એક કામવાળી છોકરી અને ડોક્ટર વચ્ચે થયેલી ટૂંકી વાતચીત હૃદયને સ્પર્શી જાય એવી છે, વાંચવાનું ચૂકશો નહિ.

0
1307

એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા.

હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા.

એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધ મકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી માતા કહે, ‘જુઓને બહેન ! આ ખાતો જ નથી. રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું. હવે તમે જ કહો, ધ મકાવું નહીં તો શું કરું?’

‘અરે ! એમાં એને ધ મકાવવાની જરાય જરૂર નથી !’ પેલા યજમાન બહેન બોલ્યાં. પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું, ‘આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબો તરત જ જમતો થઈ જશે. મારો દીકરો પણ પહેલા આવું જ કરતો હતો. ડૉ. મહેતાસાહેબની દવા પછી હવે એ બરાબર જમી લે છે. તમે પણ એમને બતાવોને?’

પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું : ‘આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો, ડૉક્ટર સાહેબ ! પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા માટે લાવી શકું ખરી? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી !’

‘ચોક્કસ લાવી શકો, બહેન ! હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો.’ ડૉક્ટરે કહ્યું.

હવે બરાબર એ જ વખતે દસેક વરસની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી. ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી. ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું : ‘ડૉક્ટરસાહેબ ! હું તમારી સાથે વાત કરી શકું ખરી? તમને એક સવાલ પૂછી શકું?’

‘બોલને બેટા ! તું શું કામ વાત ન કરી શકે? એક શું બે સવાલ પૂછ !’ એકદમ લાગણીપૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો.

‘ડૉક્ટરસાહેબ ! મારે એક નાનો ભાઈ છે. હું, મારી મા અને મારો ભાઈ એમ અમે ત્રણ જ જણ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ રહ્યા નથી. મા બીમાર છે. હું કામ કરું છું એમાંથી અમારું પૂરું નથી થતું. એટલે હું એમ પૂછવા માગું છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી? એવી દવા હોય તો અમારે એ લેવી છે !’

ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા.

ડો. આઈ. કે. વીજળીવાળાના લોકપ્રિય પુસ્તક ‘હુંફાળા અવસર’ માંથી.

(સાભાર કર્દમ મોદી, અમર કથાઓ ગ્રુપ)