને પ્રજા બેઠા છે. આકાશવાણી એ બધાની સામે થઈ છે, તેથી હું તને સ્વીકારું છું.’

રાજા દુષ્યંતને કોઈએ પૂછ્યું કે, તમે પહેલા શકુંતલાને કેમ ન સ્વીકારી?

ત્યારે દુષ્યંતે તે વ્યક્તિને કહ્યું કે, જો હું માત્ર શકુંતલાના કહેવાથી તેનો સ્વીકાર કરતે તો બધા મને અને શકુંતલાને શંકાની નજરે જોતે. લોકો આ બાળકની પવિત્રતા પર પણ સવાલો ઉઠાવતે, પરંતુ આકાશવાણીએ બધું બરાબર કરી દીધું છે. હું એ જ શોધી રહ્યો હતો કે શકુંતલાના વાતનું કોઈ સચોટ પ્રમાણ મળી જાય.

બોધ : આપણને આ વાર્તામાંથી બે સંદેશ મળી રહ્યા છે. પ્રથમ, ક્યારેય કોઈના માતા પિતાનું અપમાન ન કરો, તેમના પર ખરાબ ટિપ્પણીઓ ન કરો. બીજું, જો કોઈ નિર્ણય જાહેરમાં લેવો હોય, તો દુષ્યંતની જેમ નક્કર પુરાવાની રાહ જોવી જોઈએ. તે સમયે આકાશવાણી એક મોટો પુરાવો હતો, પરંતુ આજે બંધારણ અને નિયમોના આધારે જ સાર્વજનિક નિર્ણય લેવા જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.