ઊખીમઠ (અંગ્રેજી ભાષામાં Okhimath પણ લખવામાં આવે છે) એક નાનું શહેર તેમ જ હિંદુ યાત્રાધામ છે, જે ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લા ખાતે આવેલ છે. તે દરિયાઈ સપાટીથી ૧૩૧૧ મીટર જેટલી ઉંચાઇ પર અને રુદ્રપ્રયાગ ખાતેથી ૪૧ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. નજીકમાં સ્થિત વિવિધ સ્થળોની મુલાકાત લેવા માટે ઊખીમઠનો કેન્દ્ર સ્થાન તરીકે ઉપયોગ કરી શકાય છે, જેમ કે મધ્યમહેશ્વર (દ્વિતિય કેદાર), તુંગનાથ (તૃતિય કેદાર) અને દેવરિયા તાલ (એક કુદરતી તાજા પાણીનું તળાવ) અને અન્ય ઘણા મનોહર સ્થળો આવેલા છે.
હિન્દુ પૌરાણિક કથા અનુસાર ઉષા (વનાસુરની પુત્રી) અને અનિરુધ્ધ (ભગવાન કૃષ્ણના પૌત્ર) ની લગ્નવિધિ અહીં ઉજવવામાં આવી હતી. ઉષાના નામથી આ સ્થળનું નામ ઉષામઠ હતું, જેને હવે ઊખીમઠ તરીકે ઓળખવામાં આવે છે. આજ સુધી ઉત્સવના પર્યાય એવી નૃત્ય શૈલી ગરબો ગુજરાતમાં પ્રચલિત કરનાર સર્વાંશે દ્વારકાની આ મહારાણી ઉષા જ હતી.
ગરબાને તાલરાસકનાં પ્રકાર તરીકે સ્વીકારતાં શ્રી ગોવર્ધન પંચાલ લખે છે કે, ઐતરૈય આરણ્યક પરંપરાના અનુસંધાનરૂપે તાલરાસક તાલ વગાડીને થતો કોઈ નર્તન પ્રકાર ઉષાના સમયમાં પ્રચલિત હોવાનું સમજાય છે.
ઉષાનું લાસ્ય તાલરાસક કે ગરબા જેવો કોઈ પ્રકાર જ છે. રાસક ને લાસક પણ કહે છે ને એ રાસક કે લાસક લાસ્ય સાથે સામ્ય ધરાવે છે અથવા તો જો બન્ને સ્વીકારીએ તો ઉષાના લાસ્યને ગરબા જેવા નર્તન પ્રકાર સાથે જોડી શકાય, કારણ કે ઉપર કહેલી ઐતરૈય આરણ્યકની પ્રણાલિકા સ્ત્રીઓના તાલરાસક જેવા પ્રકારનો ઉલ્લેખ તો કરે છે. આમ જોતાં ગરબા જેવા કોઈ પ્રકારની નર્તન પ્રણાલિકા ગુજરાતમાં જ પ્રથમ ઉષા દ્વારા પ્રચારમાં આવી હોય એમ ચોક્કસ માની શકાય.
રાજા માંધાતાએ પણ સર્વ ધન દોલત રાજ પાટ ત્યાગી અહીં જ ભગવાન શિવને રીઝવવા તપ કર્યું હતું. શિયાળા દરમિયાન કેદારનાથની ડોલી ઉત્સવ ઉજવણી કરી આ જગ્યાએ લાવવામાં આવે છે. ભગવાન કેદારનાથની શિયાળુ પૂજા અને ભગવાન ઓમકારેશ્વરની આખું વર્ષ અહીં યોજાય છે.
આ ઓમકારેશ્વર મંદિર ઊખીમઠમાં આવેલું છે, જે રુદ્રપ્રયાગથી ૪૧ કિલોમીટર જેટલા અંતરે છે. ઊખીમઠમાં અન્ય ઘણા દેવ – દેવીઓ જેમ કે ઉષા, શિવ, અનિરુદ્ધ, પાર્વતી અને માંધાતાને સમર્પિત પ્રાચીન મંદિરો છે. ગોપેશ્વર સાથે ગુપ્તકાશીને જોડતા માર્ગ પર સ્થિત આ પવિત્ર નગર મુખ્યત્વે કેદારનાથના મુખ્ય પૂજારીઓની વસાહત છે, જેઓ રાવલ તરીકે ઓળખાય છે.
– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)