એક મંદબુદ્ધિવાળા બાળકની સંવેદનાએ મહિલાનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો, વાંચો હૃદયસ્પર્શી સ્ટોરી.

0
827

દિવ્યબુદ્ધિ :

“સવારના દસ વાગે ટ્રકનો અવાજ? આ સૂમસામ સોસાયટીમાં?” મંજરી રસોડામાંથી દોડીને ઓટલા પર જોવા આવી.

અમદાવાદના નવા ડેવલપ થઈ રહેલા એરિયામાં, પંદર બંગલાની ‘વસંતવિહાર’ સોસાયટીમાં બે જ ઘરમાં વસ્તી હતી. એક તો મંજરીનું કુટુંબ એમાં મંજરી, એનો પતિ વિરેન અને દોઢ વર્ષ નો દિકરો મંદાર અને એમનાથી પાંચમા બંગલામાં એક દંપતિ મીનાબેન અને સુધિરભાઈ. એ બન્ને એકલા જ હતા અને બેંકમાં નોકરી કરતા હતા એટલે એ લોકો આખો દિવસ પોતાનામાં બિઝી રહેતા. સવારે વહેલો જમીને વિરેન ઓફિસ જાય એટલે આખો દિવસ ઘરમાં મંજરી અને મંદાર બે જ હોય.

ટ્રક આવીને બાજુના જ બંગલા આગળ ઊભી રહી અને સામાન ઉતરવા માંડ્યો એટલે મંજરીને થયું, ‘નવા પડોશી આવતા લાગે છે. સરસ, ચલો કંપની રહેશે.’ થોડી વાર પછી એક રિક્ષા પણ આવી. મંજરીએ એમાંથી ઉતરતા યુવાન દંપતિની સાથે એક ચારેક વર્ષના બાબાને પણ જોયો એટલે એ વધારે ખૂશ થઈ કે હવે તો મંદારને પણ કંપની મળી રહેશે.

મંજરીએ પડોશીધર્મ બરાબર નિભાવ્યો. ચા-નાસ્તો પહોંચાડી આવી ને સાથે સાથે ઓળખાણ પણ કરી લીધી. સાંજે વિરેન આવતાંની સાથે એને પણ નવા પડોશીની વધામણી આપી દીધી. બન્ને જઈને મળી આવ્યાં.

વિરેને તો ઘેર આવીને કીધું પણ ખરું કે, “વિભૂતિબેન અને રજતભાઈ બન્નેનો સ્વભાવ ખૂબ સરળ અને મળતાવડો છે. હવે હું ઓફિસ જઉં ત્યારે મને તમારી ચિંતા નહિ રહે.” મંજરીને તો એમનો વત્સલ ઘણો ગમી ગયો. પતંગિયા જેવો ચંચળ, સતત દોડાદોડી કરતો અને મીઠું હસતો રહેતો વત્સલ, પરાણે વહાલો લાગે એવો જ હતો. એને અને મંદારને તો થોડી જ વારમાં દોસ્તી થઈ ગઈ. વત્સલ થોડું કાલું બોલતો હતો પણ મંદારને એની વાત બરાબર સમજાતી હતી. થોડી વારમાં તો બન્ને બાળકો જાણે જુની ઓળખાણ હોય એમ રમવા મંડ્યા.

આમ તો બધું બરાબર હતું પણ મંજરીની છઠ્ઠી ઈંદ્રિય એને કહેતી હતી કે આ કુટુંબમાં બધું નોર્મલ નથી. વિભૂતિબેન સતત જાણે વત્સલની ચોકી કરતાં હોય એમ એમની નજર એનો પીછો કરતી રહેતી હતી. મંજરીને થયું કે ‘ચાર વર્ષના દિકરા માટે મા આટલી અધિરી શા માટે હોય?

