બધાએ ડાઘ જોયો, કોઈએ ગુણ જોયા નહીં, વાંચો આંખો પરથી દેખાવનો પડદો દૂર કરતી સ્ટોરી.

0
745

ગુણવંતી :

દેવેન માટે છોકરી જોવા જવાનું હતું.. શોભાબેને ગણેશનો દિવો કરી મનોમન પ્રાથના કરી.. ” ભગવાન ગુણીયલ વહુ આપજે..”

છોકરીવાળા શહેરમાં જ રહેતા હતા.. પતિ પત્ની , દેવેન અને નાની દિકરી માલતી રીક્ષામાં ગયા.. સામેવાળા પણ સામાન્ય ઘરના જ હતા.. સૌ બેઠા..

છોકરી તૈયાર થઈને ચા નાસ્તો લઈને આવી.. એને જોતાં વેંત જ શોભાબેન ઓળખી ગયા.. હસીને બોલ્યા .. ” બેટા .. તું..?” છોકરી પણ હસી..” હા માસી.. “

શોભાબેનને ચારેક વરસ પહેલાંનો કિસ્સો નજરે ચડ્યો..

તે દિવસે રીક્ષાવાળાની હડતાલ હતી.. પોતાને અગત્યના કામે બહારગામ જવાનું હતું.. શોભાબેન રસ્તા પર કંઈ વાહન મળે એની રાહ જોતાં થેલો લઈને ઉભા હતા.. એક છોકરી નાનકડું વાહન લઈને નિકળી.. ઉભી રહી ગઈ.. બોલી..

” માસી બસ સ્ટેન્ડે જવું છે? આજે હડતાલ છે.. રીક્ષા નહીં મળે.. મારે એ બાજુ જવું છે.. બેસી જાવ..”

બસ સ્ટેન્ડે પહોંચીને એણે આશીષ આપ્યા..” બેટા સુખી થજે..”

વડિલોમાં વાતચીત થઈ.. દેવેન અને છોકરી મળ્યા.. દેવેને ખાનગીમાં અભિપ્રાય આપ્યો.. ” બધું તો બરાબર છે.. પણ એના પગે સફેદ ડાઘ છે..”

છોકરીના વડિલોએ પણ ડાઘની ચોખવટ કરી.. ” બચપણથી જ છે.. વધતો નથી.. તેમ છતાં તમે બરાબર જોઈ લો..”

શોભાબેન અંદર ગયા.. છોકરીએ કપડાં સરખા કરી જમણા પગના કાંડા ઉપર સીક્કા જેવડો ડાઘ બતાવ્યો.. ડાઘ જોઈ એણે છોકરીના ચહેરા તરફ જોયું.. રુપ નમણાઈ ઘણી હતી.. છોકરીએ પણ ઉંચું જોયું.. બેયની નજર એક થઈ.. શોભાબેનને લાગ્યું.. કે છોકરીની આંખો જરા ભીની થઈ છે.. એ ભીની આંખોમાં એને, ” માસી બેસી જાવ..” કહેતી હસતી છોકરી દેખાણી..

” બેટા અમારું ઘર સામાન્ય છે.. દેવેનના પપ્પાને લકવાની અસર છે.. અમે એકલા ના રહી શકીએ.. તું જીવનભર સાંચવી શકીશ? દેવેન સમજુ છે.. હું કહીશ તો માની જશે.. પણ.. તે દિવસે તું મને બસ સ્ટેન્ડે લઈ ગઈ હતી.. એવી જ લાગણીથી અમને જીવનના છેડા સુધી લઈ જઈશ?

છોકરી બોલી.. ” હું તમને કંઈ ફરિયાદ કરવાની તક નહીં આપું.. મને ઘણા જોઈ ગયા.. બધાએ આ ડાઘ જોયો.. કોઈએ ગુણ જોયા નહીં..”

” પણ દિકરી , હું તો ગુણ જ જોઈશ.. મારે તો ગુણીયલ વહુ જોઈએ..”

છોકરી મલકી..

શોભાબેને પુછ્યું.. ” પણ મેં હજી તારું નામ તો પુછ્યું જ નથી..”

” મારું નામ ગુણવંતી..” છોકરી બોલી..

– જયંતીલાલ ચૌહાણ ૧૩-૬-૨૧ (અમર કથાઓ ગ્રુપ)