‘એક ઝાડ માથે ઝૂમખડું’ કેટલાને યાદ છે આ પ્રખ્યાત ગુજરાતી લોકગીત.

0
1707

એક ઝાડ માથે ઝૂમખડું,

ઝૂમખડે રાતાં ફૂલ રે

ભમર રે રંગ ડોલરિયો.

એક ડાળ માથે પોપટડો,

પોપટડે રાતી ચાંચ રે

ભમર રે રંગ ડોલરિયો.

એક પાળ માથે પારેવડું,

પારેવડે રાતી આંખ રે

ભમર રે રંગ ડોલરિયો.

એક મો’લ માથે મરઘલડો,

મરઘલડે માંજર લાલ રે

ભમર રે રંગ ડોલરિયો.

એક નાર માથે ચૂંદલડી,

ચૂંદડીએ રાતી ભાત્ય રે

ભમર રે રંગ ડોલરિયો.

એક માત – કાખે બાળકડું,

બાળકડે રાતા ગાલ રે

ભમર રે રંગ ડોલરિયો.

એક બેન માથે સેંથલિયો,

સેંથલિયે લાલ હિંગોળ રે

ભમર રે રંગ ડોલરિયો.

એક ગોખ માથે ભાભલડી,

ભાભજના રાતા દાંત રે

ભમર રે રંગ ડોલરિયો.

એક પા’ડ માથે પાવળિયો,

પાવળિયે લાલ સિંદોર રે

ભમર રે રંગ ડોલરિયો.

એક આભ માથે ચાંદરડું,

ચાંદરડે રાતાં તેજ રે

ભમર રે રંગ ડોલરિયો.

એક સિંધુ – પાળે સાંજલડી ,

સાંજલડી રાતાં હોજ રે

ભમર રે રંગ ડોલરિયો.

– ઝવેરચંદ મેઘાણી

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)