એકાદશીના દિવસે દાનનું મહત્વ કેમ? નવ ગ્રહો સાથે જોડાયેલો છે તેનો સંબંધ, જાણો વિસ્તારથી.

0
1310

મને બરાબર યાદ છે ૧૯૫૮ થી ૧૯૬૦ આસપાસના મારા નાનપણના એ દિવસો જ્યારે મારી ઉંમર દસ-બાર વર્ષની હતી. ગામડામાં જન્મ અને એ જમાનામાં ગામડાઓમાં બ્રાહ્મણોનો લોકો બહુ આદર કરતા !! અમારી આજુબાજુ મોટાભાગે ખેડૂતોની વસ્તી!

દર મહિનાની સુદ અને વદ એકાદશીના દિવસે મારા ઘરે કેટલાક પટેલ અને ઇતર જ્ઞાતિના પડોશીઓ અમારા ઘરે સીધું આપી જતા. લોકો થાળીમાં એક શેર જેટલો ઘઉંનો લોટ, એક વાટકી ચોખા, એક વાટકી તુવેરની કે ચણાની દાળ, થોડો ગોળ, તાજાં શાકભાજી, એક વાડકી થોડું તેલ અને એક વાડકીમાં થોડુંક ઘી હોય !! મારી બા આ બધું જુદા જુદા વાસણમાં કાઢી લે અને ખાલી થાળી વાડકીઓ પાછી આપે. મકરસંક્રાંતિના દિવસે પણ ઘણી બધી તલપાપડી અમારા ઘરે આપી જતા.

એ ઉંમરમાં તો મને આ બધું દાન કંઈ સમજાતું નહીં કે લોકો કેમ આ બધું અમારા ઘરે આપી જાય છે. પણ વર્ષો પછી જેમ જેમ જ્યોતિષનો ગહન અભ્યાસ શરૂ કર્યો ત્યારે નવ ગ્રહોના આ દાનનું મહત્વ મને સમજાયું. હા એ સીધું હકીકતમાં તો નવ ગ્રહોનું દાન જ હતું !! તલપાપડી સૂર્યનું દાન હતું. શ્રદ્ધાપૂર્વક લોકો એ જમાનામાં પ્રેમથી આવાં દાન કરતાં.

એ પરંપરા અત્યારે તો ગામડાઓમાં પણ લગભગ બંધ થઇ ગઇ છે. જમાનો ઘણો બદલાઈ ગયો છે અને શ્રદ્ધા તૂટતી જાય છે. બસ આ સીધું એટલે કે ગ્રહોનાં દાન વિશે લખવાનું આજે મન થયું એટલે થોડુંક લખી રહ્યો છું.

સૂર્ય આપણું જીવન છે. સૂર્યના પ્રાણતત્વથી જ પૃથ્વી ઉપર આપણું અસ્તિત્વ છે. આપણે શ્વાસમાં લેતા પ્રાણવાયુ માં રહેલું પ્રાણતત્વ આપણા રક્તકણોને એનર્જી આપે છે. સૂર્ય આપણું ધબકતું હૃદય છે. તમામ ઋતુઓ સૂર્યના કારણે છે. ખોરાક-પાણી ઓક્સિજન એ બધું જ સૂર્યની કૃપા છે. પૃથ્વી પરનું તમામ અનાજ સૂર્યના કંટ્રોલ માં આવે છે. એટલે ઘઉં એ સૂર્યનું દાન છે.

ચંદ્ર આપણા જીવનની ગતિ છે. ચંદ્ર આપણું મન છે, આપણા વિચારો છે. ચંદ્ર નો અમલ આપણાં ફેફસાં ઉપર છે અને શ્વાસોશ્વાસ ઉપર છે. જીવનમાં આપણને માતાનો જે પ્રેમ મળે છે એ ચંદ્રની આભારી છે. ચંદ્રને દૂધ અને ચોખા અતિપ્રિય છે. એટલે ચોખા એ ચંદ્રનું દાન છે.

મંગળ આપણું મગજ છે. મગજમાં રહેલી ઇલેક્ટ્રિસિટી મંગળ સંભાળે છે. આપણા શરીરની સંપૂર્ણ તાકાત મંગળના કારણે છે. આપણી ઈમ્યૂન સિસ્ટમ પણ મંગળ સંભાળે છે. આપણી તમામ સાહસિકતા અને નીડરતા મંગળના કારણે છે. ગોળ એ શક્તિનું પ્રતિક છે. એટલે ગોળ એ મંગળનું દાન છે.

આપણા શરીરમાં જ્ઞાનતંતુઓનું જે પણ નેટવર્ક છે તે બધું બુધ સંભાળે છે. મગજમાં રહેલા ન્યૂરોન્સ બુધ સંભાળે છે. આપણા શરીરની ચામડી ઉપર બુધ નો અમલ છે. આપણી સૂંઘવાની શક્તિ સ્વાદ પારખવાની શક્તિ સાંભળવાની શક્તિ વગેરે બુધ સંભાળે છે. આપણી વાણી ઉપર સંપૂર્ણ કંટ્રોલ બુધનો છે.

