જાણો એક નાનો એવો અવગુણ કઈ રીતે જીવનને બરબાદ કરી શકે છે, વાંચો જીવનમાં ઉપયોગી થાય એવી કથા.

0
566

મહાવીર સ્વામી પ્રવચન આપી રહ્યા હતા અને બધા શિષ્ય સાંભળી રહ્યા હતા. શિષ્ય પ્રશ્ન પૂછી રહ્યા હતા અને મહાવીર સ્વામી તેના જવાબ આપી રહ્યા હતા. ત્યારે કોઈએ એક પ્રશ્ન પૂછ્યો કે, વ્યક્તિ ક્યારે પોતાના આચરણ માંથી નીચા આવે છે? કયું એવું કામ છે, જેના કારણે જ વ્યક્તિનું પતન થઇ જાય છે? તે કોઈ એક કામ છે કે એવા અનેક કામ છે, મહેરબાની કરી તેની વ્યાખ્યા કરો.

પછી મહાવીર સ્વામીએ કહ્યું, હું ઉત્તર આપું તે પહેલા તમે ઉત્તર આપો. એ પછી બધા શિષ્યોએ પોતપોતાના જવાબ આપ્યા. કોઈ શિષ્યએ જણાવ્યું કે, અહંકાર પતનનું સૌથી મોટું કારણ છે, તો કોઈ બોલ્યા કામવાસનાને કારણે જ બધું બરબાદ થઇ જાય છે, કોઈએ લોભને મોટું કારણ ગણાવ્યું તો કોઈએ ગુસ્સાને.

મહાવીર સ્વામીએ કોઈની વાતને કાપી નહિ અને બધાના જવાબ સાંભળ્યા. પછી એક પ્રશ્ન પૂછ્યો કે, જો આપણી પાસે એક કમંડળ છે, તેમાં પાણી ભરી દઈએ અને તેણે નદીમાં છોડી દઈએ તો શું તે ડૂબી જશે?

પછી શિષ્યોએ જણાવ્યું કે, જો કમંડળનો આકાર યોગ્ય હશે તો તે ડૂબશે નહિ, તરશે.

પછી મહાવીર સ્વામીએ પૂછ્યું, જો તેમાં કાણું પડી જાય તો?

શિષ્યોએ જણાવ્યું, તો પછી તો ડૂબી જશે.

પછી મહાવીરજી બોલ્યા કાણું નાનું હોય કે મોટું, શું તેનાથી કોઈ ફરક પડશે?

તો શિષ્ય બોલ્યા, જો કાણું નાનું હશે તો કમંડળ મોડેથી ડૂબશે અને કાણું મોટું હશે તો જલ્દી ડૂબી જશે.

મહાવીરજીએ ફરી પૂછ્યું, કાણું જો જમણી તરફ હોય તો ઓછો ફરક પડશે કે ડાબી તરફ હોય તો વધુ ફરક પડશે.

તમામ શિષ્યોએ કહ્યું, કાણું ક્યાંય પણ હોય, કમંડળ ડૂબશે જ.

પછી મહાવીર સ્વામી બોલ્યા, બસ એ જ વાત છે. આ આપણું શરીર પણ એક કમંડળ જેવું છે અને આપણા અવગુણ કાણાં જેવા હોય છે. જો અવગુણ નાનો એવો પણ હોય તો આપણું જીવન બરબાદ થઇ શકે છે. કામ, ક્રોધ, લોભ, મો-હ, અહંકાર, ઈર્ષા જેવા અવગુણોથી દુર રહો.

ઉપદેશ – જો આપણા સ્વભાવમાં કોઈ અવગુણ આવી જાય તો આપણું પતન થઇ શકે છે. ધ્યાન રાખો એક નાનું એવું ખરાબ કામ આખા જીવનની તપસ્યા ઉપર કલંક લગાવી શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.