એક ભાઈની પત્ની ભાગી ગઈ, બીજા લગ્ન કર્યા તો એ પણ ગઈ, પછી જે થયું તે વિચિત્ર હતું.

0
769

(આને ગંભીરતાથી વાંચવાની નથી. હસવા માટે છે.)

ભુઈ :

– જયંતીલાલ ચૌહાણ.

હરિયા રીક્ષાવાળાના ઘરમાં ત્રણ જ સભ્યો હતા. પોતે, ઘરવાળી શાંતા અને દિકરો રાઘવેન્દ્ર.

એક શાંતા જ ‘દિકરા રાઘવ..’ કહીને બોલાવે. બાકીના બધા ‘રઘો’ જ કહે.

રઘાને તહેવારનો ભારે શોખ. એના વગર શેરીમાં ગણેશનો મંડપ કે ગરબી થાય નહીં. હોળી, જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતી બધી જ ઉજવણીમાં રઘો મોખરે હોય.

સરવાળે દિવસ ઓછા ને તહેવાર જાજા. રઘાને કામધંધાની નવરાશ મળે જ નહીં. સીવતાં શીખ્યો પણ કોઈનું લુગડું ટાણાસર તૈયાર થાય નહીં.

શહેરની બસમાં ટીકીટ કાપવા ગયો. સાંજે હિસાબ દેવામાં રોજ થોડા ઘટે. પોણો પગાર વધઘટ ચુકવવામાં ગયો.

રઘો દેખાવે રુડો રુપાળો હતો એટલે લગ્ન તો થઈ ગયા. વહુ આવી, એને પાણી પુરીનો શોખ. એ નજીકના ચોકમાં પાણી પુરી ખાવા જાય. રોજનું ઘરાક ગણી, પાણી પુરીવાળો એક પુરી વધારાની આપવા લાગ્યો. પછી બે વધારે.. પછી ત્રણ.. અને છેલ્લે મફત દેવા માંડ્યો.

અને એક દિવસ.. વહુ પાણી પુરી ખાઈને પાછી ના આવી. તપાસ કરતા ચોકમાં પાણી પુરીની લારી પણ ન હતી.

રઘાને બીજી મળી ગઈ. નોખા રહેવાની શરતે.

બીજી શરત એ કરી કે.. “રઘાએ રોજ ચારસો કમાઈને ઘરમાં આપવા. વહીવટ હું કરીશ.”

બિચારા રઘાને કામ કરવું તો ફાવે નહીં. ઘરેથી ટીફીન લઈ બગીચે જઈને બેસે. બાપની રીક્ષાના બેચાર ફેરા પણ કરી લે. માબાપ ચારસોનો મેળ કરી આપે.

પણ થોડા વખતમાં પોલ પકડાઈ ગઈ. બીજી પણ ગઈ.

શાંતાને કોઈએ સલાહ આપી.

“તમારે કંઈક મેલી નડતર છે એટલે રઘાનું સરખું ચાલતું નથી. તમે મોંઘીમા ભુઈને દેખાડો.”

હરિયો, શાંતા અને રઘો ત્રણેય મોંઘીભુઈને મઠે ગયા. કઠણાઈની વાત કરી. ભુઈએ રઘાના હાથે પુજા કરાવી. બધાને ચમચી ચમચી ડા રુની પ્રસાદી આપી. એણે દાણા જોઈને કહ્યું.. “બધું ઠીક થઈ જશે. ત્રણ રવિવાર આવવું પડશે.”

છેલ્લા રવિવારે ભુઈ ખુબ ધુણી. દાણા નાખ્યા. ” જાવ.. ફતેહ.. પણ માતાજીનો હુકમ છે કે.. રઘો જમકુડીનો હાથ જાલે.”

જમકુડી મોંઘી ભુઈની દિકરી હતી. ત્રણ ઠેકાણેથી પાછી આવી હતી.

ભુઈ બોલી.. “જુઓ.. હવે જમકુને પણ ધુણ ચડે છે. હું ઘરડી થઈ. માતાજીની સેવા હવે થાતી નથી. એને દાણા નાખતા આવડી ગયું છે. તમારે દિકરાને સુખી કરવો હોય તો અટાણે જ ‘હા’ કહી દ્યો.. ને માતાજીનું સ્થાપન તમારે ઘરે કરો.”

ત્રણેયે એકબીજા સામે જોયું.. શાંતા બોલી.. “તો ભલે એમ.. જેવી માતાજીની ઈચ્છા.”

રઘા અને જમકુને માતા સામે બેસાડ્યા. પગે લગાડ્યા. બેયને ચપટી મેલવા કહ્યું. ભુઈએ ચપટીના દાણા ગણ્યા.

“લ્યો વેવાણ.. વધાવો છે વધાવો.. જાવ.. કરો લીલા લહેર.”

ચારેય રીક્ષામાં ઘરે આવ્યા. શાંતા થાળી અને વેલણ લાવી, વગાડવા માંડી. જમકુએ વાળ ખુલ્લા કર્યા. હળવું હળવું ધુણવા લાગી. હાથમાં માતાજીનું ફળું જાલ્યું.. રઘાએ પુજાનું નાળીયેર પકડ્યું.. ને ગૃહ પ્રવેશ કર્યો.

ઉંબરા પાસે હરિયો અને શાંતા માતાજીને પગે લાગ્યા.. શાંતા બોલી.

“હે મારી માવડી.. ઘરમાં સુખ શાંતિ.. ને રિધ્ધિ સિઘ્ધિ રાખજે.”

– જયંતીલાલ ચૌહાણ. ૩ -૧૧ -૨૧