‘એકલો જાને રે….’ બીજાનો સાથ શોધવા રહ્યા તો સફળતાની શક્યતા ઘટી જાય છે, વાંચો ઉપયોગી લેખ.

0
542

એક પ્રખ્યાત ગીત છે. હાક તારી સુણી કોઇ ના આવે તો એકલો જાને રે….(ટાગોર). આ ગીત એટલા માટે યાદ આવ્યું કે હમણાં થોડા દિવસ પહેલાં અમે સાંજે ચાલવા નીકળ્યા હતા. ત્યારે તળાવની પાળ પાસે એક સપાટ મેદાન હતું. તે મેદાનમાં કસરત માટે પુલપ્સ અને જીમ્નાસ્ટીક માટેના બે પાઈપ લગાવેલા હતા. તેના પર એક છોકરો કસરત કરી રહ્યો હતો.

વગડા જેવો વિસ્તાર હતો પણ એ છોકરો કસરતના સાધન દ્વારા એકલો કસરત કરી રહ્યો હતો. આ જોઈને મને અત્યંત આનંદની લાગણી થઈ કે ખરેખર યુવાનોએ આ કરવાનું છે. સાથે કોઈ ના આવે તો પણ એકલા જઈને વગડામાં કસરત કરવાની શક્તિ યુવાનમાં હોવી જોઈએ.

આજકાલ છોકરાઓ ગોંદરે ભેગા થઈને ટોળું કરીને પોતાના મોબાઈલ લઈને ગપાટા મારે છે. એનો અર્થ કે મોબાઈલ વાપરવા માટે પણ આપણા છોકરાઓને ટોળામાં બેસવું પડે છે. અર્થાત એકલા બેસવા તૈયાર જ નથી. જ્યારે પણ કોઈ કામ તમે એકલા કરવા તૈયાર થાઓ છો ત્યારે જ તમે તે કરી શકો છો. જો બીજાનો સાથ શોધવા રહ્યા તો સફળતાની શક્યતા ઘટી જાય છે. બીજા માણસો પોતાની અનુકુળતા પ્રતિકુળતા વિશે વિચારીને તમને સાથ આપે એવું ભાગ્યે જ શક્ય બનશે. આથી જો તમારે તમારું ધારેલું કરવું હોય તો જાતે જ કરવું પડશે.

મને અત્યારે લાવરીના બચ્ચાની વાર્તા યાદ આવી રહી છે. લાવરી તેના બચ્ચા સાથે ખેતરમાં રહેતી હતી. ખેતરમાં પાક તૈયાર થઇ ગયો હતો. લણવાનો બાકી હતો. એક દિવસ ખેડૂતે કહ્યું કે, કાલે આપણા ભાઈને મદદ માટે બોલાવીને અનાજ વાઢી લઈશું. આ સાંભળીને લાવરીના બચ્ચાએ પોતાની માને કહ્યું કે, માં કાલે આપણે આપણે ઉડી જવું પડશે. કારણ કે ખેડૂત આ બધું લણી લેવાનો છે.

લાવરીએ કહ્યું કે ચિંતા ના કરશો. કોઈ નહિ આવે અને ખરેખર બીજા દિવસે ખેડૂતને મદદ કરવા તેનો ભાઈ ન આવ્યો. ત્યારબાદ ખેડૂતે કહ્યું કે, હું મારા પાડોશીને બોલાવીશ. ત્યારે વળી પાછું બચ્ચાએ લાવરીને કહ્યું કે, હવે આપણે ઉડી જવું પડશે. ત્યારે પણ લાવરીએ કહ્યું કે ઉડી જવાની કોઈ જરૂર નથી. ચિંતા ના કરશો. કોઈ નહિ આવે અને ખરેખર બીજા દિવસે કોઈ ના આવ્યું.

કોઈ ન આવ્યું એટલે ખેડૂત કંટાળ્યો અને છેલ્લે જાહેર કરી દીધું કે, કાલે હું ખેતર જાતે જ વાઢી નાખીશ. ત્યારે લાવરીએ સામે ચાલીને પોતાના બચ્ચાને કહ્યું કે, હવે આપણે ઉડી જવું પડશે. કારણકે હવે ખેડૂતે જાતે કામ કરવાનું નક્કી કર્યું છે.

આમ તમે કોઈ કામ કરવા એકલા કટિબદ્ધ થાઓ છો ત્યારે જ તમે તે કરી શકો છો. બીજા લોકોની અંદર તમારા જેટલો ઉત્સાહ કે આવેગ હોતો નથી. આથી એમનું મન હંમેશા કામ ન કરવા માટેના બહાના શોધવા માટે સક્રિય થાય છે. અને એકાદ બહાનું શોધવામાં માણસ સફળ થાય અને તેનો આધાર લઇને પોતે આ કામમાં મદદ કરી શકે એમ નથી એવું જણાવી દે છે. સરવાળે આપણને સફળતા મળતી નથી અને નિરાશા આવે છે. આથી જ્યારે પણ તમે નવા સંકલ્પ કરો ત્યારે પોતે એકલા જ તેને પૂરા કરવાનું વિચારો. બીજા મદદ કરે તો ચોક્કસ સારી વાત છે. પરંતુ મદદની અપેક્ષા કદી રાખશો નહીં.

ઈતિહાસમાં અનેક ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. લગભગ તમામ મહાપુરુષોએ જ્યારે પણ કોઈ નવું કામ શરૂ કરવાનું વિચાર્યું છે, ત્યારે એ કામ તેમણે પોતે જ શરૂ કર્યું છે અને ત્યારબાદ લોકો જોડાયા છે. એટલે કે હમ ચલતે રહે કારવા બનતા ગયા…

મને એવો વિચાર આવે છે કે ગામડે ગામડે યુવાનો આવી રીતે મોબાઈલ મૂકીને કસરત કરતા હોય તો આ સમાજ અને દેશ કેટલો સ્વસ્થ બની જાય.

કર્દમ ર. મોદી, આચાર્ય. પીપી હાઈસ્કૂલ, ચાણસ્મા. (અમર કથાઓ ગ્રુપ)

M.Sc., M.Ed. Maths

તા. ક. મિત્રો, લખાણોને share કરવાનો આગ્રહ રાખો. આપણે વાંચીએ એટલું પૂરતું નથી. બીજાને વંચાવવું પણ જરૂરી છે.