પોતાનો મંદાર તો દોઢ વર્ષનો છે છતાં પોતે એને આરામથી છૂટો રમવા દે છે જ્યારે વિભૂતિબેન વત્સલને સ્હેજ પણ નજરથી દૂર જવા દેતા નથી. હા, એ થોડો વધારે ચંચળ છે અને ચાર વર્ષનો હોવા છતાં પણ કાલું બોલે છે, પણ બીજું કાંઈ પ્રોબલેમ નથી લાગતું. કોને ખબર શું કારણ હશે! કેટલીક મા અધિરી જ હોય!’ પણ આ બધું એ વિરેન આગળ બોલી નહિ.

મંજરીને એના આ બધા અવ્યક્ત પ્રશ્નોના જવાબ અઠવાડિયામાં જ મળી ગયા. સાંજે શાક લેવા જતી હતી ત્યારે મીનાબેન સામા મળ્યા અને એને ચેતવણી આપતા બોલ્યા, “મંજરી, તારા દિકરાને પેલા વિભૂતિબેનના દિકરાથી દૂર જ રાખજે. એ મંદબુદ્ધિ બાળક છે. આવા ઓછી સમજણવાળા બાળકો ક્યારે શું કરી બેસે તે કહેવાય નહિ. મારી એક ફ્રેન્ડ જે આવા બાળકોની સ્કુલમાં ટીચર છે એની સ્કુલમાં જ વિભૂતિબેન બાબાને લઈ જાય છે એટલે મને ખબર પડી.”

મંજરીએ એમને તો કાંઈ જવાબ ના આપ્યો અને છૂટી પડી. ઘેર પહોંચી તોય વિચારોની વણઝાર એનો પીછો છોડતી નહોતી. વિભૂતિબેનની વત્સલ માટેની વધારે પડતી ચિંતા, વત્સલની મીઠી લાગતી કાલી બોલી, વધારે પડતી ચંચળતા આ બધા રહસ્યો ઉપરથી જાણે પડદો ઊઠી ગયો. હવે એને થોડો ડર લાગવા માંડ્યો. મંદારને વત્સલ સાથે રમવા દેવાથી ગમે ત્યારે તકલીફ થઈ શકે એ વાત સાચી લાગી.

‘મંદબુદ્ધિ બાળકનો શું ભરોસો? સાથે રમતાં હોય, ન કરે નારાયણ ને અણસમજમાં વત્સલ ગમે ત્યારે મંદારને મારી બેસે કે ભૂલમાં વગાડી બેસે તો ઉપાધી થાય.’ એણે મનોમન નક્કી કરી લીધું કે પોતે મંદારને વત્સલથી દૂર જ રાખશે.’

બીજા દિવસથી મંજરીએ એ માટેના ઉપાયો ચાલુ કરી દીધા. રોજ સાંજે વત્સલ બહાર રમતો હોય ત્યારે મંદારને બહાર નહિ જવા દેવાનો અને સવારે ઉંઘાડી દેવાનો. ટૂંકમાં બન્ને મળે જ નહિ એવું ગોઠવી દીધું. વત્સલ રોજ સાંજે એના ઘરના બગિચામાં રમતો હોય ત્યારે વારે વારે મંજરીના ઘર સામે ઈશારા કરીને અટકી જાય, મંજરીને ઘેર જવાની જીદ કરે પણ સમજુ વિભૂતિબેન એને બીજી વાતે વાળી દેતાં. મંજરી બારીમાંથી એ જોતી હોય પણ એનો નિર્ણય અફર હતો.

આમને આમ એકાદ મહિનો વિતી ગયો. સંબંધો જાળવી રાખીને બે બાળકો વચ્ચે અંતર રાખવામાં મંજરી ઘણે અંશે સફળ પણ રહી. ઉત્તરાયણના તહેવારને બે-ત્રણ દિવસ બાકી હતા, મંજરીને યાદ આવ્યું કે ‘ધાબું ધોવાનું તો રહી ગયું છે. ભલે પતંગ ઓછા ચગતા હોય પણ ધાબે તો ચઢવું જ પડે ને!’

