વલ્લભીપુર પ્રાચીન મૈત્રક વંશ (૪૭૦-૭૮૮ ઈ.સ.) ની રાજધાની હતી. શબ્દકોશમાં “વલભી” શબ્દનો અર્થ ‘છજું’ ઢળતું છાપરું અને ભારવટિયું; વળી કે વાંસ નીચે નાખેલ લાકડું’ એવો મળે છે.આ નગર નદીની બે શાખાઓ વચ્ચે આવેલ ઉચ્ચ પ્રદેશ પર છે. એના મકાન ઉચ્ચા મકાનોના છાપરા જેવા કે મકાનોનો છાપરા પરના શિરોગૃહ જેવા દેખાતા હોય છે. એ ઉપર થી તે નગરનું નામ ‘વલભી‘ પડયુ એવુ ડો. આર.એન.મહેતા વ્યકત કરે છે.
તો રસિકલાલ પરીખ આ દશ્ય શબ્દ હોય તેના બે અર્થ સૂચવે છે. (૧) વલહિ-કપાસ (ર) વલહી – વલયા-વેલા- સમુદ્ર કાંઠા પર આવેલું સ્થળ આમ, જયાં કપાસનો પાક બહુ થતો હશે તે સ્થળ. મૈત્રક ભટ્ટાકે અહી મૈત્રક વંશની સ્થાપના કરી પોતાની રાજધાની સ્થાપી (સને: ૪૭૦). આ પૂર્વે મોર્યથી ગુપ્ત કાળ સુધી સૌરાષ્ટ્રનું પ્રમુખ મથક ગિરીનગર (હાલનુ જુનાગઢ) હતુ.
વલભીના પતન વિશે કેટલીક લોકવાર્તા ઓ પ્રચલિત છે અને જનશ્રુતિ તરિકે તે ઇતિહાસનું સ્વરૂપ પામી છે. આ કથા જૈન પ્રબંધોમા આપેલી છે, તેથી તેની નોંધ લેવી આવશ્યક છે…..
વલભીના પતનમા નિમિત્તરૂપ કથા પ્રચલિત છે. શીલાઆદિત્યના સમયમાં એક મારવાડી વેપારી વલભીપુરમાં પોતાનું નસીબ અજમાવવા આવી પહોંચ્યો. નામ એનું કાકુ તે તદ્દન નિર્ધન હતો. કાકુએ વલભીપુરમાં આવી ઘીનો ધંધો શરૂ કર્યો. ધીમેધીમે ધંધો જામતો ગયો. એ હજારપતિ થયો, લખપતિ થયો અને પછી કરોડપતિ થયો. એને ત્યાં અબજોની સમૃદ્ધિ થઇ ગઇ.
શીલાદિત્યની કુંવરી અને કાકુ મારવાડીની દીકરીને સખીપણા હતાં. એક વાર રાજાની કુંવરી કાકુને ત્યાં આવી ત્યારે તેની દીકરી હીરાજડિત કાંસકીથી વાળ ઓળતી હતી. કુંવરીના મનમાં એ કાંસકી વસી ગઇ. તેણે પોતાની બહેનપણી પાસેથી એ કાંસકી માગી, પરંતુ કાકુની દીકરીએ તે આપી નહીં. આથી કુંવરી એ રાજાને ફરિયાદ કરી. રાજાએ કાકુ અને તેની દીકરીને કુંવરીને કાંસકી આપવા બોલાવ્યા.
રાજાએ એકના હજાર આપવા કહ્યું છતાં પણ કાકુ કાંસકી આપવા તૈયાર ન થયો એટલે રાજા ગુસ્સે થયો અને સૈનિકો મોકલી બળજબરીથી કાંસકી પડાવી લીધી.
કાકુ રોષે ભરાયો. વેરની આગમાં તે ગયો સિંધના રાજા પાસે. તેણે તેની આગળ વલભીની જાહોજલાલીનું વર્ણન કરી તેને વલભી લૂ ટવા બોલાવ્યો. સિંધના રાજાએ આવીને શીલાદિત્યને હરાવ્યો વલભીનો નાશ કર્યો અને કાકુ જેવાં નમકહરામ માણસને પણ મારી નાખ્યો અને લૂ ટી લીધો. એક નાનકડી કાંસકીને નિમિત્તે એક મહાનગરનો વિનાશ થયો.
સંપાદક :- પ્રજાપતિ તુષાર “ઝાકળ” (અમર કથાઓ ગ્રુપ)