આખા જગતનું કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટનું નેટવર્ક બુધ ને આભારી છે. આપણા મગજમાં રહેલાં ડોપામાઈન ઓક્સીટોસિન સેરોટોનિન અને એન્ડોર્ફિન નામનાં ચાર પ્રકારનાં કેમિકલ બુધ સંભાળે છે. બુધને લીલો રંગ પ્રિય છે એટલે લીલાં શાકભાજી એ બુધનું દાન છે.

ગુરુ આપણા જીવનના તમામ માંગલિક પ્રસંગો સંભાળે છે. આપણા પૂજાઘર ઉપર ગુરુ નો અમલ છે. ગુરુની કૃપા વગર ઘરમાં માંગલિક પ્રસંગ આવતો નથી. સંતાન પ્રાપ્તિ પણ ગુરુના આશીર્વાદથી થાય છે. આપણો સંપૂર્ણ વિદ્યાભ્યાસ ગુરુના પ્રભાવના કારણે છે. જે પણ આર્થિક ઉપાર્જન આપણે કરીએ છીએ તે ગુરુના કારણે છે. ગુરુ આપણા શરીરમાં લીવર અને ચરબી સંભાળે છે. ગુરુને પીળો રંગ પસંદ છે. એટલે તુવરની પીળી દાળ અથવા ચણાની દાળ એ ગુરુનું દાન છે.

શુક્ર આપણું દાંપત્યજીવન સંભાળે છે. આપણા જીવનમાં જે પણ પ્યાર અને રોમાન્સ આપણને મળે છે તે શુક્રની કૃપા હોય તો જ મળે છે. અઢળક પૈસો અને વૈભવ શુક્ર આપે છે. શુક્રની કૃપા વગર કરોડપતિ બની શકાતું નથી. વિશાળ બંગલા અને લેટેસ્ટ ગાડીઓ માત્ર શુક્ર જ આપી શકે છે. આપણી આંખો ઉપર શુક્ર નો અમલ છે. શુક્ર જેટલો પાવરફુલ હોય એટલી આંખો આકર્ષક હોય !! સ્ત્રીઓનું સૌંદર્ય શુક્ર ને આભારી છે. શરીરમાં રહેલી શર્કરા અને વી ર્યઉપર પણ શુક્ર નો અમલ છે. શુક્ર નો અમલ દહીં, ઘી તેલ ઉપર છે એટલે શુક્ર નું દાન ઘી છે.

શનિનું આપણા જીવનમાં ઘણું બધું મહત્વ છે. શરીરમાં રહેલા તમામ પ્રકારના વાયુ અને સમગ્ર હાડકાં શનિ સંભાળે છે. પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન જેવા શરીર નું નિયમન કરતા પાંચ વાયુ પણ શનિ સંભાળે છે. વૃદ્ધાવસ્થા ઉપર શનિનો અમલ છે. જોબ એટલે કે નોકરી શનિ જ અપાવી શકે છે. આખા જગતનું ફાઇનાન્સ અને સ્ટોક માર્કેટ શનિ સંભાળે છે. શનિને તેલ પ્રિય છે એટલે શનિનું દાન કાળી વસ્તુ અથવા તેલ છે.

રાહુ કેતુ વિશે તો જેટલું લખીએ એટલું ઓછું છે. રાહુ રાજા પણ બનાવે છે, રંક પણ બનાવે છે. આખા જગતની સરકારો માત્ર રાહુ જ ચલાવે છે. રાહુની કૃપા વગર કોઈ પોલિટિક્સમાં જઈ શકતું નથી. મિલિયોનર અને બિલિયોનર માત્ર રાહુ જ બનાવી શકે છે. અત્યારે કળિયુગમાં રાહુ ની સત્તા ચાલે છે. તો કેતુ આધ્યાત્મિક ચેતના સાથે જોડાયેલો છે. સત્સંગ ઈશ્વર સ્મરણ ધ્યાન સમાધિ મોક્ષ વગેરે કેતુ ની કૃપાથી જ મળે છે. રાહુ-કેતુના દાન માટે મીઠું અને મસાલા છે.

ગ્રહોના દોષ માટે, ગ્રહોના નડતર માટે, ગ્રહોને શાંત કરવા માટે, જીવનમાં આવતી આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા માટે, જીવનના અભાવો દૂર કરવા માટે, સુખી દામ્પત્યજીવન માટે, સંતાનસુખ પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રોમાં આ રીતે ગ્રહોની પૂજા અને દાનનું મહત્વ બતાવેલું છે. કદાચ દાનનું આ મહત્વ જૂના જમાનાના લોકો સારી પેઠે જાણતા હતા એટલે જ નવગ્રહના દાનની આ પ્રથા એ જમાનામાં હતી અને એ દાન સ્વરૂપે બ્રાહ્મણોને કે મંદિરમાં સીધું આપવાની પરંપરા ચાલુ હતી !!

– અશ્વિન રાવલ (અમદાવાદ)