મંજરી સવારે જઈને ધાબું ધોઈ આવી. ધાબા ઉપર જવાની સીડી ઘરની બહાર ઓટલા ઉપર હતી એટલે મંજરી સીડીના બારણાને કાયમ તાળું મારી રાખતી પણ આજે રસોઈની ઉતાવળમાં એ તાળું મારવું ભૂલી ગઈ. થોડા વખત પછી અચાનક ખ્યાલ આવ્યો કે, મંદાર કેમ દેખાતો નથી?’ એને ફાળ પડી.

એ દોડતી ચાર રૂમના ઘરમાં ફરી વળી પણ મંદાર દેખાયો નહિ. હવે ખરેખર જીવ અધ્ધર થઈ ગયો. અચાનક યાદ આવ્યું કે પોતે સીડીના બારણાને તાળું મારવું ભૂલી ગઈ છે. ‘મંદાર ક્યાંક ધાબે તો નહિ ચઢી ગયો હોય? એને ચઢતા આવડે છે પણ ઉતરતા નથી આવડતું.’ એ વિચારે મંજરી એક શ્વાસે દોડીને સીડી ચઢીને ઉપર પહોંચી.

ભર્યા શ્વાસે ધાબામાં પહોંચી અને જે દ્રશ્ય જોયું તેનાથી એના હોશ ઉડી ગયા. નાનકડો મંદાર ધાબાની પાળી પર ચડીને બેઠો હતો અને ઉતરતાં આવડતું નહોતું એટલે હાથ લાંબા કરીને રડતો હતો. અણસમજુ વત્સલ એની સામે ઊભો ઊભો મુંઝાતો હતો. પોતે જે ટીવીનું મોટું ખોખું ધાબામાં મૂકી રાખ્યું હતું એ ખોખાએ જ આ દાટ વાળ્યો હતો. વત્સલને અચાનક ખ્યાલ આવ્યો અને એ ટીવીના ખોખા ઉપર ચઢતો બોલવા લાગ્યો, “મંદાલ, લલીછ નઈ. હું તને હમના ઉતાલું છું, છાંતીથી બેછી લે.”

મંજરીના થાંભલા થઈ ગયેલા પગ ઉપડે અને એ મંદાર પાસે પહોંચે તે પહેલાં વત્સલ ખોખા ઉપર ચઢી ગયો અને પોતાના નાનકડા નાજુક હાથે મંદારને તેડીને ખેંચી લીધો. બન્ને ધાબામાં પડ્યા પણ મંદાર પાળીની બીજી બાજુ પડ્યો હોય તો શું થાય એની કલ્પના મંજરીને બરાબર હતી એટલે આ પડવાનું ગૌણ બની ગયું.

અચાનક મંજરીના પ્રાણ પાછા આવ્યા હોય એમ એ દોડી અને બન્ને રડતાં બાળકોને ખોળામાં લઈને બેસી પડી. ધ્રુસકે ધ્રુસકે રડતી જાય અને વત્સલને અનહદ વ્હાલ કરતી જાય. હ્રદયના બધા બંધ તોડીને વહેતાં એ આંસુ શેના હતાં? મંદારના બચી ગયાના કે પછી એક અબુધ-નિર્દોષ બાળકને મંદબુદ્ધિ ગણીને પોતે કરેલા હડહડતા અન્યાયના પ્રાયશ્ચિત રૂપે? એના મોંમાંથી અનાયાસે નિકળી ગયું, “બેટા, તને મંદબુદ્ધિ કહેવા માટે મને માફ કરી દેજે. તને તો દિવ્યબુદ્ધિ કહીને બિરદાવું તો જ મારું સાચું પ્રાયશ્ચિત થાય.”

આજે મંજરી એક પદાર્થપાઠ ચોક્કસ શીખી કે ‘માનવીને બુદ્ધિની વહેંચણી કરતી વખતે ઈશ્વર કદાચ વેરો-વંચો કરે, કોકને સમજણ ઓછી આપે એવું બને પણ સંવેદના તો એ તમામ માનવમનમાં સરખી જ મૂકે છે. અને આ સંવેદના જ માનવની માનવ હોવાની સાબિતી છે.’

– નિમિષા મજમુંદાર.

(સાભાર હિતેશ પટેલ, અમર કથાઓ ગૃપ)